માવજી મહેશ્વરી
‘હું સૂઈ જાઉં? બાકીની વાત કાલે કહીશ.’
‘જ્યારે ખરેખર ટર્ન આવ્યો છે ત્યારે સૂઈ જવાની વાત કરો છો. મારી તો ઊંઘ ઊડી ગઈ છે.’
‘એમાંય મજા લેવાની? મને તો મજા આવે એવું કંઈ લાગ્યું નથી. ભાઈસાબ હવે મેરબાની કરો તો સારું. મને રીયલી ઊંઘ આવે છે યાર.’
‘તમે એમ માનો છો કે તમે બાજુમાં સુતા હશો ને મને ઊંઘ આવશે? એક તો વાત અધવચ્ચે છોડશો અને વળી.......’
આમ તો મારી આખી વાત સાંભળી લીધા પછી પણ તમને ઊંઘ તો નથી આવવાની. ઓકે મારે કથાને અંત સુધી લઈ જવી જ પડશે. પણ જેવી હું ઘેર પહોંચી કે સંજયનો ફોન આવ્યો. મને ખાત્રી થઈ રત્નાકરજી સાચા છે. એ માણસને ધમકીની ભાષામાં જ વાત કરવાની ટેવ છે. સંજયે મને કહ્યું કે ‘સોનલ તારે હવે મારા કે જય માટે કંઈ કરવાનું નથી. અમને એક પાઈ પણ જોઈતી નથી. તારે ખેરાત કરી નાખવું હોય તો કરી નાખ. પણ એટલું યાદ રાખજે હું તને શાંતિથી જીવવા નહીં દઉં.’
મને ગુસ્સો આવતો હતો. તેમ છતાં એક ટ્રાય કરી, સંજય ભલે આપણી મા જુદી હતી બાપ તો એક છે ને? પ્લીઝ કાલે આવ. અરે અત્યારે આવ. ચાલ હું તમને બેય ભાઈઓને બધુંય આપી દેવા તૈયાર છું. મને એમ હતું કે સંજય મારી વાત સાંભળી નરમ પડશે. પણ તે ઊલટાનો ઉશ્કેરાયો, ‘હું ભીખારી નથી કે તારા ફેંકેલા ટુકડા ઉપાડીને રાજી થાઉં. આપણે ભાઈ બહેન છીએ તે વાત ભૂલથીય ન કહેતી. તું માત્ર એક છોકરી છો તે પણ મારી દુશ્મન.’
મને ઝાળ લાગી ગઈ. સંજયના કહેવાનો અર્થ શું થતો હતો તે હું બરાબર સમજી હતી. ‘શટ અપ યુ મેડ ડોગ. હુંય જોઈ લઈશ કે તારાથી શું થાય છે.’ એમ કહીને મેં ફોન કટ કરી નાખ્યો. સવારે નસ્તાના ટેબલ પર આમ તો જય એની પત્ની. મમ્મી પપ્પા અને હું પાંચેય હતા. મને એમ હતું કે એ લોકો વાત કાઢશે પણ કોઈ બોલ્યું નહીં. મેં આગલી રાતે મારો પ્લાન ઘડી નાખેલો. પપ્પા અને મમ્મી શો રૂમ ઉપર જવા નીકળ્યા. એમના ગયા પછી હું મારી ગાડીથી શો રૂમ પર પહોંચી.
મેં નીકળતા પહેલા રત્નાકરજીને પહોંચી જવા કહેલું. એટલે તેઓ હાજર હતા. મેં ન માત્ર રત્નાકરજીને પોદાર અને બક્ષીને પણ બોલાવી લીધેલા. પપ્પા એ ત્રણેયને જોઈ ઘા ખાઈ ગયા. એમને ખ્યાલ આવી ગયો કે આજે નવાજુની થવાની છે. મારી મમ્મી પોતાની ચેમ્બરમાં હતી. પપ્પા એમની ચેમ્બરમાં હતા. એક ચેમ્બર એવી છે જેમાં બે કોમ્પ્યુટર અને ભીંતમાં લગાવેલું એક એલસીડી મોનિટર છે જે કોમ્પ્યુટર સાથે જોડાયેલું છે. સમૂહમાં બેસીને જ્યારે કામ થાય છે ત્યારે એ સ્ક્રીનને કનેક્શન અપાય છે.
