જ્વલંત નાયક
વીતેલા સપ્તાહ દરમિયાન દક્ષિણ ગુજરાત ફરી એક વાર ભારે વરસાદને પગલે જળબંબાકાર થયું. મુંબઈ અને સુરત જેવાં મહાનગરોની કઠિનાઈ એવી છે કે એ સમુદ્ર કિનારે વસેલા છે. ઉપરવાસ અને આજુબાજુના વિસ્તારોમાં ભારે વરસાદ પડે તો એ બધું પાણી આ શહેરોની ડે્રનેજ સિસ્ટમ અને કુદરતી ખાડીઓમાં વહીને દરિયાને મળે છે. પણ સમુદ્રમાં ભરતી હોય ત્યારે એ નવું પાણી સ્વીકારતો નથી, જેથી સમુદ્રકિનારે વસેલાં શહેરો માટે વરસાદી પાણીમાં ડૂબવા સિવાય કોઈ આરો ન રહે.
નિષ્ણાતો કહે છે કે વરસાદની બદલાતી જતી પેટર્ન અને રાક્ષસની પેઠે ફાટી નીકળેલા સિમેન્ટ-કોન્ક્રિટનાં જંગલોને પ્રતાપે આવનારાં વર્ષોમાં મુંબઈ અને સુરત જેવાં શહેરોએ વારંવાર આવતા ભારે પૂરથી ટેવાઈ જવું પડશે!
આપણી મૂળ સમસ્યા છે અર્બન ફ્લડિગનીં એટલે કે શહેરી વિસ્તારોમાં સર્જાતી પૂરની સમસ્યા. ચીનનાં અનેક શહેરો પણ આ સમસ્યા વેઠી રહ્યા છે અને એક ચીની લેન્ડસ્કેપ આર્ટિસ્ટે જ અર્બન ફ્લડિગથી બચવાનો માસ્ટર પ્લાન આપ્યો. એ લેન્ડસ્કેપ ડિઝાઈનરનું નામ કોંગજિયાન યુ. ગયા વર્ષે એમનું મૃત્યુ થયું, પણ એ પહેલા એણે કુદરત અને આધુનિક શહેરો એકબીજાને નુકસાન પહોંચાડ્યા વિના કઈ રીતે અસ્તિત્વ ટકાવી શકે, એની રૂપરેખા રજૂ કરેલી. એના પ્લાન મુજબ ચીની સરકારે અનેક શહેરોની રચનામાં ફેરફાર કર્યા અને મોટા ભાગના કેસમાં અર્બન ફલડિગને અટકાવવામાં સફળતા ય મળી.
કોંગજિયાન યુએ જે ક્નસેપ્ટ રજૂ કર્યો એ `સ્પન્જ સિટી ક્નસેપ્ટ' તરીકે જાણીતો છે. સ્પન્જ અથવા સ્પોન્જ એટલે વાદળી અને સ્પન્જ સિટી એટલે વાદળી જેવું શહેર. આપણા ઘરના રસોડામાં આ પ્રકારના સ્પન્જ બાર જોવા મળશે. મોટે ભાગે પીળા અને લીલા કલરમાં જોવા મળતા આ સ્પન્જ બાર ગૃહિણીઓના માનીતા છે, કારણકે પ્લેટફોર્મ સાફ કરવાથી માંડીને અનેક કામોમાં એ બહુ ઉપયોગી સાબિત થાય છે. સ્પન્જનો એક ગુણધર્મ છે પ્રવાહીને શોષી લેવાનો.
એટલે જ વધુ પાણી કે પ્રવાહી ઢોળાતા હોય એવા કિચન જેવા સ્થળે સ્પન્જ બહુ ઉપયોગી સાબિત થાય.
હવે જરા વિચાર કરો કે આપણા રસ્તાઓ પણ વાદળી જેવા સ્પન્જ મટિરિયલમાંથી બનાવેલા હોય તો ગમે એવા ભારે વરસાદનું પાણી પણ થોડી જ વારમાં શોષાઈને સીધું જમીનમાં ઊતરી જાય કે નહિ? અને જો એવું થાય તો પૂર આવવાની કોઈ શક્યતા જ ન રહે. રસ્તાઓ પર પાણી ભેગું થાય તો શહેર ડૂબે ને!
