Fri Aug 21 2026

Logo

વડોદરામાં બંધ દુકાનમાંથી 22 લાખથી વધુનો પ્રતિબંધિત કફ સિરપનો જથ્થો ઝડપાયો

2026-08-14 18:08:08
Author: Devayat Khatana
Article Image

(અમારા પ્રતિનિધિ તરફથી)
વડોદરા: શહેરમાં ગેરકાયદે માદક પદાર્થોના વેચાણ પર ગાળિયો કસવા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી. ગોરવા વિસ્તારમાં એસઓજીની ટીમે બાતમીના આધારે દરોડો પાડ્યો હતો. આ રેડમાં બંધ દુકાનમાંથી રૂપિયા 22.58 લાખથી વધુની કિંમતનો પ્રતિબંધિત નશાકારક કોડીન કફ સિરપનો મોટો જથ્થો ઝડપ્યો હતો. પોલીસને અહીંથી સિરપની કુલ 1920 બોટલ મળી આવી હતી.

પ્રાપ્ત વિગતો અનુસાર, એસઓજીની ટીમને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખી દુકાનનું તાળું તોડી તપાસ કરતા ખાખી રંગના બોક્સમાંથી સીલબંધ બોટલો મળી આવી હતી. સ્થળ પર ફૂડ એન્ડ ડ્રગ્સ ઇન્સ્પેક્ટર અને એફએસએલ અધિકારીને બોલાવી ચકાસણી કરાવતા તે પ્રતિબંધિત નશાકારક કફ સિરપ હોવાનું જાણવા મળ્યું હતું. 

પોલીસે ઘટનાસ્થળ પરથી 100 એમએલની કફ સિરપની બોટલ સાથે બે ઇન્વોઇસ બિલ, એક ઇ-વે બિલ અને ટ્રાન્સપોર્ટની પાવતી જેવા મહત્ત્વના દસ્તાવેજો પણ કબજે કર્યા હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.

પોલીસની પ્રાથમિક તપાસમાં ખૂલ્યું હતું કે, આ જથ્થો સાઇ લાઇફ સાયન્સ સાથે સંકળાયેલા આરોપી આકાશસિંહ રાજેશસિંહ ઠાકુર (રહે. ગોરવા, વડોદરા) દ્વારા હિમાચલ પ્રદેશથી ખરીદવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને ટ્રાન્સપોર્ટ મારફતે વડોદરા લાવી દુકાનમાં ભરવામાં આવ્યો હતો. 

દરોડા દરમિયાન આરોપી આકાશસિંહ હાજર ન મળતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો. આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટની કલમ 8(સી) અને 21(સી) હેઠળ ગુનો નોંધી, આ પ્રતિબંધિત સિરપની આંતરરાજ્ય હેરાફેરી અને તેની સપ્લાય ચેઇન અંગે વધુ સઘન તપાસ શરૂ કરી હતી.