Thu May 28 2026

Logo

ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી: બદલાતાં મનોવિશ્વ સાથે સંતુલિત જીવન મુશ્કેલ ખરું, પણ...

2026-04-02 09:19:50
Author: Shreveta Joshi Antani
Article Image

પંદર વર્ષની રીયા પિમ્પલ, પ્રાઇવસી અને પેરેન્ટ્સના પ્રણય ત્રિકોણ વચ્ચે ગોથે ચડી હતી. એને સમજાતું નહોતું કે, બાળપણના વિશ્વને પકડી રાખવું કે, તરુણ દુનિયામાં ડગ માંડી દેવાં, કારણ કે એના પેરેન્ટ્સ એને બન્ને વિશ્વની વારાફરતી સફર કરાવતાં રહેતાં. કયારેક રીયા એમના માટે અણસમજ બાળકી હતી તો ક્યારેક મોટી થઈ ગયેલી ઠાવકી દીકરી. રીયા આ શટલ કોકની સફરથી હવે કંટાળી હતી એટલે જ્યારે મોકો મળે ત્યારે એ પેરેન્ટ્સ સામે શાબ્દિક તલવાર ખેંચી લેતી.

ગઈકાલે રાત્રે આવી જ ધમાલ મચાવી એ સવારે ભારેલા અગ્નિ માફક સ્કૂલે ગયેલી. કોઈ પણ ભોગે ભવે મમ્મી-પપ્પાને બોલાવવાં જ નથી એવી મનમાં ગાંઠ વાળી એ ઘરેથી નીકળેલી, પણ હાય રે! કિસ્મત... સાંજે એને લંગડાતા પગે ઘેર આવવું પડ્યું. વાત એમ હતી કે, બેન ફૂટબોલને પેરેન્ટ્સ સામેનું હથિયાર સમજી જોરથી કીક મારવાં ગયાં એમાં એનો પગ મચકોડાય ગયેલો.

લંગડાતી રીયાને જોઈ નેહા દોડતી આવી. ચિંતાતુર સ્વરે પૂછવા લાગી, ‘અરેરે..આ શું થયું?’ પપ્પા જોકે એકદમ સ્થિર અવાજે બોલ્યા, ‘રીયા, તું મોટી થઈ રહી છે ને! તો પછી થોડું સહન કરતાં શીખી જા. જિંદગી દરરોજ એકસરખી નહીં હોય.’

રીયાને સમજાયું નહીં કે એને સૌથી વધુ શું હર્ટ કરી ગયું. પપ્પાના શબ્દો કે ઘૂંટીનો ઘા! એના મોં માંથી તુરંત કડવાશ ટપકી પડી :

 ‘જો હું તમને નાની લાગતી હોંઉં તો પછી મને એ રીતે પંપાળો અને જો મોટી થઈ ગઈ છું તો બીજી બાબતોમાં પણ મને એજ રીતે ટ્રીટ કરો. મને ફ્રીડમ આપો. મારા પર ભરોસો રાખો. મને મારી રીતે નિર્ણયો લેવા દો... !’ 

રીયાનાં આ વાક્યો નેહા અને સુબોધના મન પર વાસ્તવિકતાના ઘા કરતાં ચાલ્યાં. એક કડવી હકીકત પર અંતે પ્રકાશ પડ્યો કે બન્ને મા- બાપ રીયાને મન પડે ત્યારે નાના બાળકની જેમ પ્રોટેક્ટ કરવા લાગે છે  અને મન પડે ત્યારે ‘તું મોટી થઈ ગઈ છે’ એમ કહીને ચૂપ કરી દેતાં 
અચકાતાં નથી. આ બે ઉંમરના વિરુધ્ધ ધ્રુવો વચ્ચે ઝોલાં ખાતું રીયાનું તરુણ માનસ સતત પરેશાન રહેતું, એવું ભાન રીયાને પણ કદાચ પહેલીવાર થયું. પોતે શા માટે અશાંત રહે છે. શા માટે બેચેની મનને કોરી ખાય છે. એનું કારણ એ કે ના પોતે નક્કી કરી શકતી કે એણે નાના બાળકની જેમ વર્તવાનું છે કે ઠરેલ યુવતી માફક. ના એના પેરેન્ટ્સને ગતાગમ પડતી કે કઈ પરિસ્થિતિમાં મોટી થઈ રહેલી દીકરી સાથે કેવો વ્યવહાર કરવો. પરિણામે હમણાંથી છાશવારે ઘરમાં સામસામે આક્ષેપોની આતશબાજી થતી રહેતી.

