હરિયાણામાં નર્સોએ હડતાળ કરી હતી. કારણ? કારણ કે એક પંદર વર્ષની છોકરીની તપાસના બહાને 62 વર્ષના ડોક્ટરે બળાત્કાર કર્યો ત્યારે નર્સે હાજર રહેવું જરૂરી હતું, પણ તે ન રહી. પરિણામે મહિલા આયોગનાં અધ્યક્ષાએ ઠપકો આપ્યો, અને...
- જયવંત પંડ્યા
હરિયાણાનો 62 વર્ષીય ડોક્ટર શૈલેન્દ્ર શૈલી અગાઉ કૈથલની નાગરિક હોસ્પિટલમાં પીએમઓ હતો. ત્યાંથી નિવૃત્ત થયો. તે કુરુક્ષેત્રની એક અન્ય હોસ્પિટલમાં સલાહકાર ડોક્ટર તરીકે કાર્યરત હતો. તેના પર પંદર વર્ષની ક્ધયા પર બળાત્કારનો આરોપ લાગ્યો છે. ક્ધયાના પિતાના કહેવા મુજબ 29 મેએ તે દીકરીનો ઉપચાર કરાવવા આવ્યા હતા. તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. પિતા સાથે હોસ્પિટલના વોર્ડમાં પીડિતા રોકાઈ હતી. 29 મેએ બપોરે અઢી વાગે પીડિતાનું સ્વાસ્થ્ય પણ ખરાબ થયું. પીડિતાએ ડોક્ટરોને પેટમાં દુ:ખાવો અને પેશાબમાં બળતરાની ફરિયાદ કરી.
તેને 30 મેએ શનિવારે રાત્રે 8.30 વાગે હોસ્પિટલના આપાતકાલીન વિભાગમાં દાખલ કરવામાં આવી. હોસ્પિટલમાં ઇમર્જન્સી ડ્યૂટી પર નિયુક્ત ચિકિત્સક ડો. ઉપેન્દ્રએ મીડિયાને જણાવ્યા પ્રમાણે, રાત્રે લગભગ 8.30એ ક્ધયાને વધુ રક્તસ્રાવ થતાં મહિલા વોર્ડમાં આપાતકાલીન વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. તે પછી ક્ધયાએ આરોપ લગાવ્યો કે ઓપીડીમાં તેના પર બળાત્કાર થયો હતો. સ્ત્રી રોગ વિશેષજ્ઞ પાસે ક્ધયાની તબીબી તપાસમાં ક્ધયાની ફરિયાદની પુષ્ટિ થઈ એટલે કે બળાત્કાર થયો હોવાની સાબિતી મળી.
આ પછી શૈલેન્દ્ર શૈલીને હોસ્પિટલમાંથી ફરજમુકત કરવામાં આવ્યો, પરંતુ પ્રશ્ન એ છે કે કોઈ છોકરી કે મહિલાની તપાસ કરવામાં પુરુષ ડોક્ટર સાથે નર્સ કેમ નહોતી? મેડિકલ નૈતિક (એથિક્સ) નિયમો મુજબ, પુરુષ ડોક્ટર તપાસે ત્યારે કાં તો મહિલા ચિકિત્સકે અથવા કોઈ મહિલા નર્સ કે એટેન્ડન્ટે ઉપસ્થિત રહેવું આવશ્યક છે. ડોક્ટરોનો આવો હિપોક્રેટિક નિયમ છે. (ડોક્ટરો જે નૈતિકતાના સોગંદ લે છે તેને હિપોક્રેટિક ઑથ કહે છે.)
બીજો પ્રશ્ન એ છે કે આ ડોક્ટર પર અગાઉ પણ બળાત્કારનો આરોપ લાગ્યો હતો અને તેને જેલ જવું પડ્યું હતું, પરંતુ પછી તે છૂટી ગયો હતો. આવા ડોક્ટરની સેવા કેમ લેવામાં આવી?
આ પછી હરિયાણા મહિલા આયોગનાં અધ્યક્ષા રેણુ ભાટિયા 7 જૂને આ કેસમાં હોસ્પિટલમાં પહોંચ્યાં ત્યારે તેમણે ઉત્તરદાયી નર્સનો ઉધડો લીધો, પરંતુ સાથે એવું બોલી ગયાં કે ‘તમારી દીકરી પંદર વર્ષની હોય તેને કોઈની સાથે આ રીતે રૂમમાં એકલી છોડું તો?’ તેમનો કહેવોનો ભાવ ઉચિત હતો કે નર્સ તરીકે સંવેદના હોવી જોઈએ. બીજી છોકરી પર બળાત્કારની સંભાવના હોય ત્યારે તેને એકલી ડોક્ટર પાસે છોડીને જતા ન રહેવાય અને તેમાંય એવા ડોક્ટર પાસે જે અગાઉ બળાત્કારના આરોપમાં જેલમાં જઈ આવ્યો હોય, પરંતુ નર્સિંગ સ્ટાફે આ નિવેદનને પકડી લીધું. 9 જૂને હરિયાણાની બધી નર્સોએ હડતાળ કરી. રેણુ ભાટિયા પોતાના વલણ પર અડગ રહ્યાં. તે પછી સરકાર કે અન્ય કોઈ દબાણના કારણે કે ગમે તેમ, 9 જૂને રાત્રે રેણુ ભાટિયાએ ત્યાગપત્ર આપી દીધો.
તાજેતરમાં એનઇઇટી-યૂજીની પરીક્ષામાં કોચિંગ સેન્ટરના લોકોનાં નામ બહાર આવ્યા તે મુદ્દે જાણીતા ટીવી એન્કર અંજના ઓમ કશ્યપના નિવેદન વિરુદ્ધ કોચિંગ સેન્ટરના શિક્ષકો પણ અંજના પર માછલાં ધોવાં લાગ્યાં.
આ જ રીતે, સુરેન્દ્રનગરના તત્કાલીન કલેક્ટર રાજેન્દ્ર પટેલ પર જમીન કૌભાંડના ગંભીર આરોપો લાગતાં માંડલ તાલુકાનો પાટીદાર સમાજ તેમના સમર્થનમાં આવી ગયો હતો. સંગીતકાર નદીમ (શ્રવણ) કે પછી નામી ક્રિકેટર મોહમ્મદ અઝહરુદ્દીનથી માંડીને અનેક એવા દાખલા છે કે જેવા આ લોકો કોઈ વિવાદમાં ફસાય ત્યારે પોતાના ‘મુસ્લિમ’ વિક્ટિમ કાર્ડનો ઉપયોગ કરે છે અને તેમના સમર્થનમાં સમાજ આવી જાય છે.
નર્સો, શિક્ષકો, વકીલો, પોલીસ, બોલિવૂડ, પત્રકારો, મહિલા, પુરુષ, સરકારી કર્મચારી, પાટીદાર, દલિત, આદિવાસી, મુસ્લિમો આવાં અનેક ચોકઠાંમાં ભારતીયો વહેંચાયેલા છે અને આ ચોકઠામાં કોઈ બે- ચાર પર આરોપ લાગે છે ત્યારે પૂરતાં તથ્યોની ચકાસણી કર્યા વગર બાકીનાને લાગવા માંડે છે કે જો આપણે નહીં બોલીએ તો સામેવાળા આપણા આખા સમુદાયને ભૂસી નાખશે... આનાથી ખોટું કરનારાઓ બચી જાય છે અને ખરો મુદ્દો બાજુ પર રહી જાય છે. પરિણામે પીડિત કે પીડિતાને ખરો ન્યાય મળતો નથી...