(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: ઓગષ્ટ મહિનાના પ્રારંભે જ અમદાવાદમાં સ્ટેટ મોનિટરિંગની ટીમે એક મોટી કાર્યવાહી કરીને શહેરના દરિયાપુર વિસ્તારમાં આવેલા મનપસંદ જિમખાના ક્લબમાં મોટો દરોડો પાડ્યો હતો.
આ કાર્યવાહી દરમિયાન 150થી વધુ જુગારીઓને જુગાર રમતા ઝડપી લીધા હતા. મનપસંદ જિમખાનામાં સ્ટેટ મોનિટરિંગ સેલના દરોડા બાદ પોલીસ વડાએ મોટી કાર્યવાહી કરી હતી અને ત્રણ પોલીસકર્મીને સસ્પેન્ડ કર્યા હોવાનું પોલીસના સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું, જેમાં દરિયાપુર પોલીસ સ્ટેશનના પીઆઈ જી.વી ગોહિલ, સર્વેલન્સ સ્ક્વોડના પીએસઆઈ ચૌધરી, ડબગરવાડ ચોકીના પીએસઆઇ એ. એમ. પરમારનો સમાવેશ થાય છે.
મળતી વિગતો અનુસાર, સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે 2 ઓગષ્ટના રોજ અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં આવેલા મનપસંદ જિમખાના ક્લબમાં દરોડો પાડ્યો હતો. આ કાર્યવાહી દરમિયાન ઘટનાસ્થળેથી 180થી પણ વધુ જુગારીઓની અટકાયત કરવામાં આવી હતી.
આ ઉપરાંત દરોડા દરમિયાન લાખો રૂપિયાની રોકડ રકમ, મોબાઈલ ફોન, વાહનો અને અન્ય કિંમતી મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો, બીજા દિવસે તમામ જુગારીઓને કોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે આ પૂર્વે પણ અનેક વખત આ સ્થળ પરથી જ જુગારધામ ઝડપાય ચૂક્યું છે. ત્યારે વધુ એકવાર કરવામાં આવેલી કાર્યવાહીથી ફરીથી ચર્ચા જાગી હતી.