એ દિવસે રાત્રે નેહા -  સુબોધ બન્નેને ઊંઘ ના આવી. સવારે નાસ્તાના સમયે એમણે ગંભીરતાથી રીયાને બોલાવી કહ્યું, 

‘બેસ બેટા, આપણે વાતો કરીએ. હમણાંથી તારી સાથે ચાય પે ચર્ચાઓ એટલી થાય છે કે સ્નેહની સરવાણી જાણે રસ્તો ભૂલી ગઈ છે.’ સુબોધે વાતની શરૂઆત કરતાં કહ્યું : 

‘રીયા, અમને ઘણી વખત નથી ખબર પડતી કે તારી સાથે કઈ રીતે વર્તન કરીએ. તને નાના બાળકની જેમ વ્હાલ કરીએ, તારું ધ્યાન રાખીએ, તને સતત પ્રોટેક્ટ કરીએ કે પછી તું મોટી થઈ ગઈ છે એમ માની તારી સ્વતંત્રતાને સ્વીકૃતિ આપીએ. તને સન્માન આપીએ.’    

રીયાની પીઠ પસવારતાં નેહાએ ઉમેર્યું : 

‘અમે પણ જાણીએ છીએ કે મોટા થવું સહેલું નથી. 

જિંદગીના એક તબક્કે અમે પણ આવું અનુભવી ચૂક્યા છીએ, પણ હવે એ અનુભવો વિસરાતાં ગયાં હોય. અમે ફરીથી શીખી રહ્યા છીએ કે તારી બદલાતી દુનિયા સાથે કદમ મિલાવી કઈ રીતે ચાલવું. જેમ અમે તારી મદદ કરીએ, એમ તારે પણ અમને સાથ આપવો પડશે. તને કંઈ ના ગમે તો રાડ પાડીને કડવાશથી બોલવાં કરતાં, તારા પોઈન્ટ્સ અમને સમજાવીશ તો ગમશે.’ 

રીયાએ પ્લેટમાંથી મોં ઊંચુ કરી સામે જોયું :

‘તમને ડર લાગે છે, મારાથી?’ નેહા એ માથું હકારમાં ધુણાવ્યું: 

‘અમને ડર લાગે છે કે અમારી એ નાનકડી મીઠડી દીકરી કે જેની આસપાસ અમારું આખું વિશ્વ વણાયેલું છે એને અમે ગુમાવી ના દઈએ.’

રૂમમાં શાંતિ પ્રસરી ગઈ. ‘મારે પણ દર વખતે ઝઘડો નથી કરવો હોતો, પણ તમે મારા પર થોડો વિશ્વાસ કરો.  એમ કંઈ હું તમારાથી દૂર નથી થવાની...!’ કહી રીયા બન્નેને વળગી પડી.

કદાચ રીયા પહેલીવાર સ્પષ્ટ રીતે સમજી હતી કે, મોટા થવું એટલે બાળક અને એડલ્ટ વચ્ચેની પસંદગી નહીં,પરંતુ એ બન્ને અવસ્થાને સાથે લઈ સંતુલિત જીવન જીવતા શીખવું. એ જ કદાચ જીવનની સૌથી સુંદર અને સૌથી મુશ્કેલ યાત્રા છે.