હું એ ચેમ્બરમાં બેઠી હતી. મારી સામે રત્નાકરજી, વિમલ બક્ષી અને પોદાર બેઠા હતા. એ ત્રણેય મારા બોલવાની રાહ જોતા હતા. મેં રત્નાકરજી સામે જોઈને કહ્યું, ‘વોરાસાહેબ દાદાજીના ગયા પછી આ મિલકત અને વહીવટ બાબતે જે કંઈ થયું છે તે તમે જાણો છો. હું માનું છું કે મિસ્ટર પોદાર અને બક્ષી પણ જાણતા હશે. થોડા સમય પહેલા જે હેતુસર મેં પપ્પાને પાવરદાર બનાવ્યા તે હેતુ ઊલટાનો મારા માથાનો દુખાવો બનતો જાય છે. તેના માટે મેં આપને બોલાવ્યા છે.
પહેલી વાત એ છે કે આખોય વહીવટ હવે હું મારા હસ્તક જ રાખવા માગુ છું. અત્યારથી જ પપ્પાને આપેલી બધી જ સત્તાઓ પાછી લઈ લેવાની છે, એટલું જ નહીં, દાદાજીના વિલ પ્રમાણે એમ.વી.માં તેમનો કોઈ હક રહેતો નથી એટલે તેમને અહીંથી સંપૂર્ણ રીતે મુક્ત કરવાના છે.’
‘મેમ આઈ બેગ યોર પાર્ડન બટ એ માટે આપણે મિસ્ટર એમ. એમ. ઝવેરીને લેખિત આપવું પડે. અને એ લખાણ એમને મળ્યું છે તેના પુરાવા રૂપે એમના સિગ્નેચર પણ લેવા પડે.’ પોદાર વચ્ચે બોલ્યો, ઓકે એ પ્રક્રિયા બહુ જલદી કરો મિસ્ટર પોદાર મારો સત્તાવાહી અવાજ સાંભળી રત્નાકરજી ના મોં પર માંડ પરખાય તેવું સ્મિત આવ્યું, અમે જે મકાનમાં રહીએ છીએ તે એ મકાન પપ્પાને નામે કરવાનું છે. ઉપરાંત મારી બંને ભાભીઓને રૂપિયા વીસ વીસ લાખ આપવાના થાય છે તેના બે ચેક તૈયાર કરી બે દિવસમાં જ એમને મળી જાય તેવી વ્યવસ્થા ગોઠવવાની છે.
રત્નાકરજી, એમ. વી. નો અડધો હિસ્સો હું જય અને સંજયને આપવા માગુ છું. એ કઈ રીતે આપી શકાય તે માટે આપ ત્રણેયને બોલાવ્યા છે. પોદાર અને બક્ષી નવાઈથી મારી સામે જોઈ રહ્યા હતા. રત્નાકરજીએ મારી સામે જોઈ રહેતા કહ્યું, ‘અડધો હિસ્સો એટલે કઈ રીતે? એક આ ફર્મમાં ત્રણ પાર્ટનર થાય છે, તમે અને એ બે ભાઈઓ. બીજું કે જે નફો થાય છે તેના પચાસ ટકા એ બે ભાઈઓને આપવાનો. ત્રીજું અત્યારે એમ. વી.ની માર્કેટ વેલ્યૂના પચાસ ટકા એમને આપી દેવા.
હું આપની પાસેથી જાણવા માગુ છું. કે તમે આ ત્રણમાંથી શું કરવા માગો છો? બેન હમણા આપણે એ મુદ્દાને સ્ટેન્ડ બાય રાખીએ.’ તેમણે બક્ષી અને પોદાર સાથે મંત્રણા કરી. લગભગ એકાદ કલાક અમારી ચર્ચા ચાલી તે દરમિયાન મમ્મી કે પપ્પા બેયમાંથી કોઈ ત્યાં ન આવ્યું. બક્ષી અને પોદાર નીચે પોતાની ચેમ્બરમાં ચાલ્યા ગયા.
રત્નાકરજી અને હું એકલા પડ્યા એટલે તેમણે મને કહ્યું, ‘બેટા તેં જે કર્યું તે મને ગમ્યું. પણ એ આપણી સાથે ટેબલ પર બેસવા તૈયાર થશે નહીં. પછી આપણે લીગલ વે પર જ ચાલવું પડશે. માની લઈએ કે આપણે એમની મરજી વગર, એમને સાથે રાખ્યા વગર નિર્ણય લઈ લઈશું તો એ આપણા માટે મુશ્કેલી પેદા કરશે. એટલે બે રસ્તા છે એક તારો હિસ્સો લઈ કારોબાર એમને સોંપી દે.
