Wed Jul 29 2026

Logo

એક નજર ઈધર ભીઃ અનંત અનાદિ પુરાતત્ત્વ અનુભવાત્મક સંગ્રહાલય...

2026-07-25 09:12:00
Author: Kamini
Article Image

 


કામિની શ્રોફ

યુએસએ, યુકે, યુરોપની ટૂરનું નામ પડતા પ્રવાસ શોખીનોમાં ઉત્તેજના ફરી વળતી. નાયગ્રા ફોલ, સ્ટેચ્યૂ ઓફ લિબર્ટી, પિઝાનો ઢળતો મિનારો, હોંગકોંગની સિમ્ફની લાઈટ્સ, બ્રિટિશ આર્કિયોલોજીકલ મ્યુઝિયમ સહિત અનેક સ્મારક જોવાની ઉત્તેજના થાય, તાલાવેલી જાગે. સ્વાભાવિક છે, કારણ કે એનો મહિમા રજૂ કરતા ગીત ગુંજન સાંભળીને જ આપણો વૈચારિક ઉછેર થયો છે.     

 જોકે આજે એકવીસમી સદીના ત્રીજા દાયકામાં એવી પરિસ્થિતિ છે કે આપણે ગર્વથી વિદેશી સહેલાણીઓને કહી શકીએ કે `હમ કિસીસે કમ નહીં.' નાયગ્રા ફોલ કરતાં અધિક પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા ધોધ આપણા દેશમાં છે. આપણી પાસે સ્ટેચ્યૂ ઓફ યુનિટી છે, આંખો પલકારા મારવાનું ભૂલી જાય એવા લાઈટ શો આપણે ત્યાં થાય છે અને વિશ્વવિખ્યાત બ્રિટિશ મ્યુઝિયમ કે પેરિસના લુવ્ર મ્યુઝિયમ સાથે ખભેખભા મિલાવી શકે એવું મ્યુઝિયમ આપણા વડનગરમાં છે.

અનંત અનાદિ પુરાતત્ત્વ અનુભવાત્મક સંગ્રહાલય

કલા, સ્થાપત્ય, વેપાર અને શહેરી આયોજનને દર્શાવતું આ સંગ્રહાલય વડનગરના 2500 વર્ષ જૂના વારસાનું પ્રતિબિંબ હોવાની સાથે સાંસ્કૃતિક વારસાના સંરક્ષણ અને પ્રોત્સાહનનું પ્રતીક સુધ્ધાં છે. વિદેશી સહેલાણીઓ પણ અહીં આવતા હોવાથી એને અંગ્રેજીમાં Archeological Experimental Museum નામ આપવામાં આવ્યું છે. 298 કરોડના ખર્ચે નિર્મિત આ ચાર માળનું મ્યુઝિયમ અંદાજે 12 હજાર 500 ચોરસ મીટર વિસ્તારમાં ફેલાયેલું છે. 

ગયા વર્ષે ફેબ્રુઆરીમાં મ્યુઝિયમનું લોકાર્પણ થયા પછી દેશ-વિદેશના પ્રવાસીઓ, સંશોધકો અને વિદ્યાર્થીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. 18 જુલાઈએ આંતરરાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવતું વધુ સન્માન પ્રાપ્ત થયું છે. મ્યુઝિયમને પ્રતિષ્ઠિત Platinum A' Design Award એનાયત કરવામાં આવ્યો છે. આ એવોર્ડ વિશ્વભરના શ્રેષ્ઠ ડિઝાઇન, નવીનતા અને સર્જનાત્મકતાને માન્યતા આપતા અગ્રણી આંતરરાષ્ટ્રીય પુરસ્કારોમાંનો એક માનવામાં આવે છે. આ એવોર્ડથી વડનગર માત્ર ગુજરાતમાં જ નહીં, પરંતુ વિશ્વના અગ્રણી સાંસ્કૃતિક અને પુરાતત્ત્વીય પર્યટન સ્થળોમાં પ્રભાવી ઓળખ મેળવી રહ્યું છે. 

મ્યુઝિયમમાં વિવિધ સમયગાળાની કલાઓ, શિલ્પો અને આ વિસ્તારની ભાષાને પ્રદર્શિત કરતી નવ થીમેટિક ગેલેરીઓ પણ છે. ઑડિયો-વિઝ્યુઅલ ફિલ્મો અને પ્રદર્શનો ધરાવતું આ આર્કિયોલોજીકલ એક્સપિરિયન્સ મ્યુઝિયમ ઇતિહાસના શોખીનો માટે એક ખાસ ભેટ છે. મ્યુઝિયમમાં હજારો પ્રાચીન અવશેષો, ડિજિટલ પ્રદર્શન અને ઓડિયો-વિઝ્યુઅલ ગેલેરીઓ જ્વલંત ઈતિહાસ દર્શન કરવી જ્ઞાન વધારે છે. 10 રૂપિયાની મામૂલી એન્ટ્રી ફી આપી અઠવાડિયાના છ દિવસ (બુધવારે બંધ) સવારે દસ વાગ્યાથી સાંજના છ સુધી (સાડા ચાર પછી એન્ટ્રી બંધ) આ મ્યુઝિયમ ધર્મપ્રેમી, કલાપ્રેમી જ નહીં ભારતવાસીએ જોવું જ જોઈએ.

