Sat Jun 20 2026

Logo

અભિનય - એક આગવી રહસ્ય કથા

2026-06-20 11:09:00
Author: Tina Doshi
Article Image

પત્રનો એક એક અક્ષર કુહાડો બનીને શરીર પર ઘા કરી રહેલો. ઘામાંથી લોહી વહેવા લાગ્યું. શરીરની સાથે મન પણ લોહીલુહાણ થઇ ગયું.

એક આગવી રહસ્ય કથા - ટીના દોશી

ગૌતમનો ગુસ્સો સાતમા આસમાને આંબી ગયો. ક્રોધનો પારો ઊંચે ને ઊંચે ચડ્યો. દાંત કચકચાવ્યા એણે. એના હાથની મુઠ્ઠીઓ વળી ગઈ. જડબાં તંગ થયાં. નસકોરાં ફૂલી ગયાં. ભૃકુટી ખેંચાઈ. કપાળમાં નસો ઊપસી આવી. પોતે જે જોયું હતું એ કેમે કરીને માની શકાય એમ નહોતું. મંજરીને એ શું માનતો હતો ને એ શું નીકળી! પોતે એને પતિવ્રતા માનતો રહ્યો ને એ પાપિણી નીકળી. પોતે એને સતી માનતો રહ્યો ને એ શંખિણી નીકળી. કુ...છિ... વ્યભિ...ગૌતમના મનમાં મંજરીના સંદર્ભમાં કલ્પના ય ન કરી શકાય એવા ઘણા અપશબ્દો ઊગ્યા ને આથમી ગયા. પાંચ પાંચ વર્ષનાં લગ્નજીવન પછી આ દા’ડો જોવાનો આવશે એવું તો ધાર્યું જ ક્યાંથી હોય?

હું ગૌતમ ખરો, પણ ગૌતમ ઋષિ હોવાનો દાવો નથી કરતો, પણ એ તો અહલ્યા જ નીકળી! પીઠ પાછળ રંગરાગ... અરે, મંજરી આટલી હદે નીચે ઊતરી શકે એવો વિચાર તો દૂર દૂર સુધી ય ન હોય. ક્યાંથી હોય!  કેટલું સુખી જોડું છે પોતાનું. સારસબેલડી જેવું. હંસોની જોડ જેવું. નજરાઈ જાય એવું. મિત્રો મશ્કરીમાં કહેતા કે, તારા દાંપત્યજીવનને કાળું ટીલું કરી લેજે. એમાં કોઈ અતિશયોક્તિ નહોતી. પોતાનું અને મંજરીનું જોડકું ખરેખર ઈર્ષ્યા ઉપજાવે એવું જ હતું. 

મંજરી...નામ લેતાં જ મોંમાં મીઠાશ ઘોળાઈ ગઈ. ગૌતમને આંબે મોર બેઠો હોય એવી લાગણી થઈ. મનનો મોરલો  ટહુકવા  માંડ્યો. સૌંદર્યમૂર્તિ કે પછી અપ્સરા જેવી એમ તો નહીં કહું, પણ નજર હટાવી ન શકાય એવો આકર્ષક નાકનકશો છે મંજરીનો. મોહક નેણ. નયનબાણ ચલાવીને ઘાયલ કરનારની કથાઓ સાંભળી છે, પણ મંજરીની વિશાળ કાળી આંખોએ એવો અનુભવ કરાવ્યો. મંજરી પલક ઝુકાવે ત્યારે હૃદય એક થડકારો ચૂકી જાય. રગોમાં ફરતું લોહી ઉછાળા મારવા માંડે. દિલની ધડકનો થંભી જાય. મનમોહક દૂધિયો વાન. કાળા ભમ્મર વાળ.. ઉપલા હોઠને છેડે નાનકડો બદામી તલ ચહેરાની સુંદરતા નિખારે. ભલે વિશ્વસુંદરી નહીં, પણ મારા હૃદયની રાણી છે રાણી. 

