સંકલન: સ્મૃતિ શાહ મહેતા
ગળું પકડાઈ જવું, શરદી કફ, ઉધરસ વગેરે શ્વાસનળી સંબંધી બીમારીઓ આપણને અનેકવાર થતી હોય છે. છતાં પણ તે બીમારી કયા કારણથી થતી હોય છે તેનાથી આપણે સાવ અજાણ હાઈએ છીએ. આપણને પ્રાય: એ ખ્યાલ જ નથી આવતો કે આ બીમારી થવાનું કારણ શું છે.
આ બીમારીઓમાં આપણા ઉપર જ અભ્યાસ કરી, તેનાં કારણો શોધી, તે પ્રમાણે સાવધાની રાખીને ઉપચાર કરીશું તેટલા જરૂર બચી શકીશું, કેમ કે આ બીમારીઓ અનેક કારણોથી થતી હોય છે, માટે તેના ઉપચારો કારણ પ્રમાણે કરાય, પરંતુ એમાં મોટા ભાગના ભૂલ કરતા હોય છે. જેમ કે કોઈને પિત્ત કે વાયુને લઈને શરદી થઈ હોય અને ઉપચાર કફની શરદીનો કરે.
શ્વસનતંત્ર સંબંધી રોગ મોટા ભાગે વાઇરલ ઇન્ફેક્શનના કારણે થતા હોય છે. ખરેખર તો તે વાઇરલ ઇન્ફેક્શનની એન્ટિબાયોટિક દવાઓ કાંઈ જ અસર કરતી નથી. છતાં પણ ભારતમાં આ રોગની સારવાર માટે એન્ટિબાયોટિક દવાઓ સૌથી વધારે વપરાય છે. તેનાં અમુક કારણો એવાં છે કે કોઈવાર ચિકિત્સક ધન કમાવા માટે, તો કોઈકવાર તેની અજ્ઞાનતાના કારણે તે બિનજરૂરી દવાઓ આપતા હોય છે. અરે...! અમુકવાર તો એવું પણ બનતું હોય છે કે દર્દી સાજા થવા માટે ચિકિત્સક પાસે દવાઓની અપેક્ષાઓ રાખતા હોય છે. તેથી ચિકિત્સકને બધો જ ખ્યાલ હોવા છતાં દર્દીની માનસિકતા સંતોષવા માટે બિનજરૂરી દવાઓ આપવા માટે લાચાર થવું પડે છે.
વિશ્વમાં આપણો દેશ વાઇરલ ઇન્ફેક્શનથી થતી બીમારીઓમાં હંમેશાં બિનઅસરકારક એવી એન્ટિબાયોટિક દવાઓ લેવામાં મોખરે છે. માટે હરખતા હૈયે આવી દવાઓ ખાતા એવા આપણે, શું જરા ચેતવું ન જાઈએ...?
શરદી-કફ થવાનાં કારણ ગળું પકડાઈ જવું
બૅક્ટેરિયલ
તાવ આવે અને લાંબા સમય સુધી રહે. જીભ સૂકી અને સફેદ રહે. સોજી ગયેલા કાકડા, લીલાશવાળો કફ.
વાઇરલ
મોટા ભાગે તાવ ન આવે અને ટૂંકા સમય પૂરતું જ રહે (5થી 6 દિવસ).
આહાર
વધુ ગળ્યું, ઠંડું કે ગરમ અને આથેલી વાનગીઓ જમવી.
વાતાવરણ
ઋતુ ફરે ત્યારે એલર્જી (ધૂળ, ધુમાડો, અમુક વૃક્ષોની પરાગરજ, અમુક પ્રદેશ વગેરેની)
પિત્તની શરદી
મોટા ભાગે પિત્ત અને વાયુ-પિત્ત પ્રકૃતિવાળાને થાય ખાસ શરદઋતુમાં.
લક્ષણ
માથું અને શરીર ભારે રહે. ગળું બળે અને બેસી શકે. શરીર ગરમ રહે અને તાવ આવવાની સંભાવના રહે. છીંક ઓછી આવે. જો કફ હોય તો પીળો-લીલાશવાળો આવે.
અન્ય કારણ
ચેપ લાગવો, ઉજાગરા, અર્જીણ, કબજિયાત વગેરે
શરદી-કફના ઉપચાર પિત્તના કારણે થયેલી શરદી-કફ
1. 1 ચમચી જેઠીમધ, 1 ચમચી મધ અને અડધી ચમચી ઘી ભેગું કરી સવાર-સાંજ લેવું.
2. કાળી દ્રાક્ષ અને સાકર મોઢામાં ચાવવી અને ચૂસવી.
3. 2 ચમચી ઘી અને 1-2 ચમચી સાકર સાથે 2 કેળાં લેવાં.
4. વધુ પિત્તને કારણે શરદી થઈ હોય તો ઠંડાં પ્રવાહી લઈ શકાય. (ખસ, ગુલાબનું શરબત વગેરે)
વાત અને કફના કારણે થયેલી શરદી - કફ
1. સૂંઠ, મરી અને પીપર સરખા ભાગે ભેગા કરી સવાર-સાંજ 1 ચમચી ચૂર્ણ ફાકીને પાણી પીવું. અમુક દિવસમાં જ જમા થયેલો કફ નીકળવા લાગશે અને નવો કફ બનતો અટકશે.
2. સવાર-સાંજ બે જામફળ ખાવાથી વર્ષો જૂની શરદી પણ મટે છે.
3. ઉકાળેલું સૂંઠવાળું પાણી પીવું.
4. 1-1 ચમચી આદુનો રસ અને મધ સવાર-સાંજે લેવું.
5. આદુનો અને ફૂદીનાનો 1 કપ ઉકાળો લેવો.
6. કાળાં મરી અને શેકેલી હળદરનું 4 ગ્રામ જેટલું ચૂર્ણ ગરમ દૂધ સાથે લેવું.
7. ફૂદીનાના રસનાં ટીપાં નાકમાં નાખવાથી સળેખમ મટે છે.
8. 3-3 ગ્રામ તુલસી અને આદુનો રસ, 1 ચમચી મધ સાથે લેવાથી કફ મટે છે.
9. આદુનો રસ, લીંબુનો રસ અને સિંધવ મેળવી જમતાં પહેલાં લેવાથી કફ, શ્વાસ અને ઉધરસ મટે છે.
10. 1 મુઠ્ઠી શેકેલા હળદરવાળા ચણા ખાવા.
11. લવિંગના તેલને રૂમાલમાં નાખી સૂંઘવું.