Thu Apr 30 2026

Logo

નિશિતા રાજપૂત: હજારો દીકરીને આપ્યું છે શિક્ષણદાન

2026-04-05 09:42:45
Author: અનંત મામતોરા
Article Image

વિશેષ પ્લસ - અનંત મામતોરા

કહેવાય છે કે શિક્ષણ દાન એ સૌથી મોટું દાન છે. આ જ ઉક્તિને સાર્થક કરી છે વડોદરાની નિશિતા રાજપુતે. જે છેલ્લાં 17 વર્ષથી શિક્ષણની ધૂણી ધખાવી રહી છે. તેણે અત્યાર સુધી 57 હજારથી વધુ દીકરીઓની સ્કૂલ ફી ભરીને તેમના જીવનમાં શિક્ષણનો પ્રકાશ પ્રગટાવ્યો છે. નિશિતાના જીવનનો એક જ લક્ષ છે કે દીકરીઓને શિક્ષણના અભાવમાં ન રહેવું પડે. 

નિશિતા સતત અનાથઆશ્રમની મુલાકાત લે છે. ક્યારેક એ બાળકો નિશિતાના ઘરે પણ આવે છે. નિશિતાને શિક્ષણનું મૂલ્ય સમજાયું અને તેણે એ જ જ્ઞાનનો દીપ દીકરીઓ સુધી પહોંચાડવાનું નક્કી કર્યું. એથી તેણે આર્થિક રીતે નબળી અને જરૂરિયાતમંદ છોકરીઓને શિક્ષણ મળી રહે એ માટે પહેલ શરૂ કરી. 

એના માટે નિશિતાએ તેના પિતા ગુલાબ રાજપુત સાથે મળીને ઘરે ઘરે જઈને ડોનેશન લેવાનું શરૂ કર્યું. એમાંથી તેમને જે પણ રકમ મળતી એ સ્કૂલમાં દાન પેટે આપી દેતાં, જેથી કરીને કોઈ બાળકીને અધવચ્ચેથી તેનું શિક્ષણ છોડવું ન પડે. 

2019-20માં નિશિતાએ 69 લાખ રૂપિયાનું ભંડોળ એકઠું કર્યું હતું. એનાથી 6,900 દીકરીઓની સ્કૂલ ફી ભરવામાં આવી. 2020-21માં 53 લાખ ભેગા થયાં અને એનાથી 5,300 બાળકીઓની ફી ભરવામાં આવી. 

આવી રીતે દસ વર્ષમાં નિશિતાએ કુલ મળીને 3.25 કરોડ રૂપિયા ભેગા કર્યા હતા. તેના આ નિ:સ્વાર્થ સેવાના કાર્યની નોંધ તો વિદેશે પણ લીધી છે. ત્યાંથી પણ લોકો તેને પૈસા મોકલે છે. 

આટલું જ નહીં નિશિતાને ‘સલામ અવોર્ડ’થી પણ નવાજવામાં આવી છે.

ખરેખર સલામ છે આ યુવતીને જેણે સમાજમાં પરિવર્તન લાવવાનું બીડું ઉઠાવ્યું છે.