- જ્વલંત નાયક
છેલ્લી વાર જ્યારે મેં મારું વજન માપ્યું, ત્યારે 342 કિલોગ્રામ હતું. હવે તો મેં રૂમમાંથી બહાર નીકળવાનું જ બંધ કરી દીધું છે.
એક મહાકાય અમેરિકન પોતાના મોટી સાઈઝના બેડમાં પડ્યો પડ્યો કેમેરા સામે જોઈને બોલી રહ્યો છે.
એનું શરીર જોઈને જ તમને અંદાજ આવી જાય કે આ માણસ રોજીંદી દેહધાર્મિક ક્રિયાઓ પણ પોતાની મેળે કરી શકે એમ નથી. આઘાતજનક વાત એ છે કે આ જાડિયા જણના શહેરમાં બીજા હજારો લોકો એવા છે, જેમને સ્થૂળતાને કારણે સામાન્ય જીવન જીવવામાં તકલીફ પડી રહી છે.
ઓબેસિટી એટલે કે સ્થૂળતાને હવે એક મહારોગનું બિરુદ મળી ચૂક્યું છે. ટેકનોલોજીના અપગ્રેડેશનની સાથે સાથે આખા વિશ્વમાં લોકો વધુને વધુ બેઠાડુ જીવન તરફ વળી રહ્યા છે. એની સામે ભોજન માટેના અનેક ઓપ્શન્સ આંગળીના ટેરવે ઉપલબ્ધ છે.
મુંબઈમાં વસતો ટીનએજર ઈચ્છે ત્યારે મોબાઈલ એપ દ્વારા ઇટાલિયન પિત્ઝા ઓર્ડર કરીને પેટમાં પધરાવી શકે. ભૂખ ભાંગવા માણસ ખાય એ તો સમજ્યા, પણ વિના ભૂખે માત્ર થોડી મિનિટ્સના માનસિક સુખ માટે ભોજનના શરણે ગયેલો માણસ સ્વાભાવિક રીતે જ જરૂર કરતાં વધુ કેલરીઝ પેટમાં પધરાવશે.
શરૂઆતમાં જેની વાત કરી એ અત્યંત સ્થૂળકાય માણસ અમેરિકાના ટેક્સાસ રાજ્યમાં આવેલ કુખ્યાત શહેર મેકએલન (McAllen) શહેરનો વતની છે. આ શહેર કોઈ ગુનાહિત પ્રવૃત્તિને કારણે કુખ્યાત થયું હોય એવું નથી. હકીકતે મેકએલન શહેર અમેરિકાનું સૌથી વધુ સ્થૂળતાગ્રસ્ત શહેર છે. અહીં વસતા મોટા ભાગના પ્રજાજનો સ્થૂળકાય છે અને ઓબેસિટીને પ્રતાપે વેઠવી પડતી અનેક પ્રકારની શારીરિક-માનસિક સમસ્યાઓથી ત્રસ્ત છે. એક અભ્યાસ મુજબ અહીં વસતા પુખ્ત વયના નાગરિકો પૈકી 45% લોકો સ્થૂળ છે, જ્યારે બીજા 31% એવા છે જેમને ઓવરવેઈટની કેટેગરીમાં મૂકવા પડે. બીજા શબ્દોમાં કહીએ તો શહેરની પોણા ભાગની વસતિ યા તો સ્થૂળકાય છે અથવા તો સ્થૂળતાનો શિકાર બનવાની તૈયારીમાં છે. સ્થૂળતાનો આવો ઊંચો દર ટેક્સાસ (36%) અને અમેરિકાની પ્રજાની સરેરાશ સ્થૂળતા (34%) કરતાં ઘણી વધારે છે.
-પણ આવું થયું કેવી રીતે?
કારણો એ જ જૂનાં અને જાણીતાં છે - ખોટી જીવનશૈલી તેમજ આર્થિક, સાંસ્કૃતિક અને પર્યાવરણીય પરિસ્થિતિઓની મિશ્ર અસર.
મુંબઈ જેવા શહેરી વિસ્તારોમાં રહેતો સરેરાશ વ્યક્તિ રોજ બે થી અઢી હજાર કેલરીઝ પેટમાં પધરાવે છે. જે વૈજ્ઞાનિક ધારાધોરણ મુજબ બરાબર ગણાય. અહીં અમીર અને ગરીબના પેટમાં જતી કેલેરીઝના આંકડા સાવ ભિન્ન હોય શકે એટલે સરેરાશ મુંબઈગરો હેલ્ધી ડાયેટ પર છે એમ કહેવાનો બિલકુલ આશય નથી, પણ વાત સ્થૂળ સરખામણી પૂરતી સીમિત રાખીએ તો પણ મેકએલન સિટીના આંકડા ચોંકાવનારા છે.
