ડૉ. માજિદ અલીમ
સદીઓથી આપણો સમાજ પુરુષપ્રધાન રહ્યો છે. આ સમાજમાં સ્રીઓને ચૂપ રહેવાનું, સહન કરવાનું અને અન્યાય સામે અવાજ ન ઉઠાવવાનું શીખવવામાં આવ્યું છે, પરંતુ હવે સમય બદલાયો છે. સ્રીઓએ પોતાના પર થતા અન્યાય, શોષણ અને અત્યાચાર સામે પોતાની ચુપ્પી તોડવી પડશે અને પોતાના હકો માટે બહાર આવવું પડશે.
એમાં કોઈ બેમત નથી કે માનસિક સ્વાસ્થ્યને લઈને સમાજમાં પહેલાંની તુલનાએ ઘણી અધિક જાગરૂકતા જોવા મળે છે, પરંતુ અફસોસની વાત એ છે કે આજે પણ મહિલાઓ પોતે પહેલ કરીને પોતાના માનસિક સ્વાસ્થ્ય પર ચર્ચા નથી કરતી. એના કારણે આજે મહિલાઓ પુરુષોની સરખામણીમાં માનસિક સ્વાસ્થ્યથી ઘણી વધારે પીડિત છે. તણાવ, ચિંતા, એકલાપણું અને ભાવનાત્મક થાક એ હંમેશાં હસતી-મુશ્કુરાતી દેખાવાવાળી મહિલાઓની મુશ્કુરાહટ પાછળની પીડા છે.
વિશ્ર્વ સ્વાસ્થ્ય સંગઠનનું માનવું છે કે મહિલાઓ બધાનું ધ્યાન રાખે છે, તેમણે પોતાનું ધ્યાન રાખવા માટે આગળ આવીને પહેલ કરવી પડશે અને માનસિક સ્વાસ્થ્યને સારું જીવન જીવવા માટે મહત્ત્વપૂર્ણ આધાર બનાવવું પડશે, કારણ કે માનસિક રીતે સ્વસ્થ્ય વ્યક્તિ જ પોતાના પરિવાર, સમાજ અને કાર્યસ્થળે સારું યોગદાન આપી શકે છે. એટલે માનસિક સ્વાસ્થ્યને કમજોરી ન સમજવી જોઈએ, પરંતુ સમગ્ર સ્વાસ્થ્યનું અભિન્ન હિસ્સો માનવો જોઈએ.
આધુનિક જીવને મહિલાઓ માટે અનેક અવસરો વધાર્યા છે, પરંતુ એની સાથે જવાબદારીઓ પણ ઘણી વધારી દીધી છે. નોકરી, પરિવાર, બાળકોની દેખભાળ, વડીલોની જવાબદારી, સામાજિક અપેક્ષાઓ અને ડિજિટલ દુનિયાનું લગાતાર વધતું દબાણ, આ બધાની વચ્ચે મહિલાઓ આજે અલગ-અલગ માનસિક તણાવ અને દબાણની વચ્ચેથી પસાર થઈ રહી છે.
નોકરિયાત મહિલા માટે ઘર અને કાર્યસ્થળ એમ બન્ને જગ્યાએ સારા પ્રદર્શનનું દબાણ રહે છે. સાથે જ ગૃહિણીઓની મહેનતને એટલું સન્માન નથી મળતું જેની તે હકદાર છે.
મહિલાઓના જીવનમાં ઉંમર પ્રમાણે અલગ અલગ પડકારો સામે આવતા હોય છે. કિશોરાવસ્થામાં ભણતર અને કરીઅરની ચિંતા, યુવાવસ્થામાં નોકરી અને લગ્નનું દબાણ, લગ્ન પછી માતૃત્વ દરમિયાન શારીરિક અને ભાવનાત્મક પરિવર્તનોનો દબાવ અને મધ્ય આયુમાં હૉર્મોનલ બદલાવ. મહિલાઓના જીવનનું દરેક ચરણ નવા માનસિક પડકાર લઈને આવે છે.
આ ઉપરાંત એકલાપણું, ઘરેલુ હિંસા, આર્થિક અસુરક્ષા, સંબંધોમાં તણાવ, સામાજિક સરખામણી અને સોશ્યલ મીડિયાનો પ્રભાવ પણ માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે. એટલે દરેક મહિલા માટે માનસિક સ્વાસ્થ્ય સંબંધી સહાયતા અને સંવાદ આવશ્યક છે.
હકીકતમાં આપણે જ્યારે માનસિક સ્વાસ્થ્યની વાત કરીએ છીએ ત્યારે એમાં ફક્ત માનસિક બીમારીઓને જ રાખીએ છીએ જ્યારે હકીકત એ છે કે માનસિક થાક પણ એક પ્રકારની સ્વાસ્થ્યની સમસ્યા જ છે. દરેક માનસિક સમસ્યા હતાશા નથી હોતી. લગાતાર તણાવ, ચીડિયાપણું, ઊંઘ ન આવવી, હંમેશાં થાક અનુભવવો, કોઈ પણ કામમાં મન ન લાગવું, વધારે પડતી ચિંતા કરતા રહેવું, વારંવાર રડવાનું મન થવું, આત્મવિશ્ર્વાસમાં ઘટાડો મહેસૂસ કરવો, આ બધા માનસિક સ્વાસ્થ્યના મજબૂત સંકેતો છે.
