પ્રજ્ઞા વશી
ભગવાને દુનિયામાં જાતજાતના નમૂનાઓ બનાવ્યા છે. રંગ, સુગંધ, વિચારોની ભિન્નતા, જાતજાતની વિવિધ ટેવો, વિવિધ વ્યવહારો, બોલી, પસંદ-નાપસંદ, દેખાવથી લઈ વિવિધ ખાસિયતો. કદાચ આ વિવિધતાને કારણે જ દુનિયામાં રહેવું ગમે છે અને કેટલાક રસિકોને તો સો વરસ આ દુનિયામાં રહીને ખડખડાટ હસવું, રડવું, ગાવું, નાચવું અને તારી-મારી પણ થાય એટલી કરી લેવી છે.
જગત આખામાં પ્રેમીઓને પ્રેમના આવિર્ભાવ માટે ગુલાબનું ફૂલ એટલે કે સુગંધિત ફૂલ પોતાની પ્રિય વ્યક્તિને આપવું ગમે છે, પણ અમારા પડોશીએ પોતાના બગીચામાં એકલા ધતૂરાના છોડ રોપેલા છે અને એને જીવની જેમ સાચવે છે. બચુભાઈને ગુલાબ, મોગરા, ચમેલી રોપવા ખૂબ સમજાવેલા, પણ માને એ બીજા. એક દિવસ એમણે સમી સાંજે એક મહેફિલમાં બે પેગ લગાવ્યા પછી કહ્યું, ‘યારો, દરેકની પસંદ જુદી હોઈ શકે અને હોવી જ જોઈએ. કોઈના ચીલે શા માટે ચાલવું? મેં તો હવે મારી પ્રિય વ્યક્તિઓને ધતૂરાનાં ફૂલ પ્રેમના આવિર્ભાવ માટે મોકલવાનાં શરૂ કર્યાં છે.’
અમે એક વાર અમારી સ્કૂલના મિત્રને ત્યાં ગામડે એમની દીકરીનાં લગ્નમાં જમવા ગયેલાં. અમે બધાં શહેરના મિત્રો સાથે જમીન ઉપર પંગતમાં માંડ માંડ પલાંઠી વાળીને એકબીજાના ટેકે બેઠાં. એક પછી એક વાનગી આવવાની શરૂ થઈ અને પતરાળા ઉપર પીરસાતી ગઈ. પહેલાં કારેલાનું શાક આવ્યું. બાજુમાં બેઠેલા મારા મિત્રે ના લીધું. બીજા દરેક મિત્રોએ લીધું, કારણ કે ભૂખ કકડીને લાગી હતી. પછી વેંગણનું શાક આવ્યું. અમે લીધું, પરંતુ બાજુવાળા સમીરે ના લીધું. એક પછી એક વાનગીમાં વાલની દાળ, ભાત, દાળ અથાણાં સુધી બધું લીધું. સમીરે ન લીધું. અમે કારણ પૂછ્યું તો કહે, ‘મને મીઠાઈ ભાવે છે. હું એની રાહ જોઉં છું. આવે એટલે એ જ ઝાપટવાનો છું.’
જોકે મીઠાઈ ના આવી તે ના જ આવી. અમે તો જે હતું તે ભરપૂર ખાધું. અંતે જાણવા મળ્યું કે કન્યાનાં લગ્ન લેવાં પડે એમ જ હતાં એટલે સાદાઈથી મીઠાઈ ને ફરસાણ વગર કર્યાં. કન્યાની સાસુનું નિધન થયું છે, પણ ખાલી કારભારી જ આ વાત જાણે છે અને એણે લગ્ન સાદાઈથી ઉલેચી નાખ્યાં છે, કારણ કે આ લગ્ન લંબાવવામાં જોખમ છે. આ ગામના લોકો ફાડચા મારીને લગ્ન ફોક કરાવવા માટે ખૂબ ફેમસ છે.
‘મારા મનની મરજી. હું ખાઉં તો પહેલાં મને ભાવતું હોય તે જ ખાઉં. સમજ્યા?’ એવું કહેનારો સમીર છેલ્લે પાંચ-છ ગ્લાસ પાણી પીને વીલા મોઢે કારમાં બેઠો. કેટલાક માણસો એવા અડિયલ અને મનસ્વી હોય છે કે વાતે વાતે એમનું મન કહે તેમજ આચરણ કરે. વારે વારે એમનો ‘સ્વ’ ફૂંફાડા મારે.
