Sat Jun 20 2026

Logo

જુગાડુ ગુજરાતીથી તો સૂરજદાદા પણ અકળાય છે...

2026-06-20 11:04:00
Author: Milan Trivedi
Article Image

મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી

ચૈત્ર - વૈશાખ મહિનો બેસે એટલે સૂર્યનારાયણ જાણે પૃથ્વી પર ‘લાઈવ કોન્સર્ટ’ કરવા ઉતરી આવે છે.

બપોરે રસ્તા પર નીકળો એટલે એવું લાગે જાણે કુદરતે આખા શહેરને ‘એર ફ્રાયર’માં મૂકી દીધું છે! માણસ રસ્તા પર ચાલતો નથી, ઓગળતો ઓગળતો સરકે છે.

આ ગરમીમાં બે જ વસ્તુ સૌથી વધુ ફાટી રહી છે એક તો લોકોનું ચામડું અને બીજું લાઈટ બિલ જોઈને મિડલ ક્લાસ માણસનું કાળજું!

સામાન્ય રીતે અત્યારનો સમય વરસાદ આવવાનો સમય ગણાય, પરંતુ આ વખતે સૂર્યનારાયણ દેવ પણ સંતાકૂકડી રમી રહ્યા છે અને વાદળાઓ સાથે માઠું લગાડી મેદાનમાંથી હટવા તૈયાર નથી.

મધ્યમ વર્ગ સામાન્ય રીતે બપોરના સમયે મોલમાં આંટા મારવા નીકળી જાય અને મફતની એસીની ઠંડક માણતા, પરંતુ હવે તો તેમણે પણ ફરજિયાત ઘરમાં એસી ફીટ કરાવવું પડે છે.

એસી ફીટ કરાવ્યા બાદ આજકાલ દરેક મધ્યમવર્ગીય ઘરમાં એક નવો તહેવાર ઉજવાય છે, જેનું નામ છે  ‘લાઈટ બિલ દર્શન ઉત્સવ’. આ ઉત્સવ દર બે મહિને આવે છે. ઘરમાં એસી ચાલુ કરતી વખતે જે આનંદ થાય છે, તેની કિંમત જ્યારે વોટ્સએપ પર કે કાગળના બિલ સ્વરૂપે ઘરે આવે છે ત્યારે ખરા અર્થમાં સાચો પરસેવો છૂટે છે.

રૂમમાં એસી 24 ડિગ્રી પર સેટ હોય, રૂમ એકદમ ગુલાબી ઠંડો હોય, માણસ ચાદર ઓઢીને સૂતો હોય અને અચાનક એના મગજમાં વીજળીના મીટરનો આંકડો ફ્લેશ થાય... બસ! ત્યાં જ બધી ઠંડક ગાયબ. લાઈટ બિલ જોઈને માણસને જે પરસેવો વળે છે ને, એ ગરમીનો નથી હોતો, એ બજેટ ખોરવાઈ જવાનો ‘આધ્યાત્મિક પરસેવો’ હોય છે.

ઘણાં ઘરોમાં તો એસી ચલાવવાના કડક નિયમો હોય છે. ઘરના વડીલો એસીનાં રિમોટને તિજોરીની ચાવીની જેમ સાચવે છે. બપોરે બે થી ચાર જ એસી ચાલશે, એ પછી ‘ઓટો કટ’ ન થાય તો પપ્પા મેન્યુઅલી આવીને ‘પાવર કટ’ કરી જાય. રાત્રે પણ એસી ચાલુ થાય એટલે ઘરના મોભીની નજર ઘડિયાળ પર હોય. જેવું તાપમાન થોડું નીચું જાય એટલે ધીમેથી કહી દેશે: ‘હવે રૂમ ઠંડો થઈ ગયો છે, એસી બંધ કરીને પંખો કરી નાખો!’ આને કહેવાય ફાઇનાન્સિયલ મેનેજમેન્ટ!

ઘણા પરિવાર ગરમીથી બચવાના ‘મેડ ઇન ઇન્ડિયા’ દેશી જુગાડ અજમાવે છે. આપણી પાસે દરેક સમસ્યાનો એક ‘દેશી જુગાડ’ તૈયાર જ હોય છે. સાયન્સ ભલે ગમે તેટલી પ્રગતિ કરે, પણ ઉનાળામાં જે જુગાડ એક સામાન્ય ગુજરાતી કરી શકે, તે ‘નાસા’ (NASA)ના વૈજ્ઞાનિકો પણ ન વિચારી શકે, જેમકે ...

1) ધાબા પર જળ-અભિષેક ને ગાદલાનું સ્થાનાંતરણ

બપોરની ગરમીમાં ધાબું એટલું તપી જાય છે કે તેના પર પાપડ શેકી શકાય એટલે સાંજે 6 વાગ્યા પછી ઘરના પુરુષો પાઈપ લઈને ધાબા પર ચડી જાય છે. ધાબા પર પાણી છાંટવાનો આ આખો પ્રોગ્રામ કોઈ ધાર્મિક વિધિથી ઓછો નથી હોતો.