બીજું કરન્ટ વેલ્યૂ પ્રમાણે એમના હિસ્સાની રકમ એમને આપી દે.’ મેં રત્નાકરજી સાથે એ બાબતે દરેક પાસાંને ધ્યાનમાં રાખીને ચર્ચા કરી. આખરે એ નક્કી થયું કે એ બેય ભાઈને આ બાબતે કાયદેસર જાણ કરવી. રત્નાકરજીના એક મિત્રનું મકાન સાવ ખાલી પડ્યું હતું. તેમણે એ મિત્ર સાથે પણ વાત કરી લીધેલી. મારા માટે એ સૌથી મોટી રાહત હતી. હું મારા ઘરમાં એક દિવસ પણ રહેવા માગતી ન હતી. તે દરમિયાન બ્રિજેશ પોદાર, પપ્પા અને મમ્મીને આપવાની થતી નોટિસ તૈયાર કરીને લઈ આવ્યો. એ કપરી કામગીરી તેણે જ કરવાની હતી.
બ્રિજેશ પોદાર મમ્મી અને પપ્પાને લેટર આપી આવ્યો અને સહી લઈ આવ્યો. મારું ધ્યાન એ તરફ જ હતું. મને એક શંકા હતી કે કદાચ મમ્મી નાલાયકી ઉપર ઊતરી આવે. પણ એવું કશું થવાને બદલે જૂદું થયું. પહેલા કેબીનની બહાર પપ્પા નીકળ્યા પછી મમ્મી. બેય જણાએ મારી સામે જોયું અને નીચે ઊતરી ગયા. મને એ વખતે એ પણ યાદ આવ્યું કે કાલે પેલી સ્ત્રીએ મને નોનસેન્સ કહ્યું હતું અને પપ્પાએ એ સ્ત્રીની તરફદારી કરી મને ઘર છોડી જતા રહેવાનું કહી દીધું હતું અને હજુ પેલા ડાઘિયા કૂતરાઓનો સામનો કરવાનું તો બાકી હતું.
સોનલ એકધારું બોલીને થાકી ગઈ હતી, ‘તમે મને બેભાન કરીને જ છોડશો. સાલી ક્યા મજબૂરી હૈ. તમને એવુંય નથી થતું કે તમે સામેથી કહો, સોનલ તું સૂઈ જા. બાકીનું કાલે કહેજે. સાલ્લું માણસને બીજાઓની કથાઓમાં આટલો રસ કેમ પડતો હશે?’
તમારા પ્રશ્નનો કોઈ ચોક્કસ જવાબ મારી પાસે નથી. તેમ છતાં તમારે સૂઈ જવું હોય તો સૂઈ જાઓ. કાલે વળી તમારે સંતાવા માટે બીજી જગ્યાની શોધ કરવાની હશે ને?
માણસોને અંદરથી જરાય ઈચ્છા ન હોય તોય ઉદારતા બતાવે બોલો! તમારો ચહેરો રીસાયેલા છોકરા જેવો લાગે છે.
જો મારા વખાણ કાર્યક્રમ પૂરો થયો હોય તો હવે સૂઈ જાવ કે અથવા મારી ઈચ્છા પૂરી કરો. તમારી કહાની સાંભળવાની ઈચ્છા. કોઈ જુદો અર્થ ન કાઢતા.
‘યુ નોટી બોય ડોન્ટ ટ્રાય ટુ બી જેન્ટલમેન! એક મિનિટ હું મારી ઊંઘને બાથરૂમમાં મૂકી આવું નહીંતર તમને સ્ટોરીમાં સાંભળવામાં મજા નહીં આવે.’ સોનલ ઉભી થઈ અને બાથરૂમનો દરવાજો બંધ કર્યો. સનતે સિગારેટ સળગાવી. ધુમ્ર વલયોમાં સોનલનો ચહેરો આકાર લેવા લાગ્યો, જે તેની સાથે જ હતી. સોનલે બહાર નીકળતા કહ્યું. ‘આમ તો હું વ્યસનોને પસંદ કરતી નથી, પણ કેટલાક પુરુષોના હાથમાં સિગારેટ સારી લાગતી હોય છે.’
