Sat Sep 05 2026

Logo

સામખિયાળીમાં વકીલના ઘરેથી રૂપિયા ૫.૬૪ લાખના દાગીનાની ચોરી: જાણભેદુની આશંકા

2026-08-21 13:56:00
Author: Mayur Patel
સામખિયાળીમાં વકીલના ઘરેથી રૂપિયા ૫.૬૪ લાખના દાગીનાની ચોરી: જાણભેદુની આશંકા

Ai Image


ભુજઃ સામખિયાળી શહેરના શાંતિધામ વિસ્તારમાં રહેતા એક રેવન્યૂ એડવોકેટના મકાનમાંથી ભેદી સંજોગોમાં સોના-ચાંદીના ઘરેણાં અને ૧૦ હજારની રોકડ મળી કુલ રૂપિયા ૫.૬૪ લાખની માલમતાની ચોરી થતાં ચકચાર મચી ગઈ છે. બે મહિના અગાઉ ઘટેલી આ ઘટનામાં કોઈ ચોક્કસ કડી ન મળતાં અને ચોરી પાછળ ઘરના જ કોઈ જાણભેદુની સંડોવણી હોવાની શંકા જતાં પરિવારે પ્રથમ પોતાની રીતે તપાસ હાથ ધરી હતી, પરંતુ ભેદ ન ઉકેલાતાં આખરે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

શાંતિધામમાં ચાર ભાઈઓના સંયુક્ત પરિવારમાં રહેતા ૩૨ વર્ષીય એડવોકેટ નરેશ અજા ચૌહાણના જણાવ્યા અનુસાર, તેમના ઘરના લાકડાના કબાટમાં તેમની પત્ની, ભાભી અને સ્વર્ગસ્થ માતાના દાગીના રાખવામાં આવતા હતા, જેની ચાવી પત્ની પાસે રહેતી હતી. ગત ૧૮ જૂનના રોજ પત્નીને એક પ્રસંગમાં જવાનું હોવાથી તેણે કબાટ ખોલતાં દાગીના ગાયબ હોવાનું સામે આવ્યું હતું.

ચોરી થયેલા સામાનમાં સાડા ત્રણ તોલાનો સોનાનો હાર, ૮ ગ્રામની સોનાની બે બુટ્ટી, દોઢ તોલાનું મંગળસૂત્ર, ૨ ગ્રામની સોનાની વીંટી, ૧૦૦ ગ્રામ ચાંદીનો ઝૂડો અને ૧૦ હજારની રોકડ રકમનો સમાવેશ થાય છે.

કબાટનું તાળું તૂટેલું ન હોવાથી અને કોઈ બળજબરીના એંધાણ ન મળતાં ચોરી કરનાર ઘરનો કે નજીકનો જ કોઈ જાણભેદુ હોવાની પ્રબળ શંકા વ્યક્ત થઈ રહી છે. પરિવારે બે મહિના સુધી પોતાના સ્તરે તપાસ ચલાવ્યા બાદ સફળતા ન મળતાં અંતે પોલીસનું શરણું લીધું છે. સામખિયાળી પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ ચાલુ કરી છે.

(ઉત્સવ વૈદ્ય)