સનાતન નગરી

મ્યુઝિયમની અંદર એવી અનેક કલાકૃતિઓ છે જે જોઈ અને એ વિશે જાણકારી મળતા સમજણનો વિસ્તાર થાય છે. `વડનગર: એક સનાતન નગરની અનુભૂતિ' ફિલ્મ સહેલાણીઓને ખાસ દર્શાવવા માં આવે છે. આ ફિલ્મ વડનગરની શાશ્વત યાત્રા પર લઈ જાય છે. વ્યાપાર, આધ્યાત્મ અને શિલ્પકળાના ત્રિવેણી સંગમને ઉજાગર કરી ભારતીય સંસ્કૃતિ અને ઈતિહાસમાં વડનગરના મહત્ત્વને દર્શાવે છે. વિશાળ પડદા પર માટીનાં વાસણો, પ્રાચીન હસ્તલેખો, કીર્તિ તોરણ અને અન્ય કલાકૃતિઓ જીવંત થાય છે. આ સનાતન નગરમાં ધરબાયેલી વાર્તાઓ જાણવાથી આનંદ અને જ્ઞાન બંને મળે છે.

ફિલ્મ દ્વારા અઢી હજાર વર્ષથી વધુ જૂના જીવંત ઇતિહાસ, સંસ્કૃતિ અને સતત માનવ વસવાટની સનાતન ગાથા દર્શાવવામાં આવે છે. અત્યાધુનિક ઓડિયો-વિઝયુઅલ માધ્યમથી મુલાકાતીઓને અલૌકિક સનાતન નગરનો અનુભવ થાય છે.

લેઝર શો

સંગીત અને શાબ્દિક વર્ણન સાથે રંગબેરંગી લેઝર કિરણોની મદદથી હવામાં કે પાણીના ફુવારા પર દિલ અને દિમાગને મોહી લેતા સુંદર ચિત્રો અને આકારો બનાવવામાં આવતા લેઝર શો વીસમી સદીમાં તો વિદેશી આકર્ષણ હતું. 2004માં હૈદરાબાદના હુસેન સાગર જળાશય પાસે લુમ્બિની પાર્કમાં પહેલી વાર સ્વદેશી લેઝર શોનું આયોજન થયું હતું. હવે તો મલ્ટીમીડિયા વોટર સ્ક્રીન શો શિર્ડી, ગેટવે ઓફ ઈન્ડિયા, પ્રયાગરાજ, દિલ્હીમાં પ્રસંગોપાત થાય છે અને હવે એમાં વડનગરનું નામ પણ ઉમેરાયું છે. 

મેં વિદેશના કેટલાક લેઝર શો જોયા છે, પણ જરાય અતિશયોક્તિ વિના કહું છું કે વડનગરના શર્મિષ્ઠા તળાવ ખાતે 25 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલો અત્યાધુનિક વોટર પ્રોજેક્શન શો - લેઝર શો વિદેશી શોથી તસુભાર ઓછો નથી ઊતરતો. ટેક્નિકલી અને ક્રિએટિવલી અદ્ભુત આનંદ આપે છે. શોનો ઉદ્દેશ વડનગરના ભવ્ય અને ગૌરવશાળી ઇતિહાસને નવી પેઢી સુધી આધુનિક માધ્યમથી પહોંચાડવાનો છે. પ્રાચીન સમયમાં પાણીનું વ્યવસ્થાપન કેવી રીતે કરવામાં આવતું હતું એની જાણકારી પણ આ શોથી મળે છે. એકંદરે આ શો કેવળ આંખને આંજી દેતી ટેકનોલોજીની કમાલ નથી, ઐતિહાસિક તથ્યો રજૂ કરી જ્ઞાનવર્ધક પણ બને છે. 

વડનગરના પ્રખ્યાત હાટકેશ્વર મંદિરમાં પણ આકર્ષક લાઈટ એન્ડ સાઉન્ડ શો શરૂ કરવામાં આવ્યો છે. રોજ સાંજે સંધ્યા આરતી પછી આ શો થાય છે, જેમાં નાગર બ્રાહ્મણોના ઇષ્ટદેવ હાટકેશ્વર દાદાના પ્રાગટ્યની કથા અને વડનગરનો પ્રાચીન ઇતિહાસ ગુજરાતી ભાષામાં રજૂ થાય છે. ધર્મસ્થાનમાં આવી રજૂઆત બહુ ઓછી જગ્યાએ જોવા મળે છે.
મ્યુઝિયમની અંદરની અન્ય ખાસિયતની વાત પણ ઘણી રસપ્રદ છે. એના વિશે હવે પછી...