ગુંદિયાળીમાં યુવતીનો ગળેફાંસો, સણોસરાના આધેડનું ઝેર પીવાથી મોત: માર્ગ અકસ્માતોમાં ત્રણ યુવાનો હોમાયા
ભુજઃ કચ્છમાં છેલ્લા 24 કલાક દરમિયાન બનેલા અપમૃત્યુના જુદા-જુદા બનાવોમાં પાંચ લોકોના અકાળે મોત નીપજતાં પંથકમાં અરેરાટી સાથે ગમગીની પ્રસરી જવા પામી છે. પોલીસ કંટ્રોલ રૂમ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, બંદરીય માંડવી તાલુકાના ગુંદિયાળી ગામે શેખાઈબાગ વિસ્તારમાં રહેતી રિંકલબેન વસંતભાઈ વ્યાસ (ઉં.વ. 24) નામની યુવતીએ ગત સવારે કોઈ અગમ્ય કારણોસર દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈ મોતનો માર્ગ અપનાવી લીધો હતો. અત્યારે આ બનાવનું કારણ જાણવા માંડવી મરીન પોલીસે તપાસ હાથ ધરી છે.
બીજા બનાવની વાત કરવામાં આવે તો, અબડાસાના સણોસરા ગામના રહેવાસી સરદારસિંહ હઠીસિંહ જાડેજા (ઉં.વ. 46)એ ગત તારીખ 18 ઓગસ્ટે કોઠારા વાડી વિસ્તારમાં ઝેરી દવા પી લીધી હતી. તેમને વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાતાં સારવાર દરમિયાન અડધી રાત્રે તેમણે દમ તોડ્યો હતો.
મુંદરાથી પાવડર ભરી દિલ્હી જઈ રહેલી એક ટ્રક, ગાગોદર નજીક ગાયને બચાવવા જતાં રોડ નીચે પલટી મારી ગઈ હતી. ટ્રક નીચે દબાઈ જતાં ક્લીનર રાહુલ રામસિંહ લુહાર (ઉં.વ. 22, રહે. રાજસ્થાન)નું ઘટનાસ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. રાપર પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. અન્ય અકસ્માતનો બનાવ મીઠીરોહરથી વરસામેડી જવાના માર્ગ પર બનવા પામ્યો હતો જેમાં અજાણ્યા ડમ્પરે મોટરસાઈકલને ટક્કર મારતાં 28 વર્ષીય હીરા ભોજા ભરવાડ નામના યુવાનનું ગંભીર ઈજાઓ થતાં મોત નીપજ્યું હતું.
આ સાથે માંડવી-મુંદરા ધોરીમાર્ગ પર મોટી ખાખરના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પાસે સામેથી આવતા અજાણ્યા બલ્કરે રિક્ષાને ટક્કર મારી દીધી હતી. આ ગમખ્વાર અકસ્માતમાં રિક્ષાચાલક પોપટભાઈ સોલંકી (રહે. શિરવા, માંડવી) બહાર ફંગોળાઈને ટાયર નીચે આવી જતાં તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે તેમની અઢી વર્ષની પુત્રીને માથામાં ગંભીર અને પત્નીને સામાન્ય ઈજા પહોંચી હતી. મુંદરા પોલીસે ઘટના સંદર્ભે અજાણ્યા વાહનચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ઉત્સવ વૈદ્ય