જ્વલંત નાયક
Once was a ship that put to sea
The name of that ship was a Billy of Tea...
શું તમે આ ગીત સાંભળ્યું છે? શબ્દો વાંચીને તમે મોટે ભાગે ના જ પાડશો, પણ એક વખત મોબાઈલમાં સર્ચ કરી જુઓ, સાંભળ્યા પછી લાગશે કે હા યાર, આ ગીત તો મેં ક્યાંક સાંભળ્યું છે! આ કમાલ છે `સી શેન્ટી' તરીકે ઓળખાતા સંગીતનો.
છેલ્લાં પાંચેક વર્ષથી સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર ભારે વાયરલ થયેલ સી શેન્ટી ટ્રેન્ડ વિષે વાત કરતાં પહેલા તાજેતરની એક ઘટના વિશે વાત કરીએ. ગત સપ્તાહે સમાચાર હતા કે હોર્મુઝની ખાડીમાં ફસાયેલું એક ભારતીય જહાજ કેપ્ટનની સૂઝબૂઝને કારણે ઈરાની આક્રમણથી બચીને હેમખેમ ભારત પહોંચી શક્યું. કેપ્ટને ઈરાની રડારથી બચવા માટે જહાજની નેવિગેશન સિસ્ટમ બંધ કરી દીધેલી. પરિણામે થોડા સમય માટે જહાજ ડાર્ક મોડમાં જતું રહ્યું.
ડાર્ક મોડ એટલે એવી અવસ્થા જેમાં જહાજ આખા વિશ્વ સાથે સંપૂર્ણપણે સંપર્કવિહોણું થઇ જાય છે. આવું કરવાથી દુશ્મનના રડારથી તો બચી શકાય, પરંતુ એ દરમિયાન મધદરિયે જો ટેકનિકલ સમસ્યા કે અન્ય કોઈ નવાજૂની ઊભી થાય તો જહાજ અને એના ખલાસીઓના ભવિષ્ય વિષે માત્ર કલ્પના જ કરવાની રહે. સદનસીબે ભારતીય જહાજ સાથે એવું કશું ન થયું. જહાજના કેપ્ટને કેલ્ક્યુલેટિવ રિસ્ક લીધું જે સફળ નીવડ્યું.
મૂળ વાત એ છે કે દરિયાની છાતી પર સરકતા જહાજની મુસાફરી જેટલી આહલાદક દેખાય છે એટલી હોતી નથી. અહીં પળેપળ જીવનું જોખમ હોવાનું. આ બધા વચ્ચે ખલાસીઓએ ખારી હવામાં વચ્ચે શરીર તોડી નાખે એવો શારીરિક શ્રમ કરવો પડતો હોય છે. અત્યારે તો ઘણી આધુનિક ટેકનોલોજી અને સાધનો આવી ગયા, પણ જરા વિચાર કરો કે સદીઓ પહેલાના જહાજીઓ તમામ વિષમ સંજોગો અને સતત શારીરિક શ્રમ વચ્ચે પોતાનો જુસ્સો કઈ રીતે ટકાવી રાખતા હશે? જવાબ છે સંગીત.
જગત આખાની દરિયાખેડૂ પ્રજા પાસે પોતપોતાની પ્રાદેશિક સંસ્કૃતિને અનુરૂપ ગીત-સંગીતનો ખજાનો છે. આપણે ત્યાં ગુજરાત અને મહારાષ્ટ્રના કોળીઓ-ખારવાઓનાં ગીતો તો જાણીતાં છે જ. એમાંનાં કેટલાંક તો ફિલ્મો જેવાં માધ્યમ દ્વારા મેન સ્ટ્રીમ મ્યુઝિકનો ય હિસ્સો બની ચૂક્યાં છે. દાખલા તરીકે `દિલ હૈ કી માનતા નહિ' (1991) ફિલ્મનું પ્રખ્યાત કોળી ગીત `ગલ્યાન સાખલી સોન્યાચી, હિ પોરી કોણાચી!' (ગળામાં સોનાની સાંકળી પહેરેલી આ કન્યા કોની છે?)
સી શેન્ટી તમારા શરીરને લયબદ્ધ કરે છે. ખૂબીની વાત એ છે કે ભારતીય દરિયાખેડૂઓનાં ગીતોનો ભાવ વિદેશી દરિયાખેડૂ કરતા થોડો જુદો પડે છે.
આપણે ત્યાં ભાવનાપ્રધાન ગીતો વધુ છે. જ્યારે વિદેશી ખારવાઓએ એવાં ગીતો બનાવ્યાં જે જહાજ ઉપર શારીરિક શ્રમ કરતી વખતે ખલાસીઓના શરીરને એક લય પૂરો પાડે. આવાં ગીતો એટલે જ Sea Shanty - સી શેન્ટી.