ના, રાણી હતી. હવે નહીં. સચ્ચાઈ સામે આવ્યા પછી તો નહીં જ. આમ તો કોઈ મંજરી વિશે એલફેલ કહે તો માનું  નહીં. મંજરીની ચાલ, ચહેરા ને ચરિત્ર અંગે કોઈ ગમે તેટલું કહે તોય  ન જ માનું. ક્યાંથી માનું? પાંચ વર્ષમાં મંજરીએ એવી શંકા કરવાનું કોઈ કારણ પણ નથી આપ્યું. પણ  લોકો તો ઈર્ષ્યાળુ હોય છે. બીજાનું સુખ એમનાથી જોવાતું નથી. એટલે ઉશ્કેરે ને કાનભંભેરણી પણ કરે. એકાદ વાર કોઈકે કદાચ કંઈ ઘસાતું કહેલું પણ ખરું, પણ પોતે ન માન્યો. એક કાને સાંભળીને બીજા કાને કાઢી નાખ્યું. પણ આજે સગ્ગી આંખે પોતે જે જોયું એનું શું?  

ગૌતમની નજર સામેથી એ દૃશ્ય કેમે કરીને ખસતું નહોતું. સવાર તો રાબેતા મુજબની જ હતી. મંજરી દરવાજા સુધી રોજની જેમ જ મીઠી મુસ્કાન સાથે વળાવવા આવેલી. મધુર મલકાટ સાથે પોતે ઘરની બહાર નીકળેલો. પણ ઓફિસે જઈને યાદ આવ્યું કે પોતે અગત્યનો દસ્તાવેજ ઘેર ભૂલી ગયો છે. એટલે કલાકેકમાં જ એ ઘેર પાછો ફર્યો. જોયું તો દરવાજે તાળું. મંજરીએ કદાચ અચાનક બહાર જવું પડ્યું હશે એમ ધારીને ગૌતમે પોતાની ચાવીથી તાળું ખોલ્યું. નાનકડો કોરિડોર વટાવીને દીવાનખંડમાં આવ્યો. જમણી બાજુના વળાંકે રસોડું હતું. ડાબી બાજુ બે શયનખંડ. એમાંનો એક ગેસ્ટરૂમ. ગૌતમ પોતાના શયનકક્ષમાં ગયો. મંજરીને સેલ પર ફોન કરવાનું વિચાર્યું, પણ પછી એ વિચાર પડતો મૂક્યો. પોતે દસ્તાવેજ લઈને નીકળી જશે. નાહક મંજરીને દોડાવવાની જરૂર નથી. કોઈ કામ હશે તો જ ગઈ હશેને! 

સામાન્યપણે ઘરમાં કોઈ પણ ચીજની જરૂર હોય તો ગૌતમ મંજરીને કહે એની બીજી પળે એ વસ્તુ હાજર થઇ જતી. ઘરની ચીજવસ્તુઓ પણ મંજરીના હાથ, એના સ્પર્શથી ટેવાયેલી હતી. થતું એવું કે ગૌતમ કોઈ ચીજ શોધવા પ્રયત્ન કરે, ખાંખાંખોળાં કરે તોય એને જડે જ નહીં. મંજરીને કહે તો પટ દઈને હાજર થઇ જાય. જાણે મંજરી સાદ કરે અને પેલી ચીજ સામેથી દોડતી આવી હોય. એથી ગૌતમ ઘરના કબાટ કે અલમારી અને અન્ય કેબિનેટને ખોલતો જ નહીં. બધા દર્દોની એક દવા જેવી મંજરીને કહે એટલે કામ થઇ ગયું સમજો. પણ અત્યારે મંજરી ઘેર નહોતી. પોતે જ પેલો દસ્તાવેજ શોધવો પડે એમ હતો. ગઈ કાલે મંજરીને આપેલો. એણે સાચવીને કોઈ કબાટમાં મૂક્યો હશે. એક કબાટમાં તો કપડાં જ રહેતાં, એટલે  ગૌતમે સીધી બીજી અલમારી જ ખોલી. અલમારીના ડ્રોઅરમાં દસ્તાવેજ હોવો જોઈએ. ગૌતમે ડ્રોઅર ખોલ્યું. દસ્તાવેજ ઉપરના ભાગમાં જ હતો. એણે તરત જ એ દસ્તાવેજ લઇ લીધો. 

