Sat Jun 20 2026

Logo

સ્થાપત્ય ને સમાજનો સંબંધ

2026-06-20 11:12:00
Author: Hemant Wala
Article Image

સ્થાપત્યનું વાઈ-ફાઈ - હેમંત વાળા

સ્થાપત્ય અને સમાજનો સંબંધ અનેરો છે. કળાના અન્ય દરેક ક્ષેત્રની સરખામણીમાં સમાજ પર સ્થાપત્યનો પ્રભાવ ઘનિષ્ઠ તેમજ લાંબાગાળાનો હોય છે. સ્થાપત્ય અને સમાજ વચ્ચેનો સંબંધ આ બંનેને પરસ્પર ઘણી રીતે અસર કરે છે અને એકબીજાના વિકાસ માટે કારણ પણ બને છે. સ્થાપત્ય એ સમાજની જરૂરિયાત છે અને સમાજ એ સ્થાપત્યના વિકાસની મુખ્ય ભૂમિકા છે.

સ્થાપત્ય દ્વારા સમાજની જરૂરિયાતો પ્રતિબિંબિત થાય છે. કોઈપણ મકાનની રચનામાં તે વિસ્તારના લોકોની જીવનશૈલી, સાંસ્કૃતિક વારસો, આર્થિક સ્થિતિ અને સંપન્નતા, પરંપરાગત મૂલ્યો, વ્યક્તિગત તેમ જ સામાજિક અગ્રતાક્રમ, કળા માટેની સંવેદનશીલતા, પ્રવર્તમાન વલણ, પ્રાપ્ય સંસાધનો, પ્રાપ્ય તકનીકી જ્ઞાન જેવી વિવિધ વ્યક્તિગત તેમ જ સામાજિક બાબતો પ્રતિબિંબિત થાય. જે તે સમાજને સમજવા માટે સ્થાપત્યમાં પ્રતિબિંબિત થયેલી આ બાબતોની સમજ બહુ અગત્યની ગણાય. તેથી જો સ્થાપત્યને સમજવામાં આવે તો તત્કાલીન સમાજ વિશે ઘણી જાણકારી મળી શકે. સમાજની આ બધી બાબતો સ્થાપત્યને પ્રભાવિત કરે અને, સાથે સાથે એકવાર સ્થાપત્યનું સર્જન થઈ જાય પછી તેની રચના જીવનને અસર કરે. સ્થાપત્ય જેમ સમાજનું પ્રતિનિધિ છે અને પ્રતિબિંબ પણ છે.

સ્થાપત્ય એ જરૂરિયાતનું પરિણામ છે. આ જરૂરિયાત વ્યક્તિગત હોઈ શકે, સામાજિક હોઈ શકે, શ્રદ્ધા-લક્ષી હોઈ શકે, વહીવટ-લક્ષી હોઈ શકે કે આર્થિક બાબતોને આધારિત હોઈ શકે. વ્યક્તિગત જરૂરિયાતને આધારે આવાસ - રહેઠાણની રચના થાય. સામાજિક જરૂરિયાતોમાં શાળા, સામાજિક વ્યવહાર માટે વાડી, અસ્પતાલ, વૃદ્ધાશ્રમ, નાટ્યગૃહ જેવી બાબતોનો સમાવેશ થાય. શ્રદ્ધા-લક્ષી જરૂરિયાત અનુસાર મંદિર-મસ્જિદ-ચર્ચનું નિર્માણ થાય.
 
સમાજના યોગ્ય વહીવટ માટે પણ સરકારી મકાનોની જરૂરિયાત રહે. આ સાથે દુકાનો, મોલ, ફેક્ટરી, સ્ટેશન, હવાઈમથક વગેરે રચના તો ખરી જ. આ બધા વિના સમાજની કલ્પના મુશ્કેલ છે. આ બધા વિના સ્થાપત્યની કલ્પના પણ મુશ્કેલ છે.

સ્થાપત્યની કિલ્લા, દુર્ગ, વાવ, કુંડ, કીર્તિસ્તંભ મંદિર જેવી રચના સાંસ્કૃતિક ધરોહર ગણાય છે. સ્થાપત્ય જેમ સંસ્કૃતિ અને પરંપરાને વ્યક્ત કરે તેમ આધુનિકતાને - વૈશ્વિક શૈલીના પ્રભુત્વને પણ દર્શાવી શકે. સાંપ્રત સમયમાં જે વિશાળ ઓડિટોરિયમ, સ્ટેડિયમ, પ્રદર્શની, ક્ધવેન્શન હોલ જેવી રચના થાય છે તે સમાજની આધુનિકતા તરફની ગતિની નિશાની છે. 

જો બંદર, હવાઈમથક, વિશાળ રેલ્વે-સ્ટેશન, ટર્મિનલ જેવી રચનાનું બાંધકામ વધુ થાય તો એમ કહી શકાય કે તે સમાજ તે બાબતોને લગતાં ક્ષેત્રમાં અગ્રેસર છે. શેનું બાંધકામ વધુ થઈ રહ્યું છે તેને આધારે સમાજ કઈ દિશામાં જઈ રહ્યો છે તે જાણી શકાય. સાથે સાથે એમ પણ કહી શકાય કે સમાજ જે દિશામાં જઈ રહ્યો હોય તે પ્રકારના બાંધકામને વેગ મળે. વાસ્તવિકતા એમ છે કે શરૂઆત કોઈ એક કારણથી થાય, પછી સમાજ અને સ્થાપત્ય એકબીજાના સહકાર અને સમન્વયથી તે દિશામાં આગળ વધે. પરસ્પરના સંજોગો પ્રમાણે સમાજ અને સ્થાપત્ય પોતાનો આકાર ધારણ કરે.

