Fri Aug 21 2026

Logo

ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા હો તો સુધરી જજો! મેમો મળ્યા બાદ દંડ નહીં ભરો તો વાહન થઈ શકે છે 'જપ્ત'

2026-08-14 17:37:35
Author: Mayur Patel
Article Image

ChatGPT Image


ગુજરાતમાં 'નેક્સ્ટ જનરેશન ઈ-ચલણ' લાગુ, દંડ નહીં ભરો તો RTO સેવાઓ બ્લોક અને વાહન થશે જપ્ત!

ગાંધીનગરઃ ગુજરાત સરકાર દ્વારા નાગરિકો ટ્રાફિક નિયમોનું પાલન કરે તેના માટે અનેક અભિયાન હાથ ધરવામાં છે. તેમ છતાં કેટલાક લોકો ટ્રાફિક નિયમોનું પાલન નથી કરતાં. જોકે, હવે ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાનું આવી બન્યું સમજો. રાજ્યમાં નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમ લાગુ કરી દેવામાં આવી છે, જેના મુજબ નિયમભંગના 3 દિવસમાં ઈ-મેમો મળશે. જો મેમોની રકમ નહીં ભરવામાં આવે તો વાહનનું RTO સંબંધિત કોઈ પણ કામકાજ બ્લોક થઈ જશે. આ ઉપરાંત, બીજા કેટલાક અન્ય નિયમો પણ અમલી બની ગયા છે.

તમામ પ્રક્રિયાઓ માટે કડક ટાઈમલાઈન નક્કી

મળતી વિગત પ્રમાણે, રાજ્યમાં 'નેક્સ્ટ જનરેશન ચલણ સિસ્ટમ સત્તાવાર રીતે 12મી ઓગસ્ટથી અમલી બનાવી દેવામાં આવી છે. આ નવી ડિજિટલ વ્યવસ્થા હેઠળ ટ્રાફિક નિયમોના ઉલ્લંઘનથી લઈને દંડની વસૂલાત અને નિવારણ સુધીની તમામ પ્રક્રિયાઓ માટે કડક ટાઈમલાઈન નક્કી કરવામાં આવી છે.

ટ્રાફિક નિયમના ભંગની 3 દિવસમાં જાણ

નવા નિયમો અનુસાર, હવે કોઈ પણ વાહનચાલક ટ્રાફિક નિયમનો ભંગ કરશે તો નિયમભંગના 3 દિવસની અંદર ડિજિટલ માધ્યમ (SMS કે ઈ-મેઈલ) દ્વારા ઈ-ચલણ વાહનમાલિક સુધી પહોંચાડવું ફરજિયાત રહેશે. ઉપરાંત ફિઝિકલ ચલણ મોકલવા માટે 15 દિવસની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે. જો વાહનચાલકે દંડ નહીં ભર્યો તો RTO સંબંધિત તેમના તમામ કામકાજ (વાહનની લેવેચ અથવા નામ ટ્રાન્સફર સહિત અન્ય કામગીરી) અટકી જશે અને વાહન જપ્ત પણ કરવામાં આવશે.

દંડ નહીં ભરો ત્યાં સુધી નહીં વાહન વેચી શકાય

સરકારે સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો વાહનચાલક નિર્ધારિત સમયમાં દંડની ચુકવણી નહીં કરે તો કડક શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. જો કોઈ દંડ બાકી હશે તો કેન્દ્રીય વાહન પોર્ટલ પર તે વાહનની વિગત સામે Not to be Transacted નોંધી દેવામાં આવશે, પરિણામે, જ્યાં સુધી દંડ નહીં ભરાય ત્યાં સુધી વાહનની લે-વેચ, નામ ટ્રાન્સફર કે અન્ય કોઈ પણ RTO કામકાજ થઈ શકશે નહીં. ખૂબ જ ગંભીર કેસોમાં કે લાંબા સમય સુધી દંડ બાકી રાખનારાઓના વાહનોને પોલીસ દ્વારા સીધા ડિટેઈન પણ કરી શકાશે.

વાહનચાલકો તેમને મેમો મળતાં જ ઓનલાઈન દંડ ભરી શકશે. સરકારના આ પગલાંથી રાજ્યમાં વાહન નિયમોનો ભંગ કરતાં લોકોમાં ફફડાટ ફેલાયો છે. સરકારના આ પગલાંથી વાહનચાલકો બેફામ ડ્રાઇવિંગ કરતા બંધ થશે, ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરતા થશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે.