Tue Oct 06 2026

Logo

સેક્સ વર્કર સાથે સંબંધ બાંધનારા ગ્રાહક પર કેસ કરી શકાય કે નહીં ? હાઈ કોર્ટે શું આપ્યો મહત્વનો ચુકાદો ?

2026-09-22 10:06:00
Author: Mayur Patel
સેક્સ વર્કર સાથે સંબંધ બાંધનારા ગ્રાહક પર કેસ કરી શકાય કે નહીં ? હાઈ કોર્ટે શું આપ્યો મહત્વનો ચુકાદો ?

અમદાવાદઃ સેક્સ વર્કર સાથે સંબંધ બાંધનારા ગ્રાહક પર કેસ કરી શકાય કે નહીં તે અંહે ગુજરાત હાઈ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે કહ્યું કે, કોઈ સ્થળે દેહવ્યાપાર ચાલતો હોય અને ત્યાં વ્યક્તિ માત્ર ગ્રાહક તરીકે હાજર હોય, તો તે પોતાની મેળે કોઈ ફોજદારી ગુનો બનતો નથી. આ આધારે હાઈ કોર્ટે વર્ષ 2010થી પેન્ડિંગ રહેલી FIR અને નીચલી અદાલતની તમામ ફોજદારી કાર્યવાહી રદ કરી હતી.

જાણો શું છે સમગ્ર મામલો

વર્ષ 2010માં પોલીસે એક સ્થળે દરોડો પાડીને ઇમ્મોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો. તે સમયે ત્યાં ઉપસ્થિત અરજદાર સામે પણ દેહવ્યાપારનો અડ્ડો ચલાવવા સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કરી કાનૂની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. આ કાર્યવાહી અને FIRને પડકારતાં અરજદારે ગુજરાત હાઈ કોર્ટમાં સ્પેશિયલ ક્રિમિનલ એપ્લિકેશન દાખલ કરી હતી.

અરજદારના વકીલે અદાલત સમક્ષ દલીલ કરી હતી કે, અરજદાર તે જગ્યાના માલિક, સંચાલક કે દલાલ નહોતા. તેઓ ત્યાં કોઈ હોટેલ, ગેસ્ટ હાઉસ કે દેહવ્યાપારનો વ્યવસાય ચલાવતા નહોતા. તેઓ માત્ર એક ગ્રાહક તરીકે તે જગ્યાએ હાજર હતા. તેથી કાયદાની જોગવાઈઓ, જે વ્યવસાયિક સંચાલકો કે દલાલો પર લાગુ થાય છે, તે તેમના પર સીધી રીતે લાગુ પાડી શકાય નહીં.

વકીલની દલીલો બાદ ગુજરાત હાઈ કોર્ટ પોલીસ દ્વારા રજૂ કરાયેલી ચાર્જશીટ, કેસ ડાયરી અને અન્ય પુરાવાઓની બારીકાઈથી ચકાસણી કરી અને મહત્વના મુદ્દા નોંધ્યા હતા. જે મુજબ  પોલીસ કે તપાસ એજન્સી પાસે એવો કોઈ નક્કર પુરાવો નથી કે અરજદાર તે હોટેલ કે જગ્યાનું સંચાલન કરતા હતા અથવા ત્યાંથી કોઈ આર્થિક લાભ મેળવી અનૈતિક પ્રવૃત્તિ ચલાવતા હતા.  કોઈ સ્થળે માત્ર ગ્રાહક તરીકે હાજર રહેવું એ કૂટણખાનું ચલાવવાનો કે મહિલાઓ પાસે દેહવ્યાપાર કરાવવાનો ગુનો સાબિત કરવા માટે પૂરતું નથી.

આ ઉપરાંત હાઈ કોર્ટે નોંધ્યું કે પૂરતા પુરાવા વગર 2010થી આ કેસ ચાલુ રાખવો એ કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ સમાન છે. આથી, અરજદાર સામેની FIR અને નીચલી અદાલતમાં ચાલતી સમગ્ર ટ્રાયલને કાયદેસર રીતે રદબાતલ જાહેર કરવામાં આવી હતી.

દેહ વ્યાપાર (પ્રતિબંધ) એક્ટની જોગવાઇઓની સ્પષ્ટતા

કાયદાની વિવિધ કલમો અનુસાર જે વ્યક્તિ કૂટણખાનું ધરાવતો હોય અને ચલાવતો હોય અથવા તો આવી જગ્યા વાપરવા માટે આપતો હોય અને તેની જવાબદારી ઠરતી હોય તેવી વ્યક્તિ વિરૂદ્ધ જ ફોજદારી કાર્યવાહી થઇ શકે.  તેમજ  જો કોઇ વ્યક્તિ 18 વર્ષથી મોટી ઉંમરની હોય અને તે આંશિક રીતે અથવા તો સંપૂર્ણ રીતે દેહવ્યાપારથી આજીવિકા કમાતી હોય તો તે ગુનામાં સામેલ ગણાય અને તેની સામે કાર્યવાહી થાય. ઉપરાંત કોઇ વ્યક્તિ કોઇને દેહવ્યાપારમાં ધકેલતી હોય તો તેની સામે કાર્યવાહી થઇ શકે છે.