રાત્રે જ્યારે રૂમની અંદર પંખો બળબળતી હવા ફેંકતો હોય, ત્યારે આખો પરિવાર ગાદલાં, ચાદર અને ઓશીકાં લઈને ધાબા પર ‘હિજરત’ કરે છે. ધાબા પર સુવાનો પણ એક અલગ જ રોમાંચ છે. બાજુવાળાના ધાબા પર કોણ સૂતું છે, કોણ નસકોરાં બોલાવે છે, અને કઈ બિલાડી ક્યાં કૂદી... આ બધી લાઈવ કોમેન્ટ્રી સાથે ઊંઘવાની જે મજા છે, એ ફાઈવ સ્ટાર હોટેલના એસી રૂમમાં પણ નથી મળતી.

2) સ્કૂટર તથા  બાઇકના આસનો પર ‘ગોદડા પ્રથા’

ઉનાળામાં બપોરે ટુ-વ્હિલર પાર્ક કર્યું હોય અને બે કલાક પછી જો તમે ભૂલથી પણ સીધા તેના પર બેસી ગયા  તો સમજી લો કે ‘તત્કાલ મોક્ષ’ નક્કી છે! બાઇકની સીટ એટલી ગરમ હોય છે કે માણસ બેસતાની સાથે જ અડધો ફૂટ હવામાં 
ઉછળે છે.

આના ઇલાજ માટે આપણી સોસાયટીઓમાં અદ્ભુત જુગાડ જોવા મળે છે. લોકો બાઇકની સીટ પર જાડા ટુવાલ, જૂની કોથમીરોની ગૂણ, અથવા ખાસ બનાવેલા કોટનના કવર લગાવે છે. કેટલાક તો બાઇક પર બેસતા પહેલાં તેના પર પાણીની આખી બોટલ ખાલી કરે છે. સીટમાંથી વરાળ નીકળે અને પછી જ માણસ એના પર બેસે જાણે કોઈ સ્પા (Spa) માં સ્ટીમ બાથ લઈ રહ્યો હોય!

3) ગૃહિણીઓનો ‘નિનજા લૂક’

બપોરના સમયે જો તમે શાકભાજી માર્કેટમાં જાઓ તો તમને એવું લાગે કે તમે કોઈ બીજા જ ગ્રહ પર આવી ગયા છો. ગરમીથી બચવા માટે આપણી બહેનો-માતાઓ જે ડ્રેસિંગ કોડ અપનાવે છે તેને ‘નિનજા ટેકનિક’ કહી શકાય.

માથાથી લઈને છેક ગળા સુધી મોટો દુપટ્ટો એવી રીતે બાંધ્યો હોય કે માત્ર બે આંખો જ દેખાય. હાથમાં છેક ખભા સુધીના મોજા (Gloves) પહેર્યા હોય અને આંખો પર કાળા ચશ્માં. આ લૂક જોઈને ઘણીવાર બેંકના સિક્યોરિટી ગાર્ડ પણ ક્ધફ્યૂઝ થઈ જાય છે કે આ ગ્રાહક છે કે લૂંટારુ! પણ ભાઈ, સ્કીન ટેનિંગ (Skin Tanning) થી બચવા માટે આનાથી ઉત્તમ કોઈ જુગાડ નથી.

ઉનાળામાં ઘરના ફ્રિજની હાલત પણ જોવા જેવી હોય છે. ફ્રિજ ખોલો એટલે શાકભાજી રાખવાની જગ્યાએ પણ પાણીની બોટલો ગોઠવાયેલી હોય. ઘરમાં એક વણલખાયેલો નિયમ હોય છે: ‘જે બોટલ ખાલી કરશે, એ જ ભરીને પાછી મૂકશે.’

જો કોઈ ભૂલથી ખાલી બોટલ ફ્રિજમાં મૂકી દે, તો ઘરમાં ‘મહાભારત’ સર્જાઈ શકે છે. વળી, તરસ છિપાવવા માટે પાડોશીના ઘરેથી બરફ માંગવા જવાની જે પરંપરા છે, એ આપણી સામાજિક એકતાનું પ્રતીક છે. પાડોશી પણ એક વાટકો બરફ આપે ત્યારે એવો ભાવ લાવે છે જાણે સોનાનું બિસ્કિટ દાનમાં આપી રહ્યા હોય!

ગમે તે કહો, ઉનાળો આપણને શિસ્ત અને સમાનતા શીખવે છે. ગરીબ હોય કે અમીર, બપોરે બે વાગ્યે લૂ (ગરમ પવન) તો બધાને સરખી જ લાગે છે.

ઋતુઓ તો આવતી-જતી રહેશે, લાઈટ બિલ પણ આવતા રહેશે, પણ આ ગરમીમાં જો સાચે ટાઢોડું મેળવવું હોય તો સાંજે સોડાની દુકાને જઈને, એક ‘ડબલ લીંબુ સોડા’ મારી લેવી. એ સોડાના પહેલા ઘૂંટડા સાથે જે તૃપ્તિ મળે છે ને સાહેબ... એની સામે દુનિયાના તમામ એસી ફેઈલ છે!

-  માટે ગરમીથી ગભરાશો નહીં. બોટલો ભરતા રહો, ધાબા પર પાણી છાંટતા રહો, અને બિલ આવે ત્યારે આંખો બંધ કરીને ઓમ શાંતિ... શાંતિ... નું રટણ કરતા રહો!    
                                                      
વિચારવાયુ

હોર્મુઝની ખાડી ખુલવાની છે. કદાચ ટાઢકનો અહેસાસ થશે.