ગૌતમ ડ્રોઅર બંધ કરવા જતો હતો, પણ એમાં પડેલા લાલ બાંધણીના બટવાએ એનું ધ્યાન ખેંચ્યું. અગાઉ આ બટવો જોયો હોય એવું યાદ ન આવ્યું. બટવા પર ઝીણા ઝીણા આભલા ટાંકેલા, કિનારી પર શ્વેત મોતી ગૂંથેલા. બટવાની ડોરી સોનેરી હતી. ઓફિસે પાછા ફરવાની ઉતાવળ હોવા છતાં ગૌતમ એ રેશમી મુલાયમ બટવો હાથમાં લીધા વિના ન રહી શક્યો. બટવાનું મોં ખુલ્લું હતું. એટલે ગૌતમે જેવો બટવો ઉપાડ્યો કે એમાંથી આછા ગુલાબી રંગનો કાગળ નીચે સરી પડ્યો. ગૌતમે કાગળ ઉપાડ્યો. વાંચ્યો અને છળી ઊઠ્યો. મંજરીના પ્રેમમાં આકાશમાં વિહરતો ગૌતમ સીધો જ પાતાળમાં પટકાયો. કરંડિયામાંથી કાળોતરો નીકળેલો ને જાણે ફૂંફાડા મારી રહેલો!  

એ ગુલાબી કાગળ એક પ્રેમપત્ર હતો. એ કોઈએ પણ લખ્યો હોય, પોતે નહોતો લખ્યો એ હકીકત હતી. ગૌતમે  ફરી પત્ર પર નજર કરી. ઉપર નામ નહીં ને નીચે પણ નામ નહીં. સંબોધનને ઠેકાણે પ્રિયે અને લિખિતંગમાં તીરથી ઘવાયેલું હૃદય. અફસોસ એ વાતનો હતો કે એ ઘાયલ હૃદય પોતાનું નહોતું. એનો અર્થ એમ થયો કે મંજરી કોઈ બીજાને પ્રેમ કરતી હતી અને પોતાની સાથે પ્રેમનો અભિનય કરી રહેલી. શું આ હતી મંજરીની સચ્ચાઈ...મંજરીનું સાચું સ્વરૂપ? 

ગૌતમે પત્ર વાંચ્યો. એક વાર, બે વાર, ત્રણ વાર....વારંવાર. પત્રમાં લખેલું, પ્રિયે, હવે ઝાઝો વિરહ નહીં વેઠાય. પ્રતીક્ષાની પરાકાષ્ઠા આવી ગઈ છે. ક્યારે મને આવીને મળે છે? હું સાગર નહીં, પણ મહાસાગર છું. તું એક ઊછળતી, કૂદતી, નાચતી ખળખળ વહેતી સરિતા. તારે જેટલું વહેવું હોય એટલું વહી કે, પણ અંતે તો તારે મારામાં જ સમાવાનું છે. એ જ તારું નસીબ છે અને નિયતિ પણ. ફૂલથી પતંગ અને ભ્રમર, બેય વધુ સમય દૂર રહી શકતાં નથી. તારા જીવનનું પતંગિયું કોણ છે અને ભમરો કોણ છે એ તું જાણે જ છે. બેમાંથી એકની પસંદગી પણ તેં કરી જ લીધી છે. તો રાહ કોની જુએ છે? ઝડપથી આવી જા મારી પાસે.... અને હા, જોજે આ પત્ર પાછો પેલાના હાથે ન ચડે.