ઘણાનું મન એટલું સરળ અને સમજુ હોય કે ન પૂછો વાત! રમીલાબહેનના પતિનું મન સાવ સરળ અને સમજુ. જેમ કે રમીલા પૂછે, ‘આજે શાકમાં કંઈ નથી. બજારે જવાનો કંટાળો આવે છે. ખાલી ખીચડી મૂકી દઉં?’ અને મહાદેવભાઈ કહે, ‘સારું.’
‘આજે કઠોળ નથી. રોટલો ને કાંદો પાપડ ચાલશે?’
‘ચાલશે.’
રમીલાનો ચહેરો એના પતિના મનના સરળ અને સમજુ વ્યવહારના કારણે હંમેશાં હસતો રહે છે. (કાશ! દરેક પરિણીતાનો પતિ આવો હોય તો કેવું સારું!) જોકે અહીં ખતરો એ ઊભો થયો કે એક દિવસ મહાદેવભાઈથી બધાની વચ્ચે બોલાઈ ગયું કે ‘મારો સ્વભાવ અને મન ના કદી કોઈ હઠ કરે, ના કોઈ માગણી કરે ના કે કોઈની વિરુદ્ધ જાય.’ એટલે હમણાં રોજ જ કાંદો પાપડ ને રોટલાનો આહાર ચાલે છે.
મન નચાવે અને રડાવે તેમજ હસાવે પણ. એમાંથી જ ‘ભાત ભાત કે લોગ ઔર ભાત ભાત કી કહાની’ એમ અમારા પાડોશી મહાદેવભાઈ (ભોલેનાથ)હંમેશાં કહે છે :
‘તમને લીંબુ નાખ્યા વગરના બટાટાવડા કઈ રીતે ભાવે છે? મને તો ભરપૂર લીંબુ-ખાંડવાળા બટાટાવડા જ ભાવે છે.’ દરેક ગળામાં જે સ્વાદનો ચટકો છે તે પણ મનનાં કારણ છે. પાંચ-દસ દિવસ વરણાગી કરનારાઓને જો ખાવાનું જ ન મળે તો લીંબુ વગરનું, ખાંડ વગરનું કે મીઠા વગરનું, અરે! જે મળે તે લપાલપ ખાતાં જોયા છે. ઘરે પત્નીને ખાવાની બાબતમાં રોજ લોહીલુહાણ કરતો અમારી કામવાળીનો પતિ ચોરીના આરોપસર એક મહિનો જેલમાં ગયો, ત્યારે અમારી કામવાળી ગંગી જેલરને કહી આવેલી કે ‘સાહેબ, એને તમે મારતા નહીં. પણ એને એક મહિનો મીઠાં-મરચાંને તેલ વગરનું લૂખું-પાખું, કાચું-પાકું એવું ભંગારમાં ભંગાર ખાવાનું આપજો.’
મહિના પછી સાવ કૃશ થઈ ગયેલો પતિ પહેલું વાક્ય બોલ્યો, ‘હવે પછી હું તને ખાવાની બાબતમાં તો નહીં જ મારું.’ (એટલે કે બીજી વાતોમાં તો મારીશ!)
આમ યુદ્ધો થવાનાં કારણમાં જ તો મનનાં કારણો અને ભીતર રહેલા ‘સ્વ’નું સંચાલન વિશ્વની અશાંતિમાં મોટો ભાગ ભજવે છે. બહાર વૈશ્વિક વિસ્ફોટો છે, તો ઘરમાં પણ નાના-મોટા વિસ્ફોટો થાય છે. એમાં ક્યાંક મન અને ક્યાંક કોઈકનો ‘સ્વ’ ધારેલું કરવામાં કુટુંબની એકતા અને તંગ વાતાવરણ માટે જવાબદાર બને છે. જે હોય તે. હું તો ઘરેલુ વિસ્ફોટ થાય ત્યારે તરત ઠંડું પાણી રેડી દઉં છું. હવે તમે તમારું જોઈ લેજો!