અમદાવાદઃ દેશ-વિદેશમાં ગુજરાતીઓની ઓળખ શેરબજારમાં રોકાણ કરનારા અને વેપારી લોકો તરીકેની છે. ગુજરાતીઓ શેરબજારમાં મોટા પાયે રોકાણ કરતા હોવાનું નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ના ડેટા પરથી સાબિત થયું હતું. ડેટા અનુસાર ઓગસ્ટ મહિનામાં 2.3 લાખ નવા રોકાણકારોના ઉમેરા સાથે દેશભરમાં નવા રોકાણકારોના રજિસ્ટ્રેશનમાં ગુજરાત મોખરે રહ્યું હતું. તેમજ પ્રથમ વખત દેશના ટોપ-10 જિલ્લાઓમાં ગુજરાતના પાંચ જિલ્લા અને ટોપ-20માં 10 જિલ્લા સામેલ થયા હતા.
બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને જામનગર ટોપ-20માં
આ ઉછાળો માત્ર અમદાવાદ કે અન્ય મુખ્ય શહેરી કેન્દ્રો પૂરતો મર્યાદિત નહોતો. દેશના ટોપ-10 જિલ્લાઓમાં અમદાવાદ, સુરત, ભાવનગર, રાજકોટ અને જૂનાગઢનો સમાવેશ થયો હતો. જ્યારે મહેસાણા, વડોદરા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર અને જામનગર ટોપ-20માં સ્થાન પામ્યા હતા. ગુજરાતમાં રજિસ્ટ્રેશનમાં થયેલો વધારો માત્ર મોટાં શહેરી કેન્દ્રોમાં જ કેન્દ્રિત નથી રહ્યો, પરંતુ વિવિધ જિલ્લાઓમાં પણ નવા રજિસ્ટ્રેશનમાં ઉછાળો જોવા મળ્યો હોવાનું આ આંકડા દર્શાવે છે.
ઇક્વિટી બજારમાં ગુજરાતની મજબૂત ભાગીદારી
સૂત્રોએ જણાવ્યું કે, દેશભરના ટોપ-20માં 10 જિલ્લા સ્થાન પામીને કોઈ એક જ રાજ્યે આટલી નિર્ણાયક રીતે નવા રોકાણકારોની નોંધણીમાં પ્રભુત્વ જમાવ્યું હોય તેવું કદાચ પ્રથમ વખત બન્યું છે. આ આંકડા ઇક્વિટી બજારમાં ગુજરાતની મજબૂત ભાગીદારી દર્શાવે છે. ઉપરાંત આઈપીઓની લહેરે નાના જિલ્લાઓમાંથી પણ પ્રથમ વખત મોટા પાયે રોકાણકારોને આકર્ષ્યા છે તેમ સાબિત કરે છે.
જિલ્લા સ્તરે દિલ્હી-એનસીઆર 75,800 નવા રજિસ્ટ્રેશન સાથે સૌથી મોટું યોગદાન આપનાર રહ્યું હતું. તે પછી મુંબઈ 53,300 અને અમદાવાદ 35,400 નવા રજિસ્ટ્રેશન સાથે આગળ રહ્યા હતા. સુરત 30,200 સાથે ચોથા અને ભાવનગર 26,800 સાથે પાંચમા સ્થાને રહ્યું હતું.
ઓગસ્ટમાં કુલ રજિસ્ટ્રેશનમાં ટોપ-5 જિલ્લાઓનો હિસ્સો
બેંગલુરુમાં 19,500 નવા રજિસ્ટ્રેશન થયા હતા, જ્યારે રાજકોટમાં 18,800 અને જયપુરમાં 18,700 નવા રોકાણકારો ઉમેરાયા હતા. ઓગસ્ટ મહિનાના કુલ રજિસ્ટ્રેશનમાં ટોપ-5 જિલ્લાઓનો હિસ્સો લગભગ 11.5 ટકા રહ્યો હતો. અગાઉ સપ્ટેમ્બર 2024માં પણ ગુજરાતના ચાર જિલ્લાઓ—અમદાવાદ, સુરત, રાજકોટ અને ભાવનગર—દેશના ટોપ-10માં સ્થાન પામ્યા હતા.
ગુજરાતમાં રોકાણકારોની સંખ્યા 1.15 કરોડને પાર
NSE ના ડેટા મુજબ, ગુજરાતના નોંધાયેલા રોકાણકારોના પાયામાં પણ તીવ્ર વધારો થયો છે. નાણાકીય વર્ષ 2010ના અંતે રાજ્યમાં 14.98 લાખ નોંધાયેલા રોકાણકારો હતા. આ આંકડો નાણાકીય વર્ષ 2015માં વધીને 20.55 લાખ અને નાણાકીય વર્ષ 2020માં 37.97 લાખ થયો હતો. નાણાકીય વર્ષ 2027 સુધીમાં ગુજરાતમાં નોંધાયેલા રોકાણકારોનો આધાર 99.39 લાખ સુધી પહોંચી ગયો હતો અને ઓગસ્ટ 2026 સુધીમાં તે 1.15 કરોડ પર પહોંચ્યો હતો.
રાજ્ય સ્તરે, ઓગસ્ટ 2026માં ઉત્તર પ્રદેશને પાછળ છોડીને ગુજરાત નવા રોકાણકારોની નોંધણીમાં સૌથી મોટું રાજ્ય બન્યું હતું. ગુજરાતે 2.3 લાખ નવા રોકાણકારો ઉમેર્યા, જે દેશભરમાં માસિક ધોરણે થયેલા કુલ ઉમેરાના 14.6 ટકા હિસ્સો ધરાવે છે.
આ 5 રાજ્યોનો સંયુક્ત હિસ્સો 50 ટકાથી વધુ
ઉત્તર પ્રદેશ 2.0 લાખ રોકાણકારો (12.9 ટકા) સાથે બીજા ક્રમે રહ્યું હતું. મહારાષ્ટ્રે 1.6 લાખ (10.2 ટકા), રાજસ્થાને 1.1 લાખ (7.1 ટકા) અને તમિલનાડુએ 0.9 લાખ (5.7 ટકા) રોકાણકારો ઉમેર્યા હતા. ઓગસ્ટ મહિનાની કુલ નવા રજિસ્ટ્રેશનમાં આ ટોચના પાંચ રાજ્યોનો સંયુક્ત હિસ્સો 50.5 ટકા રહ્યો હતો.
આ મહિનામાં ગુજરાતનું પ્રદર્શન નોંધપાત્ર રહ્યું હતું. નવા રજિસ્ટ્રેશનમાં માસિક ધોરણે 94.8 ટકા અને વાર્ષિક ધોરણે 134.9 ટકાનો વધારો જોવા મળ્યો હતો. રાજસ્થાને 36.7 ટકા સાથે માસિક ધોરણે બીજો સૌથી ઊંચો વધારો નોંધાવ્યો હતો. ત્યારબાદ હરિયાણા 23.3 ટકા સાથે ત્રીજા સ્થાને રહ્યું હતું. મહારાષ્ટ્ર અને ઉત્તર પ્રદેશમાં ક્રમશઃ 11.2 ટકા અને 7.2 ટકાની વૃદ્ધિ જોવા મળી હતી.