Mon Jul 27 2026

Logo

E-20 ઇંધણ વિવાદ: નીતિન ગડકરીને હાઈ કોર્ટની લીલી ઝંડી, Deepfake અને AI પોસ્ટ્સ સામે કરશે કેસ!

2026-07-27 17:32:57
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ બોમ્બે હાઈ કોર્ટે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને E-20 ઇંધણ વિવાદમાં બદનક્ષીકારક ડીપફેક અને AI પોસ્ટ્સ ફેલાવનારાઓ તથા મેટા, એક્સ, ગૂગલ સામે દાવો દાખલ કરવાની મંજૂરી આપી છે. 

બોમ્બે હાઈ કોર્ટે કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીને 'બદનક્ષીકારક' ડીપફેક્સ અને તેમના વિરુદ્ધ અપલોડ કરવામાં આવેલી એઆઈ-જનરેટેડ પોસ્ટ્સ બાબતે મેટા પ્લેટફોર્મ્સ, એક્સ કોર્પ, ગૂગલ એલએલસી અને અન્ય અજાણી વ્યક્તિઓ સામે દીવાની દાવો (સિવિલ સૂટ) દાખલ કરવાની મંજૂરી આપી છે.

માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ પ્રધાન તથા ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના વરિષ્ઠ નેતાએ 'લેટર્સ પેટન્ટ'ની કલમ XII હેઠળ પરવાનગી માટેની અરજી દાખલ કરી હતી. હાઈકોર્ટના પ્રાદેશિક અધિકારક્ષેત્રમાં ન હોવા છતાં અદાલત દાવો સાંભળી શકે અને તેના પર નિર્ણય લઈ શકે તે માટે આવી પરવાનગી (લીવ) જરૂરી છે.

ગડકરીની પરવાનગી માટેની અરજી સોમવારે જસ્ટિસ અભય આહુજાની સિંગલ બેન્ચ સમક્ષ સુનાવણી માટે આવી હતી. ન્યાયમૂર્તિ આહુજાએ દલીલો સ્વીકારી અને કેન્દ્રીય પ્રધાનને  ઓનલાઇન પોર્ટલ્સ સામે દીવાની દાવો દાખલ કરવાની મંજૂરી આપી હતી.

ગડકરીએ તેમના પ્રસ્તાવિત દાવામાં દાવો કર્યો છે કે ઇથેનોલ-મિશ્રિત ઇંધણના મુદ્દા અંગે ઓનલાઇન ઘણી બધી નકલી, એઆઈ-જનરેટેડ અને બદનક્ષીકારક સામગ્રી ઉપલબ્ધ છે. દાવો કરવામાં આવ્યો છે કે પોસ્ટ્સમાં કરવામાં આવેલા આક્ષેપો નિઃશંકપણે ખોટા, દ્વેષપૂર્ણ અને અત્યંત બદનક્ષીકારક છે, અને તેનો ઉદ્દેશ્ય ગડકરી વિરુદ્ધ લોકોમાં ભ્રમ ફેલાવવાનો છે. આ દાવા દ્વારા, ગડકરી આવી બનાવટી અને ખોટી સામગ્રી સામે કાયમી મનાઈહુકમ મેળવવાનો ઈરાદો ધરાવે છે.