ઝુબૈદા વલિયાણી
ક્યારેક સંબંધોના તાણાવાણા એવા ગૂંચવાઈ જતા હોય છે કે કેમય કરીને એ ગાંઠ ઉકેલી શકાતી નથી.
- બસ પછી સંબંધોમાં ગૂંચ પડતી જ રહે છે અને પડતી જ રહે છે.
- જ્યારે એ વ્યક્તિ નથી હોતી ત્યારે એમ થાય છે કે કાશ, પહેલ કરીને બોલાવી હોત તો...!
- આ ‘તો’ કેટલો મોટો છે ને સંબંધોને આ એક અક્ષર જોજનો દૂર કરી દે છે.
- બસ પછી વ્યક્તિ પાસે રહી જાય છે સંબંધો સાચવી ન શકવાનો વસવસો *વ્યથા ને * પારાવાર પીડા.
- સુરુચિ ક્યારની એકધારી તાકી રહી હતી.
- લૉબીની બહાર ધૂધવાતા દરિયાને જોઈ રહી હતી.
- તેનું મન પણ આમ ધૂધવાતું હતું.
- તેની ખાસ ફ્રેન્ડ કહો કે તેનું મન, તેની સંપૂર્ણ જાણકારી, તેનો પર્યાય એટલે જ નભ્યા!
- કેટલાં કલોઝ હતાં બંને. કોઈ દિવસ એવો નહતો કે બંને સાથે ન હોય.
- અરે, કોઈ જગ્યા એવી ન હતી જ્યાં એ બંને સાથે ફર્યા ન હોય.
- કેટલાં બધાં સિક્રેટ્સ, તોફાન-મસ્તી, રિસાવવા-મનાવવાની યાદો તેની આંખ સામે તરવરી રહી હતી.
- તો શું જાયું કે બંને આમ સાવ જ છેટાં પડી ગયાં!
- સુરુચિ આજે બસ મનોમંથન પર ઊતરી ગઈ હતી.
- તેને થયું તેની ભૂલ હતી કે નભ્યાની?
* જે સખીઓને એક દિવસ બોલ્યાં વિના ચાલતું નહોતું, તે એક જ શહેરમાં રહેતી હોવા છતાં આજે 29 વર્ષોનાં વહાણાં વાઈ ગયાં છતાં ‘તું કેમ છે?’ પૂછવાનો સંબંધ પણ કેમ કપાઈ ગયો હતો?
- આજે નભ્યા મૃત્યુ પામ્યાના સમાચાર સાંભળીને સુરુચિ વિચલિત થઈ ગઈ હતી.
- કદાચ કોઈ વેદના કોરી ખાતી હતી કે કેમ, તેણે બોલવાની પહેલ ન કરી.
- ક્યારેક આકસ્મિક રીતે મળી જતાં તો પણ પોતે જાણે જોયું ન જોયું કરીને નભ્યાને ટાળતી.
* નભ્યાએ તેને સામેથી બોલાવવાના કેટલા બધા પ્રયત્નો કર્યા હતા.
- છતાં પોતે પોતાનો વટ ન છોડી શકી.
* ખરેખર તો કેટલાય દિવસથી કલબમાં બધાં જ નભ્યાના આકર્ષક ફિગરની પ્રશંસા કરતાં હતાં તે પોતાને ગમતી ન હતી.
* લાખ પ્રયત્નો કરવા છતાં એક સમયની સુરુચિ બ્યૂટીક્વિન ગણાતી તે આજે તો ચરબીનું પોટલું બની ગઈ હતી. લાખ પ્રયત્નો કરવા છતાં તે પહેલાંના જેવી આકર્ષક નહોતી બની શકતી.
- પહેલાં તો આ બાબત અસર કરતી ન હતી.
- પરંતુ ધીરેધીરે નભ્યા માટે ઈનોગ્રેશનનાં આમંત્રણ, પ્રવચનોનાં આમંત્રણ વધવા લાગ્યાં ને બંનેનો સંપર્ક તૂટવા લાગ્યો. સાથેસાથે સુરુચિના મનમાં સ્ત્રીસહજ ઈર્ષા સળવળી ઊઠીને એ દિવસે નભ્યાની ગાઢ મિત્રના નાતે કરાયેલી નિર્દોષ મજાકથી સુરુચિને સંબંધ તોડી નાખવાનું કારણ મળી ગયું. બાકી એવી તો કેટલીય નાની નાની મજાક પર બંને પેટ પકડીને હસતાં હતાં.