અચાનક આંખોમાં બળતરા થવા લાગી. ગૌતમે આંખો મીંચી દીધી. પત્રનો એક એક અક્ષર કુહાડો બનીને શરીર પર ઘા કરી રહેલો. ઘામાંથી લોહી વહેવા લાગ્યું. શરીરની સાથે મન પણ લોહીલુહાણ થઇ ગયું. શું ખરેખર મંજરી કોઈ બીજાને પ્રેમ કરતી હશે? અને પોતાની સાથે પ્રેમની રમત? પોતે એક પ્યાદું હોય એવી અનુભૂતિ એને થઇ. શયનકક્ષથી દીવાનખંડ સુધી પહોંચતાં તો ઠેસ વાગી હોય એમ ગૌતમ ગડથોલિયું ખાઈ ગયો. પણ તરત જ સ્વસ્થતા ધારણ કરી લીધી. મંજરી સાથે વાત કરવી જ પડશે. ખબર નહીં આ બધું ક્યારથી ચાલતું હશે? લગ્ન પહેલાંથી કે પછીથી...

ગૌતમની વિચારશ્રૃંખલા દરવાજામાં ફરતી ચાવીના અવાજે અટકાવી. મંજરીએ ઘરમાં પ્રવેશ કર્યો. ગૌતમને જોઇને... એના હાથમાં ગુલાબી પત્ર જોઇને ચોંકી ગઈ. હવે ગૌતમે કોઈ સવાલ કરવાનો રહેતો નહોતો. પણ મંજરીએ જવાબ જરૂર આપવાનો હતો. મંજરી બોલી: ‘અરે, ગૌતમ, તમે  ક્યારે આવ્યા? આમ અચાનક આ સમયે?’

ગૌતમ કાંઈ જ ન બોલ્યો. માત્ર તાકી રહ્યો. અગનઝાળ નજરે. ઘડીક હાથમાંના ગુલાબી કાગળને અને ઘડીક મંજરીને!

મંજરી ફરી બોલી: ‘હું થોડી ખરીદી કરવા ગયેલી. મને ખબર હોત કે તમે આમ આવી ચડશો તો...’ પણ વાક્ય પૂરું ન કરી શકી. ગૌતમની આંખમાં સવાલની વણઝાર હતી. મંજરીને લાગ્યું કે એની આંખમાંથી અંગારા વરસી રહેલા!

મંજરીએ કપાળેથી પરસેવો લૂછ્યો. બદામી રંગના સોફા પર બેઠી. શાંતિથી બોલી: ‘હું જાણું છું કે તમને આ પ્રેમપત્ર વિશે જાણવાની ઉત્સુકતા છે. એમાં શું છે એ મેં તો હજુ જોયું પણ નથી. મેં તમારાથી આ વાત છુપાવી હતી. કારણ કે એ છુપાવવી પડે એમ  જ હતું. જો મેં તમને એના વિશે કહ્યું હોત તો રંજનાને આપેલાં વચનનો ભંગ થાત.’ કહીને મંજરીએ ગૌતમ સામે જોયું. પણ ગૌતમનો ચહેરો ભાવશૂન્ય. મંજરીએ ગળગળા થઈને આગળ ચલાવ્યું: 

‘તમે મારી બધી સહેલીઓને ઓળખો છો, પણ રંજનાને નથી ઓળખતા. કદાચ એના વિશે મેં તમને કોઈ દિવસ કહ્યું પણ નહીં હોય. મારી શાળા સમયની સખી છે એ. થોડા દિવસ પહેલાં જ રસ્તામાં મળી. એ પણ આ જ શહેરમાં રહે છે એ મને ત્યારે જ ખબર પડી.. જોકે એ થોડી મૂંઝાયેલી જણાઈ. મેં પૂછ્યું ત્યારે રડી પડી. લગ્ન પછી એનો પગ કુંડાળામાં પડી ગયેલો. એના પ્રેમીએ એને બટવા સાથે પ્રેમપત્ર આપેલો. અચાનક એને શું સૂઝ્યું કે પ્રેમપત્ર સાથેનો બટવો મને પકડાવ્યો. સાચવવા આપ્યો. કહેવા લાગી કે એનો વર બહુ શંકાશીલ છે. એને ખબર પડશે તો લગ્નજીવનમાં ભંગાણ પડશે. રંજનાએ મને સોગંદ દીધા કે આ બાબત હું કોઈને કાંઈ જ ન કહું. એટલે જ મેં તમને આ પત્ર અંગે કાંઈ કહ્યું નહીં. સખીનો વિશ્વાસઘાત કેવી રીતે કરું?’
  
