Thu Jun 18 2026

Logo

સાત ભારતીય ખેલાડી આઇપીએલમાં કૅપ્ટન છે, પણ ભારતની ટી-20 ટીમમાં નથી!

2026-03-31 17:19:48
Author: Ajay Motiwala
Article Image

મુંબઈઃ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 19મી સીઝનની ઘણી વિશેષતાઓ આપણે અગાઉ જાણી ગયા, પણ એની વધુ એક ખાસિયત એ છે કે આ વખતની સીઝનમાં સાત ટીમ એવી છે જેના કૅપ્ટન ભારતની હાલની ટી-20 ટીમમાં નથી. આઇપીએલ ટી-20 ટૂર્નામેન્ટ છે, પરંતુ એના સાત ભારતીય સુકાની (INDIAN CAPTAINS) ટીમ ઇન્ડિયાની ટી-20 ફૉર્મેટની ટીમમાં થોડા સમયથી સ્થાન નથી મેળવી શક્યા.

સૂર્યા કૅપ્ટન નથી, પણ ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન સુકાની છે

બીજું એક મોટું આશ્ચર્ય એ છે સૂર્યકુમાર યાદવ આઇપીએલમાં કૅપ્ટન નથી, પણ તે બે વર્ષથી ભારતનો ટી-20 કૅપ્ટન છે અને તાજેતરમાં જ તેના નેતૃત્વમાં ભારતે ટી-20 વર્લ્ડ કપ જીતી લીધો હતો. તે મુંબઈ ઇન્ડિયન્સ ટીમમાં છે અને એનો સુકાની હાર્દિક પંડ્યા છે.

તમામ 10 ટીમના કૅપ્ટન ભારતીય

આનંદની વાત એ છે કે આ વખતની આઇપીએલમાં અત્યારે તમામ 10 ટીમના કૅપ્ટનપદે ભારતીય ખેલાડી છે. આ વિક્રમજનક અવસર સાથે આઇપીએલની નવી સીઝનની ધમાકેદાર શરૂઆત થઈ છે. શનિવારે પ્રથમ મૅચ બેંગ્લૂરુએ, રવિવારે બીજી મૅચ મુંબઈએ અને સોમવારે ત્રીજી મૅચ રાજસ્થાને જીતી લીધી હતી.

કિશન, હાર્દિક, અક્ષર ભારતની ટી-20 ટીમમાં છે

ઇશાન કિશન હાલમાં પૅટ કમિન્સની ગેરહાજરીમાં થોડા દિવસ માટે સનરાઇઝર્સ હૈદરાબાદનું સુકાન સંભાળી રહ્યો છે. કિશન ભારતની ટી-20 ટીમમાં છે. હાર્દિક પંડ્યા મુંબઈ ઇન્ડિયન્સનો સુકાની છે અને તે ભારતની ટી-20 ટીમનો મુખ્ય ઑલરાઉન્ડર છે. ઑલરાઉન્ડર અક્ષર પટેલ દિલ્હી કૅપિટલ્સનો કૅપ્ટન છે અને કિશન-હાર્દિકની જેમ તે પણ ટી-20 વર્લ્ડ ચૅમ્પિયન ટીમનો મુખ્ય હિસ્સો છે.

સાત ટીમના ભારતીય કૅપ્ટન પર એક નજર...

(1) આઇપીએલમાં વર્તમાન ભારતીય સુકાનીઓમાંથી એકમાત્ર રજત પાટીદાર એવો છે જેને હજી સુધી ભારત વતી ટી-20 ફૉર્મેટમાં નથી રમવા મળ્યું. પાટીદાર રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (આરસીબી)નો કૅપ્ટન છે અને તેની કૅપ્ટન્સીમાં 2025માં આ ટીમે પહેલી વખત ટાઇટલ પર કબજો કર્યો હતો. ભારત વતી પાટીદાર ત્રણ ટેસ્ટ અને એક વન-ડે રમી ચૂક્યો છે. 

(2) શ્રેયસ ઐયર પંજાબ કિંગ્સનો કૅપ્ટન છે, પણ હાલમાં તે ભારતની ટી-20 ટીમનો હિસ્સો નથી. તે ભારત વતી 51 ટી-20 મૅચ રમી ચૂક્યો છે.

(3) અજિંક્ય રહાણે કોલકાતા નાઇટ રાઇડર્સનો કૅપ્ટન છે, પણ ભારત વતી 20 ટી-20 રમ્યા બાદ 2016ની સાલ પછી તેને ફરી નથી રમવા મળ્યું.

(4) શુભમન ગિલ ગુજરાત ટાઇટન્સનો સુકાની છે. તે ભારતનો ટેસ્ટ અને વન-ડે સુકાની છે, પરંતુ ભારત વતી 36 ટી-20 રમી ચૂકેલા ગિલને ડિસેમ્બર, 2025 પછી ફરી ભારત વતી ટી-20માં નથી રમવા મળ્યું.

(5) ઋતુરાજ ગાયકવાડ ચેન્નઈ સુપર કિંગ્સનો કૅપ્ટન છે, પરંતુ તે હાલમાં ભારતની ટી-20 ટીમમાં સ્થાન નથી મેળવી શકતો. ભારત વતી 23 ટી-20 રમી ચૂકેલો ગાયકવાડ જુલાઈ 2024 પછી ફરી ભારત વતી ટી-20 નથી રમી શક્યો.

(6) રિયાન પરાગ રાજસ્થાન રૉયલ્સનો કૅપ્ટન છે, પણ ભારત વતી નવ ટી-20 રમ્યા બાદ ઑક્ટોબર, 2024 પછી તેને ફરી ભારત વતી ટી-20 નથી રમવા મળી.

(7) રિષભ પંત લખનઊ સુપર જાયન્ટ્સનો કૅપ્ટન છે, પણ ભારત વતી 76 ટી-20 રમવા છતાં તેને બે વર્ષથી ફરી ભારતીય ટી-20 ટીમમાં જગ્યા નથી મળી.