કામ કરવાનો જુસ્સો ટકી રહે એ માટે જ ખાસ સી શેન્ટી બનાવવામાં આવતા. હવે માણસનું શરીર કંઈ એક જ લયમાં વિવિધ કામ ન કરી શકે. દોરડું ખેંચતી વખતે કે જહાજનું સઢ ચડાવતી વખતે શરીરનો લય જુદો જુદો હોવાનો.
ખૂબીની વાત એ છે કે આ રીતના જુદાં જુદાં કામો માટે ખાસ જુદાં જુદાં શેન્ટીની રચના થઇ છે. જેમ કે રસ્સો ઝડપથી ખેંચવો હોય ત્યારે `What shall we do with a drunken sailor' જેવા શોર્ટ ડ્રેગ શેન્ટી ગાવામાં આવે છે. શરૂઆતમાં જેનો ઉલ્લેખ કર્યો એ `વન્સ વોઝ અ શિપ..' અને આ `વ્હોટ શેલ વી ડુ...' ગીતો આજે ય બહુ લોકપ્રિય છે. સઢ ચડાવવાના કામમાં ધીમા અને ઊંડા શ્વાસ સાથે કામ કરવું પડે છે. એમાં ઉતાવળ ન ચાલે.
એટલે એના માટે રચાયું `Blow the Man Down, Haul Away Joe'. આ ગીતનો લય એવો છે જે લોન્ગ ડે્રગ (લાંબે સુધી રસ્સો ખેંચવો) જેવાં કામો માટે લય પૂરો પાડે. જહાજમાં ભરાઈ ગયેલાં પાણીને ઉલેચવા જેવા બોરિગ કામ માટે પણ વિશેષ શેન્ટી રચાયા છે.
આવાં ગીતોની ખાસિયત એવી છે કે એક વ્યક્તિ (shant yman) ગીતની શરૂઆત કરે અને બાકીના બધા એનો જવાબ આપતા હોય એ રીતે કોરસમાં જોડાઈને ગાય. આને call-and-response સ્ટાઈલ કહેવાય. આનાથી બધા એકસાથે રસ્સો ખેંચે, સઢ ઉપર ચઢાવે કે પંપ ચલાવે એટલે ગીતના લય અને જુસ્સા સાથે તમાં શરીર આપોઆપ તાલબદ્ધ રીતે કામ કરતું રહે અને થાક ઓછો લાગે. સૈનિકોના માર્ચિંગ સોંગ જેવી જ આ ટેક્નિક છે.
દાખલા તરીકે રાજ કપૂરની દાયકાઓ જૂની ફિલ્મ `આવારા'નું એક ગીત, જેમાં શેન્ટી મેન એટલે કે મુખ્ય નાવિક લલકારે છે `નૈયા તેરી મઝધાર...' જવાબમાં બીજા તમામ ખલાસીઓ `હોશિયાર, હોશિયાર' કહીને જવાબ વાળે છે. આટલું જૂનું ઉદાહરણ આપવા બદલ જો તમારું નાકનું ટીચકું ચડી ગયું હોય તો જાણી લો કે છેલ્લા પાંચ વર્ષથી ઠેઠ અઢારમી સદીમાં રચાયેલા શેન્ટી સોન્ગ્સ જગત આખાના યુવાનોને ઘેલું લગાડી રહ્યા છે.
પણ એક મિનિટ, અત્યારે તો પહેલાં જેવાં જહાજો નથી રહ્યાં. તો આ ગીતો પર જુવાનિયાઓ કરે છે શું?
જવાબ સિમ્પલ છે. આજકાલ શેન્ટી સોન્ગ્સ પર વિવિધ ડાન્સ સ્ટેપ્સ કરવાનો ટ્રેન્ડ વાયરલ થયો છે. શેન્ટીના નવા નવા મ્યુઝિક આલબમ્સ બની રહ્યા છે. કેટલાય જુવાનિયાઓ તો આ ગીતો પર વર્કઆઉટ્સ એટલે કે શારીરિક કસરતના મૂવ્સ કરવાનું શરૂ કર્યું છે. આ ટ્રેન્ડ જે રીતે ચાલી રહ્યો છે, એ જોતા આવનારાં વર્ષોમાં ય શેન્ટીઝ જીવતા રહેશે એમાં બેમત નથી. આપણાં હિન્દી ફિલ્મી ગીતોમાં કયું શેન્ટી તમને વાયરલ કરવા જેવું લાગે છે?