મંજરીની આંખમાં આંસુ આવી ગયાં: ‘મને ખબર નહોતી ગૌતમ, કે એક પત્રથી તમારો મારા પરનો ભરોસો ઊઠી જશે. શું તમે તમારી મંજરીને એવી ધારી લીધી? હું બીજા કોઈની સાથે...છી.. તમે જ મારા સાગર છો ને સરિતા જેવી હું તમારામાં જ સમાઈ ગઈ છું. તમે મારા વિશે બીજો વિચાર પણ કેવી રીતે કરી શકો?’  

‘બસ, મને માફ કર...’ ગૌતમની આંખોમાં પણ ઝળઝળિયાં આવ્યા. અશ્રુભીના સવારે બોલ્યો: ‘મને સમજાતું નથી કે કયા મોઢે તારી માફી માગું. સાચું કહું? હું તને ખૂબ પ્રેમ કરું છું. આ પત્ર જોઇને મારા પર શું વીતી એનું વર્ણન પણ કરી શકું એમ નથી. થોડી વાર તો મને થયું કે મેં તને ગુમાવી દીધી છે. બીજું શું કહું? મેં તારા પર શંકા કરી. ભગવાન મને ક્યારેય માફ નહીં કરે. પણ તું તો માફ કર. મને એક વાર માફ કરી દે, બસ એક વાર...!’

‘ગૌતમ, આ શું બોલો છો? આમ કહીને મને પાપમાં ન નાખો...’ મંજરીએ પતિના મસ્તક પર હાથ ફેરવ્યો.: ‘તમારો કોઈ વાંક નથી. તમારી જગ્યાએ કદાચ બીજું કોઈક હોત તો એ પણ તમારી જેવું જ વિચારત. હવે ભૂલી જાઓ. અને હા, ઓફિસે નથી જવું કે શું?’

વાવાઝોડું શમી ગયું. ગૌતમના મનમાં જાગેલો ઝંઝાવાત પણ. કાંઈ બન્યું જ નથી એમ એ ઓફિસે જવા નીકળી ગયો. મંજરીએ બારણું બંધ કર્યું. ઘરમાં કોઈ નહોતું છતાં દબાતે પગલે શયનખંડમાં આવી. એકાએક એનું સ્વરૂપ બદલાઈ ગયું. હોઠ પર ખંધું સ્મિત અને ચહેરા પર લુચ્ચાઈ તરવરવા લાગી. એણે સેલફોનમાં એક નંબર ડાયલ કર્યો. સામે છેડેથી ફોન રિસીવ થયો એટલે લુચ્ચું હાસ્ય કરતાં મંજરી વિજયપતાકા લહેરાવતાં બોલી: 

‘જાનુ, આજે તો પકડાઈ જ ગયેલી. આપણો ભાંડો ફૂટી જવાની અણી પર જ હતો, પણ કોલેજકાળનો અભિનય કામ લાગ્યો. મેં તને અગાઉ પણ કહેલું કે પ્રેમપત્ર નહીં લખતો. પણ તું ધરાર ન જ માન્યો. વળી બટવામાં મૂકીને આપ્યો. ગૌતમ કોઈ દિવસ અલમારી ખોલતો નથી. એટલે મેં તારો રેશમી પ્રેમપત્ર નચિંત થઈને અલમારીના ડ્રોઅરમાં મૂકેલો. પણ આજે જ એણે ડ્રોઅર ખોલ્યું. તારો પત્ર પણ વાંચ્યો. એને અચાનક આવેલો જોઇને બે ઘડી તો હું ગભરાઈ જ ગયેલી. પણ તારી સાથે રહીને હું પણ ચાલાક બની ગઈ છું. મેં તાત્કાલિક રંજના નામની કાલ્પનિક સહેલીની વાર્તા ઉપજાવી કાઢી. એ ડફોળ માની પણ ગયો. બાઘો નહીં તો... અને જાનુ, તું માનશે? બબૂચક ગૌતમે મારી માફી પણ માગી. મેં પણ ઉદાર દિલે એને માફ કર્યો. મજા પડી ને? હવે ફોન મૂકું છું. પાછા જલદી મળીએ છીએ...મળીએ ત્યારે કહેજે કે કેવો લાગ્યો મારો અભિનય?’ કહીને મંજરીએ ફોન બંધ કર્યો. 