પર્યાવરણ બાબતે જો સમાજમાં જાગ્રતતા હોય તો ગ્રીન બિલ્ડિંગનું નિર્માણ વધુ થાય. સમાજમાં કરકસરની ભાવના પ્રવર્તમાન હોય તો ન્યૂનતમવાદી મકાનો વધુ બને. સમાજમાં ઊર્જાની બચત બાબતે સંવેદનશીલતા હોય તો મકાનમાં પરોક્ષ ઊર્જા વ્યવસ્થાને મહત્ત્વ અપાય. સમાજને જો ભવ્યતા માટે, ભપકા માટે, ચમકદમક માટે, પશ્ર્ચિમી વિચારધારા માટે, કોમ્પ્યુટર વિજ્ઞાનની ઉપયોગિતા બાબતે, સંભવિત સ્માર્ટનેસ બાબતે કે જે તે કુદરતી પરિસ્થિતિ માટે લગાવ હોય તો, સામાન્ય રીતે, મકાનમાં તે બાબતોનું પ્રભુત્વ જોવા મળે. સમાજમાં જો આ બધી બાબતો માટે ગાંડપણ હોય તો સ્થાપત્યની રચનામાં પણ તે ગાંડપણ પ્રતીત થાય.

સમાજમાં ચોક્કસ પ્રકારનાં મૂલ્ય, વિચારધારા, અગ્રતાક્રમ, પસંદગી જેવી બાબતો વ્યવસ્થિત રીતે સ્થાપિત થયેલી હોય છે. સમાજમાં જે વાતનું ચલણ હોય તે વાત સ્થાપત્યમાં પ્રતિબિંબિત થાય જ. સ્થાપત્ય એ સમાજ અને સમાજની સ્થિતિનું નિરૂપણ છે. એમ કહી શકાય કે જે સ્થાપત્યમાં છે તે સમાજમાં છે અને જે સમાજમાં છે તે સ્થાપત્યમાં છે. એમ બની શકે કે ક્યારેક સ્થાનિક સ્થાપત્યની કોઈ રચના એલિયન જેવી લાગે, પણ તેની સ્વીકૃતિ પણ ત્યારે જ થઈ શકે કે જ્યારે સમાજ તે સ્વીકારવા તૈયાર હોય. સ્થાપત્યની રચના માટે સમાજની સ્વીકૃતિ જરૂરી છે. ચિત્રકળા કે શિલ્પકળાની જેમ અહીં ‘મને ગમે છે એટલે કરીશ’ના ભાવ માટે સ્થાન નથી. સ્થાપત્ય અને આર્થિક વિકાસ વચ્ચે પણ એક તંદુરસ્ત સમીકરણ હોય છે. સમાજના ભવિષ્ય માટેની યોજનામાં પણ સ્થાપત્યને ગંભીરતાથી લેવામાં આવે છે.

સમાજનો પ્રભાવ સ્થાપત્યની મોટી મોટી બાબતોમાં જ હોય છે તેમ નથી હોતું. નાની નાની ડિઝાઇન, બારી-બારણાની રચના, ક્યાંક કરાતું કોતરણી, ફરસ પર લાદીની પેટર્ન, વિવિધ પ્રકારના આલેખન - આ બધી બાબતો પણ સમાજની જે તે માનસિકતાને રજૂ કરે છે. સ્થાપત્યની ઉપયોગીતા સમાજમાં પ્રવર્તમાન જીવનશૈલીની પેટર્નને આધારે નિર્ધારિત થાય. સ્થાપત્યમાં ઊભરતી દૃશ્ય અનુભૂતિ સમાજના વલણને આધારે નક્કી થાય. સ્થાપત્યની મજબૂતાઈ તથા સંભવિત આવરદા સમાજમાં તે સમયે પ્રાપ્ય સામગ્રી, તકનીક અને તકનીકી જ્ઞાનને આધારિત હોય.

અહીં એ સમજવાની જરૂર છે કે સ્થાપત્યમાં સમાજની દરેક પરિસ્થિતિ જેમની તેમ વ્યક્ત નથી થતી. અહીં પણ ક્યાંક ભવિષ્ય માટેનું આયોજન હોય છે. અહીં પણ ક્યાંક સ્થાપિત સીમાની બહાર જવાનો પ્રયત્ન હોય છે. અહીં પણ ક્યારેક વિશેષતા કે ભિન્નતા જરૂરી બને છે. 

સ્થાપત્યમાં જે છે તે રહેવું જોઈએ અને તે જ પ્રમાણે રહેવું જોઈએ - તે પ્રકારનો અભિગમ દરેક સમયે દરેક સ્થાને દરેક સંજોગોમાં સ્વીકૃત નથી. સમાજે આગળ વધવું છે અને જો સ્થાપત્ય માટે પણ તે પ્રકારની દ્રષ્ટિ હોય તો સ્થાપત્ય તે પ્રમાણે પણ આકાર લઈ શકે. એ વાત સમજવી જરૂરી છે કે સ્થાપત્ય એક ગંભીર વ્યવસાય છે, તેમાં હંમેશાં ગંભીરતા હોવી જોઈએ અને તેને ગંભીરતાથી લેવાવું જોઈએ.