અમદાવાદઃ હાથમાં ધજા, કપાળે તિલક અને મનમાં શ્રદ્ધા સાથે અંબાજી ભાદરવી પૂનમના મેળામાં દર્શન માટે જતા શ્રદ્ધાળુઓની પદયાત્રા ચાલુ છે. અમદાવાદના અસરવા, વાડજ, વ્યાસવાડી, શાહપુર,ખોખરા, મણિનગર, ઓઢવ તથા સાબરમતી જેવા વિસ્તારમાંથી ભાવિકો પદયાત્રા કરતા કરતા અંબાજી પહોંચી રહ્યા છે. અમદાવાદથી હિંમતનગર અને ગાંધીનગરના રસ્તેથી અંબાજી જઈ રહ્યા છે. આ રૂટ પર રાત પડતા ભક્તિમય દિવસ ઊગે છે. માનવમહેરામણ ઊમટ્યું છે. સેવા કેમ્પો ધમધમી રહ્યા છે. ભજન, ભોજન અને ભક્તિના ત્રિવેણી સંગમમાં ભાવિકો આસ્થાની ડૂબકી લગાવીને પદયાત્રા કરી રહ્યા છે.
જય જય કાર સાથે પદયાત્રા
અંબાજી પહોંચીને પૂનમ નજીક આવતા માતાજીના દર્શન કરી આસો માસમાં શરૂ થતા નોરતાનું આમંત્રણ પાઠવી રહ્યા છે. ભાવિકો માતાજીને પોતાના ઘરે બોલાવવા માટે પદયાત્રા કરવા માટે નીકળ્યા છે. અંબાજીમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા છે ત્યારે વહીવટી તંત્ર તરફથી પણ તમામ તૈયારીઓ કરવામાં આવી છે.
શનિવારે 50થી વધારે ગ્રૂપ અંબાજી જવા માટે અમદાવાદથી રવાના થયા હતા. ભારદવાના આકરા તાપ અને સવારના સમયે ઠંડીના ચમકારા સાથે માઈભક્તો આગળ વધી રહ્યા છે. આ જ રૂટ પર કેટકેટલીય સેવાભાવી સંસ્થાઓએ પોતાના સેવાકેમ્પ શરૂ કરી દીધા છે. જે 24 કલાક સુધી ચાલુ છે. કોઈ પોતાના વડીલને વ્હીલચેરમાં બેસાડી તો કોઈ પોતાના સંતાનને ખભે તેળીને પદયાત્રા કરી રહ્યા છે. રૂટ પર ક્યાંક વરસાદ તો ક્યાંક તાપ સામે માતાજીના જય જય કાર સાથે પદયાત્રા ચાલી રહી છે.

સાત દિવસ સતત સેવાકેમ્પ
અમદાવાદની જ કેટલીક સેવા સંસ્થાઓએ ગાંધીનગર તથા હિંમતનગર રૂટ પર સેવા કેમ્પ શરૂ કર્યા છે. દર 15 કિમીના અંતરે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ સેવા કેમ્પમાં ચા-નાસ્તો, બપોરનું ભોજન, સાંજે મહાઆરતી સાથે પ્રસાદ, પગ પર માલીસ તથા મેડિકલ કેમ્પ ચાલી રહ્યા છે. જ્યાં પદયાત્રીઓની પ્રાથમિક સારવારથી લઈ જરૂરી દવાઓ પણ આપવામાં આવી રહી છે. આ રૂટ પર સાત દિવસ સુધી સતત ભક્તિમય માહોલ જોવા મળશે. આસ્થાનું ઘોડાપૂર ઉમટ્યું છે એવા આ બન્ને રૂટ પર શ્રદ્ધાળુઓ દૈનિક ધોરણે 30થી 33 કિમીનો રસ્તો કાપી રહ્યા છે.
દૈનિક ધોરણે 8 કલાક સતત ચાલી રહ્યા છે. અમદાવાદના 50 વર્ષથી વધારે જૂના પદયાત્રા સંઘમાં વડીલોની શક્તિ યુવાનોને શરમાવે એવી છે. શહેરના જુદા જુદા વિસ્તારમાંથી 200થી વધારે શ્રદ્ધાળુઓ આ બન્ને રૂટ પર જોવા મળી રહ્યા છે. અમદાવાદથી ગાંધીનગર, વિસનગર, ખેરાલુ અને દાંતા થઈને અંબાજી પહોંચી રહ્યા છે જે રૂટ 165 કિમીનો છે, જ્યારે અમદાવાદથી હિંમતનગર, ઈડર, ખેડબ્રહ્મા થઈને અંબાજી પહોંચવાનો રસ્તો 180 કિમીનો છે.
4000થી વધારે સ્વયંસેવકોની સેવા
અંબાજી યાત્રાધામને જોડતી એસ.ટી. વિભાગની બસ સર્વિસમાં ફેરા વધારી દેવામાં આવ્યા છે તો ભાવિકોને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે એ માટે નવી બસ પણ આ રૂટ પર મૂકવામાં આવી છે. 6000 એસટી બસની નવી 30 હજાર એક્સ્ટ્રા ટ્રિપથી પદયાત્રા કરીને આવેલા શ્રદ્ધાળુઓને જે તે સ્થળે પહોંચાડી રહી છે. આ ઉપરાંત રૂટ પર પાણી, પીપરમેન્ટ અને છાશની સેવા કરતા આશરે 4000થી વધારે સ્વયંસેવકો દિવસ-રાત પદયાત્રીઓની સેવા કરી રહ્યા છે. સાત દિવસમાં લાખોની સંખ્યામાં માઈભક્તો માતાજીના દર્શન કરશે.
આરાસુરી મા અંબાના પરિસરમાં શીશ નમાવશે. પદયાત્રીઓને કોઈ મુશ્કેલી ન પડે એ માટે વહીવટી તંત્ર દ્વારા પર ખાસ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. મંદિરના મુખ્ય દરવાજા સિવાયના રસ્તાઓ પણ ખોલી નાંખવામાં આવ્યા છે. સીસીટીવીથી મોનિટરિંગ અને ડ્રોન દ્વારા સતત વૉચ રાખવામાં આવી રહી છે.