આ શહેરમાં વસતો માનવી માત્ર એક સમયના ભોજનમાં જ બે હજાર ઉપરાંત કેલરીઝ ઓહિયા કરી જાય છે. અને આખા દિવસમાં ત્રણેક વાર આવું ડીપ ફ્રાય થયેલું ઓઈલી ફૂડ આરોગવાની આદત અહીંના લોકોમાં બહુ સામાન્ય ગણાય! સીધો હિસાબ છે કે મેકએલનના મોટા ભાગના નિવાસીઓ જરૂર કરતાં ત્રણ ગણું ભોજન આરોગે છે. પછી આ શહેર સ્થૂળતાના નવા રેકોર્ડ્સ ન તોડે તો જ નવાઈ.
આટલું ઓછું હોય એમ લોકોને પાણી પીવામાં બહુ રસ નથી. તરસ લાગે ત્યારે પાણીને બદલે કોક પીવાનો ‘રિવાજ’ છે. શહેરમાં કોકા કોલાની ખપત એવડી મોટી છે કે કંપનીએ અહીં મોટું વિતરણમથક ખોલ્યું છે. તમને કોકાકોલાના મોટા ટ્રક્સ શહેરની સડકો પર સતત દેખાયા કરે.
એક બ્લોગર શહેરની આ વિચિત્ર સમસ્યા ઉપર વીડિયો બનાવતા કહે છે કે મેં સતત વીસ મિનિટ્સ સુધી જાહેર માર્ગો પર કાર દોડાવી, પણ ચાલતો કે જોગિંગ કરતો જતો હોય એક્કેય શહેરીજન મને જોવા ન મળ્યો. સરકારે પણ જાણે પરિસ્થિતિ સ્વીકારી લીધી હોય એમ અહીં ઝેબ્રા ક્રોસિંગ બનાવ્યા જ નથી. આમેય બધા કારમાં જ ફરવાના હોય તો પગપાળા ક્રોસિંગ પાછળ ધન શું કામ વેડફવું? જાહેર માર્ગોની વાત છોડો, મોટા મોટા શોપિંગ મોલ્સમાં પણ વિશેષ પ્રકારના સ્કૂટર મૂકવામાં આવ્યા છે, જેથી શોપિંગ કરવા આવનારા જાડાપાડા ભાઈ-બહેનોને બહુ ચાલવું ન પડે.
આશ્ર્ચર્ય થાય એવી બાબત એ છે કે સ્થૂળતાની સમસ્યા પાછળ શહેરની રચના પણ જવાબદાર છે. વિદેશોમાં જાહેર બગીચાઓમાં જઈને કસરત કરવાનું ચલણ છે, પરંતુ અહીં પાર્ક્સ એટલા દૂર છે કે મોટા ભાગના આ લોકોના કાર લઈને પાર્ક સુધી પહોંચવામાં વીસ-પચ્ચીસ મિનિટ્સ લાગી જાય. આટલે દૂર સુધી ચાલતા કે જોગિંગ કરતા જવાનું તો વિચારાય જ નહિ. અધૂરામાં પૂરું, ગરમ અને ભેજવાળું વાતાવરણ!
શહેરમાં જાહેર આરોગ્ય માટેની યોગ્ય નીતિઓનો અભાવ પણ મોટા પાયે જવાબદાર ગણાય. લોકોને જાગૃત કરવાના સરકારી પ્રયાસો બહુ મોડેથી શરૂ થયા. એની સામે ધડાધડ ખૂલી ગયેલા ફૂડ જોઇન્ટસ એકબીજા સાથેની સ્પર્ધામાં ટકી રહેવા માટે જાત જાતની સ્કીમ્સ કાઢતા રહે છે. દાખલા તરીકે અનેક ફૂડ જોઇન્ટસ માતા-પિતા સાથે પધારેલાં બાળકોને ભોજન તદ્દન મફત પીરસે છે. બાળપણથી જ અમર્યાદિત ખોરાક ઓહિયા કરી જવા ટેવાયેલું બાળક ટીન એજમાં પહોંચતા સુધીમાં ખોરાક બાબતે ચોક્કસ પ્રકારની માનસિકતા કેળવી લે છે અને આજીવન સ્થૂળતાનો ભોગ બને છે. શરૂઆતમાં જેનો ઉલ્લેખ કર્યો એ મહાકાય વ્યક્તિ માત્ર અગિયાર વર્ષનો બાળક હતો, ત્યારે જ એનું વજન એકસો અઢાર કિલોને આંબી ગયેલું!
જો કે હવે સરકારી તંત્ર અને અન્ય સંસ્થાઓની આંખ ખૂલી છે અને ઠેર ઠેર "Let's Move!' જેવાં મિશન અમલમાં મુકાયા છે, જેથી લોકોને ચાલવાની ટેવ પડે. શાળાઓમાં પણ ન્યુટ્રીશન અને ફિઝીકલ એક્ટિવિટીઝ ઉપર ભાર મૂકાઈ રહ્યો છે. આશા છે કે આવનારાં પાંચ-દસ વર્ષોમાં પરિસ્થિતિ સુધરશે. સાથે જ મેકએલન શહેરની કથા મુંબઈ સહિતના દિવસે દિવસે ‘ખાધે પીધે સુખી’ થઇ રહેલા શહેરો માટે ચેતવણીરૂપ છે.