માન-સ્વમાન
લાડકી પૂર્તિની વ્હાલી વાચક બહેન-દીકરીઓ!
* સુરુચિ ને નભ્યાની જેમ જ આપણામાંનાં કેટલાય આવા જ વિચારોથી પીડાતા હશે ને સંબંધો ન સાચવી શકવાનો વસવસો વ્યક્તિના ગયા પછી વધારે ઘેરાતો હોય છે.
* જ્યારે સંબંધો તૂટવાને આરે આવી જાય ત્યારે આપણે ‘હું શું કામ આ કરું’ જેવી બાબતો વચ્ચે લાવી દઈએ છીએ.
* ‘હું’ આપણા મોટા ભાગના સંબંધોને તોડે છે.
* વ્યક્તિ ઈચ્છવા છતાં ઈચ્છિત વ્યક્તિ સાથે બોલી શકતી નથી.
* જતું કરવું કે કોમ્પ્રોમાઈઝ જેવા શબ્દો એ વખતે મગજમાંથી વૉશઆઉટ થઈ જાય છે.
* એ ન બોલાવે તો હું શું કામ બોલાવું, આ પ્રશ્ન તમને * માતા-પિતા * ભાઈ-બહેન * પતિ-પત્ની * લવર્સ * કાકી * મામી જેવા કોઈ પણ સંબંધોમાં નડે છે.
- સંબંધો કોઈ પણ હોય, હુંપણાનો અહમ્ આવ્યો એટલે તેનું પરિણામ સંબંધ વિચ્છેદ જ હોય છે. ક્યારેક તો સંબંધ બનતા જ નથી.
- અહીં રજૂ કરેલ પંક્તિઓ એવા લોકો માટે યથાર્થ બેસે છે કે, ‘તુમ્હેં યે જિદ્ થી કે હમ બુલાતે, હમે યે ઉમ્મીદ કી વો પુકારે...’
- એ સામેથી બોલાવે તો બોલું એમ કરવાથી સંબંધો છૂટતા જતા હોય છે ને વ્યક્તિને જ્યારે એનો અહેસાસ થાય કે તેણે સામી વ્યક્તિને મનાવીને સંબંધો સુધારી લેવા જોઈએ ત્યારે સંબંધો સુધારવાના સંજોગો નથી હોતા કે ક્યારેક વ્યક્તિ પણ હયાત હોતી નથી.
- વ્હાલી વાચક બહેન-દીકરીઓ! તેના કરતાં એ પરિસ્થિતિ શ્રેષ્ઠ છે કે તમારા સંબંધને બચવાની તક તો આપો.
- જ્યારે પણ તમને એવું લાગે કે તમારા સંબંધો ખોરંભે ચઢી રહ્યા છે ત્યારે થોડું કોમ્પ્રોમાઈઝ કરવાનું વલણ અપનાવો.
- તમે સામી વ્યક્તિને સંબંધ સાચવવાની એક તક આપો.
- સાચા સંબંધો તૂટશે તો તેની ભરપાઈ તમે નહીં કરી શકો.
- સંબંધને જાળવી રાખવામાં સફળ નથી થતા તો પછી તમારા પ્રયત્નો હળવા કરી દો, પરંતુ સાવ ફેંકી દીધા જેવી બાબતો માટે ખોટા સ્વમાનને વચ્ચે લાવવું હિતાવહ નથી.
- તમારા સંબંધોની બાબતે તમને એવો અફસોસ રહી ન જવો જોઈએ કે તમે સંબંધોને સાચવવાના પ્રયત્ન કરવામાં ઊણા ઉતર્યા છો.
- હા, એટલું જરૂર ધ્યાનમાં રાખો કે સ્વાર્થી સગાં, સંબંધી, ‘મિત્રો’થી દૂર રહેવામાં જ ભલાઈ છે.
* * *
હસગુલ્લા!
- અમથાલાલે સુરેશને પૂછ્યું:
* ‘તું કેવી યુવતી સાથે લગ્ન કરવાનું પસંદ કરશે?’
* સુરેશે કહ્યું:
* હું ચાહું છું કે મારી પત્ની બુદ્ધિશાળી હોય, ખૂબસૂરત હોય અને મીઠી ભાષા બોલતી હોય.
* અમથાલાલે પૂછ્યું:
* ‘પણ આટલી મોંઘવારીમાં તું ત્રણ પત્નીઓનો ખર્ચ કેવી રીતે ચલાવી શકશે...?’