વળતી પળે જ મંજરીના ચહેરા પરનું સ્મિત થીજી ગયું. એનો પોતાનો જ અવાજ સાંભળીને.‘જાનુ, આજે તો પકડાઈ જ ગયેલી... મંજરી ગભરાઈને આમતેમ જોવા લાગી. પછી એકદમ પાછળ ફરી. શયનકક્ષના દ્વારમાં વચ્ચોવચ ગૌતમ ઊભેલો. એના હાથમાં રહેલા મોબાઈલમાંથી હજુ પણ મંજરીનો સ્વર રેલાઈ રહેલો: ‘બબૂચક ગૌતમે મારી માફી પણ માગી...’

‘તને નવાઈ લાગીને, મંજરી? હું તો ઓફિસે ચાલ્યો ગયેલો. તો અત્યારે અહીં ક્યાંથી?’ ગૌતમે મંજરીની આંખમાં આંખ પરોવી. મંજરીએ ગુનાના બોજથી ભારે થયેલી પાંપણ ઝુકાવી દીધી. ગૌતમ કહેવા લાગ્યો:
 
હું ખરેખર બાઘો છું. ડફોળ અને બેવકૂફ પણ ખરો. સાચું કહું? મેં તારી વાત માની લીધેલી. તને આંધળો પ્રેમ કરતો હતો ને? રંજનાની, પ્રેમપત્રની.. સાચે જ તારી વાત મેં માની લીધેલી. પણ તારી વાત સાંભળતાં અચાનક મારા મનમાં ઝબકારો થયો. તેં કહેલું કે તેં તો જોયું પણ નથી કે એ પત્રમાં શું છે. છતાં તું બોલી કે ‘તમે જ મારા સાગર છો ને સરિતા જેવી હું તમારામાં સમાઈ ગઈ છું.’ આ પ્રકારનું વાક્ય તો પેલા પ્રેમપત્રમાં લખેલું છે. જો તેં ન વાંચ્યું હોય તો તને સાગર ને સરિતા અંગે બોલવાનું કેવી રીતે સૂઝ્યું? આ એક વાક્યે મને શંકા કરવા પ્રેર્યો. તને રંગે હાથ પકડવા તારી માફી માગવાનો અભિનય કર્યો. તું નિશ્ર્ચિતં થઇ ગઈ. મને ખબર હતી કે મને બેવકૂફ બનાવ્યાની વાત તારા યારને કર્યા વિના તું નહીં રહી શકે. હું ઓફિસે જવા નીકળ્યો. પણ મારી ચાવીથી બારણું ઉઘાડીને પાછો ફર્યો. મારું અનુમાન સાચું નીકળ્યું. તેં તારા યાર પાસે ડંફાસ મારવાનું શરૂ કર્યું. મારા મોબાઈલનું રેકોર્ડર તો મેં ક્યારનું ચાલુ કરેલું. એટલે તેં જે બકવાસ કર્યો એ બધો મારા ફોનમાં રેકોર્ડ થઇ ગયો છે. તને બે દિવસમાં જ છૂટાછેડાના પેપર્સ મળી જશે. ચૂપચાપ સહી કરી દેજે. બાકી, કોર્ટમાં તારી આબરૂના લીરેલીરા ઊડશે.     
 
એકશ્વાસે આટલું બોલીને ગૌતમ એક ક્ષણ રોકાયો. પછી જખમ પર નમક ભભરાવવાની અદાથી બોલ્યો: ‘તારો અભિનય ખરેખર લાજવાબ હતો. કાબિલે દાદ! કોઈ પણ ભોળવાઈ જાય. પણ મારો અભિનય કેવો લાગ્યો એ નહીં કહે?’

મંજરી શું બોલે? ગૌતમ અભિનયમાં એક્કો પુરવાર થયેલો અને પોતે...ઢબુની ઢ!

આવતા અઠવાડિયે નવી કથા