‘તમે મારો જીવ ન બાળો. અન્નકુટ ભરાયું હોય અને કોઈ ભૂખ્યો માણસ જઈ ચડે તેવી મારી હાલત છે.’
‘સમજું છું. ભૂખ્યા માણસનાય નશીબ હોય છે. દાને દાને પે લીખા હોતા હૈ ખાનેવાલે કા નામ! સમજ્યા માસ્ટર ઓફ મશીન? બાય ધ વે મને કહેશો કે હું ક્યાં અટકી હતી?’
‘પપ્પા પાસે. મતલબ તમારા પપ્પા ઑફીસ છોડીને જતા રહ્યા.’
‘હા, પણ મને એટલું દુ:ખ ન્હોતુ લાગ્યું જેટલું લાગવું જોઈતું હતું. એ આખો દિવસ હું વ્યસ્ત રહી. રત્નાકરજી સાથે ચર્ચાને અંતે એવું નક્કી થયું કે જય, સંજય અને પપ્પાને કાયદેસર જાણ કરી મીટિંગ કરવી અને મીટિંગમાં એ લોકો સહકાર ન આપે તો પછી એકપક્ષીય નિર્ણય લઈ લેવા. હું સાંજે વહેલી ઘેર ચાલી ગયેલી.
પપ્પા મમ્મી ઘેર હતા. જય પણ રાજસ્થાન નહોતો ગયો. હું મારા રૂમમાં જઈ. નહાઈ ફ્રેશ થઈ. એક નાનકડી બેગમાં બે ચાર જોડી કપડાં ભર્યા. મારી જરૂરી વસ્તુઓ લીધી અને ડ્રોઈંગ રૂમમાં આવી ત્યારે મારા પગ ઠરી ગયા. મારા પપ્પાએ મારી સામે જોયું. એમની આંખોમા એવું કંઈક હતું જે કહી શકતા ન હતા. મેં કહ્યું, ‘પપ્પા હું બે ચાર દિવસ માટે બહાર રહેવા જાઉં છું. મારાજને કહેજો મારી વાટ ન જુએ.’
મમ્મી કંઈક બોલવા માગતી હતી પણ ન બોલી એવું મને લાગ્યું. હું ઝડપભેર નીકળી ગઈ. મેં રત્નાકરજી ને કહેલું કે આ બધી ઝંઝટનો નિકાલ ન આવે ત્યાં સુધી મારા ઘેર નહીં રહું. હું હૉટેલ શેરેટોન ચાલી ગઈ. મને ખબર હતી કે રાત સુધીમાં સંજય, જય અને પપ્પાને લેખિત તેમ જ ટેલીફોનિક મેસેજ મળી જશે. મેં મનોમન નક્કી કરી લીધું હતું કે હવે કોઈને નમી નથી દેવું. સ્વમાનના ભોગે તો નહીં જ. મારા માટે એક માત્ર પપ્પાને લાગણી હતી. તેમણે પણ હાથ ઊંચા કરી લીધા હતા. એ રાતે મેં ડાયરીમાં કેટલીક નોંધ કરી. મારી એકાદ બે ફ્રેન્ડને ફોન કરી ખબર પૂછ્યા.
શો રૂમ છોડતી વખતે રત્નાકરજી સાથે બધી ચર્ચા થઈ ગયેલી એટલે હવે બીજા દિવસે જે થાય તે જોયું જશે તેમ માની હું સૂતા પહેલા અમસ્તી બારી પાસે આવી. નીચે લાઈનબદ્ધ ગાડીઓ ઊભી હતી. તે વખતે એક કાર આવી પ્રવેશી. હું એ કારને કદી ભૂલી શકું તેમ નથી. એજ બ્લ્યુ કાર. મેં એ કારમાંથી ઊતરેલા ત્રણેય વ્યક્તિઓને ધારીને જોયા. મને ચહેરા બરાબર દેખાતા ન હતા, પણ એક મોટી ઉંમરનો માણસ પણ હતો જે કદાચ કમળામાનો નાનો ભાઈ હોય એવું મને લાગ્યું. મારા પ્રત્યેક પગલે પગલે ચોકી પહેરો મુકાઈ ગયો હતો એ નક્કી થઈ ગયું. (ક્રમશ:)