ઈસ્લામાબાદ/વોશિંગ્ટન: પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં માનવાધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનો બલૂચિસ્તાને દાવો કર્યો છે. માનવાધિકારોના ધજાગરા ઉડાવી રહેલી પાકિસ્તાની સેનાએ હવે અત્યાચારની તમામ સીમાઓ વટાવી દીધી છે. બલૂચ લોકો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા હતા, ત્યારે પાકિસ્તાને અમેરિકન ફાઈટર જેટ્સ F-16નો ઉપયોગ કરીને એરસ્ટ્રાઈક કરી હતી. આ હુમલામાં મહિલાઓ અને બાળકો સહિત 30થી વધુ નિર્દોષ નાગરિકોના મોત નીપજ્યા છે. આ ઘટના બાદ હવે અમેરિકા અને ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસનના મૌન સામે બલૂચ નેતાઓએ ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
આતંકવાદ સામે લડવાના નામે મળેલા F-16નો નિર્દોષો પર ઉપયોગ
બલૂચ સંગઠનોનું કહેવું છે કે, અમેરિકા દ્વારા પાકિસ્તાનને આતંકવાદ સામે લડવા માટે જે લશ્કરી સહાય અને F-16 જેવા ઘાતક વિમાનો આપવામાં આવ્યા હતા, તેનો ઉપયોગ પાકિસ્તાન આતંકવાસ સામે નહીં પરંતુ પોતાના જ નાગરિકો અને બલૂચ સમુદાયનો સામે કરી રહ્યું છે. આ અગાઉ ખૈબર-પખ્તુનખ્વા વિસ્તારમાં પણ આવા જ ફાઈટર જેટ્સથી હુમલા કરવામાં આવ્યા હોવાના આરોપો લાગ્યા હતા. બલૂચિસ્તાનમાં થયેલી આ ભયાનક તબાહીના દ્રશ્યોની સરખામણી હવે ગાઝા સાથે કરવામાં આવી રહી છે. માનવાધિકારોના ભંગ મામલે હવે આંતરરાષ્ટ્રીય દેશો દખલ કરે તેવી માંગણી કરવામાં આવી રહી છે.
બલૂચ નેતા મીર યાર બલૂચે શું કહ્યું?
આ ભીષણ હુમલા બાદ બલૂચ નેતા મીર યાર બલૂચે સીધા જ અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વ્હાઈટ હાઉસ સામે સવાલો કર્યાં છે. તેમણે ટ્રમ્પ સરકાર પાસે તાત્કાલિક ધોરણે આકરા પગલાં લેવા અપીલ કરી છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, પાકિસ્તાનને આપવામાં આવતી તમામ સંરક્ષણ અને સૈન્ય સહાય બંધ કરવામાં આવે, F-16 માટે સ્પેર-પાર્ટ્સ સપોર્ટ બંધ કરવા, યુદ્ધ અપરાધો માટે જવાબદેહી આપવા અને પાકિસ્તાનને આતંકવાદી પ્રાયોજક દેશ જાહેર કરવા માટે અપીલ કરી છે.
શું અમેરિકા પાકિસ્તાન સામે કાર્યવાહી કરશે?
બલૂચ નેતા મીર યાર બલૂચે કહ્યું કે, પાકિસ્તાની એરફોર્સ પાસે રહેલા F-16 વિમાનોના એન્જિન સપોર્ટ, અપગ્રેડ પ્રોગ્રામ અને ટેકનિકલ રિપેરિંગ માટે અમેરિકા કોઈ પણ પ્રકારની સહાય પૂરી ન પાડે, બલૂચ નાગરિકો પર કરવામાં આવેલા અત્યાચારો અને માનવાધિકાર ભંગ બદલ પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં કાર્યવાહી કરવામાં આવે અને પાકિસ્તાન પર આકરા આર્થિક પ્રતિબંધો લગાવીને તેને સત્તાવાર રીતે ‘સ્ટેટ સ્પોન્સર ઓફ ટેરરિઝમ’ જાહેર કરવામાં આવે!
ગ્લોબલ મંચ પર પાકિસ્તાનને ઘેરવાની તૈયારી
મહત્વની વાત એ છે કે, આ માત્ર રાજકીય વિરોધ દર્શાવવાને બદલે હવે બલૂચ નેતાઓ આ મુદ્દાને વૈશ્વિક કક્ષા પર લઈ જઈ રહ્યાં છે. તેમણે અમેરિકા ઉપરાંત અફઘાનિસ્તાન અને આસપાસના અન્ય દેશોને પણ આંતરરાષ્ટ્રીય કોર્ટ અને વૈશ્વિક મંચો પર બલૂચિસ્થાનનો સાથ આપવા વિનંતી કરી છે, કારણ કે બલૂચિસ્leનના લોકો પાકિસ્તાનનો અત્યાચાર સહન કરવા માટે હવે તૈયાર નથી.
પાકિસ્તાન પાસે રહેલા F-16 ફ્લીટને ટેકનિકલ રીતે કંટ્રોલ કરવાની ક્ષમતા અમેરિકા પાસે હોવાથી બલૂચ નેતાઓ ડોનાલ્ડ ટ્રમ્પને આ મુદ્દો દખલ કરવા માટે માંગણી કરી રહ્યાં છે. શું અમેરિકા માનવાધિકારોના રક્ષણ માટે કડક વલણ અપનાવશે કે પછી મૌન રહીને પાકિસ્તાની સૈન્ય શાસકોને છાવરશે તે જોવાનું રહેશે.