જો આ બધી સમસ્યા કોઈનામાં ઘણા સમય સુધી જોવા મળે તો એ તેના રોજિંદા જીવન પર અસર કરે છે ત્યારે જાણકારની સલાહ લેવી જોઈએ. જો સમયસર સહાયતા મળી જાય તો મોટે ભાગે માનસિક સમસ્યાઓ પર સહેલાઈથી કાબૂ મેળવી શકાય છે. જોવા જઈએ તો આપણે ત્યાં માનસિક સ્વાસ્થ્યને લઈને સૌથી મોટી સમસ્યા સામાજિક ચુપ્પી છે. લોકો પોતાને કમજોર સમજશે અને પરિવાર તેની વાતને ગંભીરતાથી લેશે નહીં એ વિચારે ઘણી મહિલાઓ પોતાની પરેશાની બતાવતી નથી અને ચૂપ રહેવાનું પસંદ કરે છે. પરિણામે તેમની ચુપ્પી તેમના માટે મોટી સમસ્યા બની જાય છે.
એટલે આ સમસ્યાને છુપાવવાને બદલે તેના વિશે કોઈ ભરોસેમંદ વ્યક્તિ, પરિવાર કે જાણકાર સાથે વાત કરવી એ એના ઉપચાર માટેની પહેલી સીડી હોય છે.
એક વાત યાદ રાખો કે માનસિક પરેશાનીમાંથી બહાર આવવા માટે પરિવારની મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. જો પરિવારનું વાતાવરણ સહયોગપૂર્ણ હોય તો માનસિક તણાવ ઘણો ઓછો થઈ જાય છે.
ઘરની જવાબદારીઓ વહેંચી લેવી, મહિલાઓની ભાવનાઓને સાંભળવી, તેમની સિદ્ધિઓની કદર કરવી અને તેમને તેમના માટે સમય વિતાવવાનો મોકો આપો. આ બધું તેમના માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ જરૂરી છે. પતિ, બાળકો અને પરિવારના અન્ય સદસ્યો તેને ભાવનાત્મક સહયોગ આપે તો તે માનસિક તણાવનો ખૂબ જ સારી રીતે સામનો કરી શકે છે.
આ બધાની વચ્ચે મહિલાએ પોતાની દેખભાળની જરૂરત વિશે પણ સમજવું જોઈએ. મોટે ભાગે મહિલાઓ બીજાની દેખભાળ રાખવામાં પોતાની જરૂરતોની ભુલાવી દેતી હોય છે કે પછી એને સૌથી છેલ્લે રાખે છે. જ્યારે કે માનસિક સ્વાસ્થ્ય જાળવી રાખવા માટે પોતાની દેખભાળ રાખવી એ કોઈ સ્વાર્થ નથી, આવશ્યકતા છે.
પૂરતી ઊંઘ લેવી, સંતુલિત ભોજન લેવું, નિયમિત વ્યાયામ કરવો, યોગ કરવું, ધ્યાન કરવું, સંગીત સાંભળવું, વાંચન તેમ જ પ્રકૃતિ વચ્ચે સમય વિતાવવો, સહેલીઓ સાથે ખૂલીને ગપસપ કરવી વગેરે પ્રવૃત્તિઓ મહિલાઓના માનસિક સ્વાસ્થ્ય અને સંતુલનને સારું બનાવવા માટે જરૂરી છે. એટલે આ બધી ગતિવિધિઓ માટે નિયમિત રીતે સમય આપતાં રહેવું જોઈએ.
માનસિક સ્વાસ્થ્ય ફક્ત વ્યક્તિગત વિષય નથી. કાર્યસ્થળ પર તણાવપૂર્ણ વાતાવરણ, માતૃત્વનો સમય, લવચીક કાર્યવ્યવસ્થા, ક્ધસલ્ટન્સી સેવાઓની ઉપલબ્ધતા વગેરે મહિલાઓના માનસિક સ્વાસ્થ્યને સારું બનાવી શકે છે.
શાળાઓ અને કૉલેજોના અભ્યાસક્રમોમાં અને ગતિવિધિઓમાં માનસિક સ્વાસ્થ્ય વિશેના શિક્ષણને હિસ્સો બનાવવો જોઈએ જેને કારણે છોકરીઓ નાની ઉંમરથી જ ભાવનાત્મક સ્વાસ્થ્યના મતલબ વિશે સમજી શકે. છેલ્લાં કેટલાંક વર્ષોથી માનસિક સ્વાસ્થ્યને લઈને જાગરૂકતા વધી છે. હવે મહિલાઓ કોઈ પણ જાતના સંકોચ વગર મનોવિજ્ઞાનિક કે મનોચિકિત્સકની સલાહ લઈ રહી છે. આ એક સકારાત્મક બદલાવ છે, પરંતુ હજી લાંબી સફર પસાર કરવાની બાકી છે.
માનસિક રૂપથી સ્વસ્થ રહેવાના ઉપાય
- સોશ્યલ મીડિયાનો સીમિત અને સંતુલિત ઉપયોગ કરવો
- રોજ પૂરતી ઊંઘ લો અને નિયમિત દિનચર્યા બનાવી રાખો
- નિયમિત લીલી શાકભાજી અને મોસમ આધારિત ફળ ખાવો
- રોજ પોતાના માટે 30 મિનિટનો સમય કાઢીને પોતાની પસંદનું કાર્ય કરો.
- જ્યારે પણ તણાવ મહેસૂસ કરો ત્યારે પોતાની સૌથી ભરોસેમંદ વ્યક્તિ સાથે ખૂલીને વાત કરો.
- પ્રતિ દિન યોગ, ધ્યાન અને નિયમિત વ્યાયામ માટે સમય ફાળવો.