આ કલ્પના બહુ સ્થૂળ લાગશે, પણ કોંગજિયાન યુએ જે સ્પન્જ સિટી ક્નસેપ્ટ આપ્યો, એના મૂળમાં પાણીને `શોષી'ને જમીનમાં ઊતારી દેવાની જ વાત છે. યુના કન્સેપ્ટ મુજબ શહેરના વિકાસમાં ખાસ કરીને રસ્તાઓ અને પેવમેન્ટના નિર્માણમાં એવા જ મટિરિયલ વાપરવા જોઈએ, જે પાણીને શોષી શકે. હાલમાં આપણે પાણીના નિકાલ માટે કોંક્રીટ તેમ જ મેટલ પાઇપનો ઉપયોગ કરીએ છીએ. વળી શહેરની જમીનો મોટે ભાગે ડામરની સડકોથી માંડીને બીજા વિવિધ પ્રકારના હાર્ડ સરફેસ ધરાવતા મટીરિયલ્સના આવરણથી ઢંકાયેલી છે.
આ આવરણ પાણીને પસાર થવા દેતું નથી, જેથી વરસાદનું કે પૂરનું પાણી જમીનમાં શોષાતું જ નથી. બીજા શબ્દોમાં કહીએ તો પાણીના નિકાલ માટેનો એક મોટો માર્ગ આપણે જડબેસલાક ફરસબંધી દ્વારા બંધ કરી દીધો છે! હવે પાણીના નિકાલ માટે આપણી પાસે માત્ર ડ્રેનેજ સિસ્ટમ્સ અને કુદરતી રીતે બનેલી ખાડીઓનો જ વિકલ્પ બચે છે અને આપણે કરેલા દબાણ તેમ જ ભ્રષ્ટાચારને પગલે આ બંને વિકલ્પોની હાલત કેવી છે, એ તો આપણે ક્યાં નથી જાણતા...
કોંગજિયાન યુના ક્નસેપ્ટ મુજબ શહેરના રસ્તાઓ એવા જ મટિરિયલ દ્વારા બનાવવા જોઈએ, જે પાણીને શોષીને જમીનમાં પચાવી શકે. સાથે જ શહેરની આસપાસ આવેલી વેટલેન્ડ્સનું બહુ ગંભીરતાપૂર્વક જતન-સંવર્ધન થવું જોઈએ. મુંબઈની વાત કરીએ તો વિહાર અને પવઈ લેક, થાણેની ખાડી વગેરે વિસ્તારો વેટલેન્ડ ગણાય, જ્યાં પાણીના જથ્થાને આધારે આખી એક ઇકોસિસ્ટમ વિકસી છે. આ વેટલેન્ડ્સ ભારે વરસાદ સમયે ખાબકતો પાણીનો બહુ મોટો જથ્થો શોષી શકે છે. જો પવઈ લેકનો `વિકાસ' કરીને ત્યાં મોટી મોટી બિલ્ડિંગ્સ અને મોટા પહોળા ચકાચક રસ્તાઓ બાંધી દેવામાં આવે તો બીજા જ ચોમાસે આખો વિસ્તાર પાણીમાં ડૂબ્યા વિના ન રહે!
હવે મૂળ પ્રશ્ન, મહાનગરો એક હદ ઉપરાંત વિકસી જાય, એ પછી આ બધું કરવું શક્ય છે ખં? જવાબ છે હા.
શહેરમાં બની ચૂકેલા સ્ટ્રક્ચર્સને તોડવા શક્ય નથી, પણ જે બચ્યું છે એનું સંવર્ધન અને ફેલાવો જરૂર થઇ શકે. ચીને 2013-14થી જ સ્પન્જ સિટી ક્નસેપ્ટને પોતાની નેશનલ પોલિસી તરીકે લાગુ કર્યો અને ત્રીસ જેટલાં શહેરોમાં આ પોલિસીને અનુરૂપ ડેવલપમેન્ટ થયું. પરિણામે મોટા ભાગના શહેરોમાં પૂર અટકાવી શકાયું અથવા નિયંત્રિત કરી શકાયું. વળી વેટલેન્ડ્સ, મોટા પાર્ક્સ અને તળાવોને કારણે પર્યટનસ્થળો તો વિકસ્યા જ, સાથે જ પાણીની ગુણવત્તા પણ સુધરી. ગ્રાઉન્ડ વોટર ટેબલના લેવલમાં પણ સુધારો થવાથી દુષ્કાળની પરિસ્થિતિમાં આ પાણી બહુ ઉપયોગી સાબિત થાય છે.
-અને છેલ્લે મૂળ વાત. જો ચીનમાં આવો ક્નસેપ્ટ ચાલી શકે તો મુંબઈ અને સુરત જેવાં ભારતીય શહેરોમાં કેમ નહિ? સવાલ માત્ર દૃષ્ટિકોણ બદલવાનો અને પોલિસીના યોગ્ય અમલનો છે.