Thu May 14 2026

Logo

લાફ્ટર આફ્ટરઃ નારીશક્તિ ઝિંદાબાદ... ઝિંદાબાદ!

2026-05-14 09:05:00
Author: Pragya Vashi
Article Image

પ્રજ્ઞા વશી

‘વારેવારે નારીશક્તિના નારા લગાવવાની જરૂર નથી,’ રમેશભાઈએ મીનાબહેન તરફ થોડી કરડાકીથી જોયું ને  કહ્યું એટલે મીનાબહેન પણ તાડૂક્યાં : 

‘તમારાથી સત્ય વાત સાંભળી શકાતીનથી. સાચું પૂછો તો આજકાલ નારીશક્તિ અગ્રસર છે અને તે પણ દરેક ક્ષેત્રમાં. ઘરકામથી મેનેજમેન્ટ કે પછી રાજકારણ, સામાજિકતા, અર્થકારણ કે પછી મનોરંજન ક્ષેત્ર. અહાહાહા... ધરતીથી લઈ અવકાશ સુધી અત્ર તત્ર સર્વત્ર નારીની બોલબાલા છે.’

‘મીના, ભાઈઓ પણ દરેક ક્ષેત્રમાં બહેનો કરતાં આગળ છે. તું કહે મને શું નથી આવડતું? કોઈ એક કામ એવું છે કે જે મને નથી આવડતું?’

‘તમન રસોઈ કરતાં આવડતી નથી.’ 

‘કોણે કહ્યું? હું હમણાં જ સવારના દાળ-ભાત, રોટલી-શાક બનાવીને બતાવી દઉં છું. આજે રવિવાર છે. તું આરામ કર. અને હા, જો હું જીતી ગયો તો તારે ભૂલે ચૂકે નારીશક્તિની વાત મારી આગળ કરવી નહીં.’

‘શરત મંજૂર.’ 

‘આજે તમારી જેમ હીંચકે બેસીને છાપું વાંચીશ. તમે રસોઈનો શુભારંભ કરો. ઓલ ધ બેસ્ટ.’ કહી મીનાબહેન છાપું ઉઘાડી હીંચકે ઝૂલવા લાગ્યાં. ત્યાં રસોડામાંથી બૂમ પડી,

‘આ ચાર લોટમાંથી ઘઉંનો લોટ કયો છે?’

મીનાબહેન ેઆંગળીથી લોટ બતાવ્યો. હજી હીંચકે બેઠાં જ હતાં ત્યાં ફરી બૂમ પડી. ‘આટલા બધા ડબ્બામાંથી કયા ચોખા રાંધવાના?’

‘એ તમારે નક્કી કરવાનું. બધું હવે તમારે જ વિચારવાનું કે આ ચાર જાતના ચોખામાંથી કયા બનાવવા.’

ઘઉંનો લોટ તો મળ્યો, પણ આ ચોખા ચાર જાતના છે તો શું કરું? રમેશભાઈને યાદ આવ્યું. આ ચાર જાતના ચોખા પણ એના લીધે જ તો મીનાએ ઘરમાં ભરવા પડેલા. ‘બાજુવાળાને ત્યાં તો જાતજાતના ભાત રંધાય. બાસમતી, લાલ ચોખા, કૃષ્ણ કમોદ, કોલમ, કણકી... અને આપણે ત્યાં તો એમાં પણ વેરાઈટી જોવા નહીં મળે. જરા આડોશ-પાડોશની બહેનો પાસે શીખો તો ખબર પડે કે રસોઈમાં પણ કેટલી વેરાઈટી હોય છે...... ને તમે તો ફટાફટ સીટી મારી કે જલદી જલદી પતાવીને ટીવી જોતાં સોફા પર આરામ કરવાનો બસ.’

‘હાથે કરેલાં  હૈયે વાગ્યાં ને અક્કર્મીનો પડિયો કાણો.’ હવે તો બે-ચાર મહિના સુધી ઘરની નારીના શ્ર્લોકો સાંભળવાની તૈયારી રાખવી પડશે એ વાતે રમેશભાઈ કંપી ઊઠ્યા.

આવનારા ખરાબ સમયનાં એંધાણ આવી જતાં હાથ હલી ગયો અને ઘઉંના લોટમાં પાણીનો લોટો ઠલવાઈ ગયો. લોટ સાવ રબડી જેવો ઢીલોઢસ! અને હવે તો મીનાને બોલાવવા જાય તો નાક કપાય અને સાસુઓ મેણાં મારે એના કરતાં ભયંકર મેણાં મીના તરફથી છૂટવા લાગે. એટલે એમણે ગહન વિચાર્યા બાદ એક વાટકો ઘઉંનો લોટ ઉમેર્યો છતાં લોટ રબડીમાંથી શ્રીખંડ જેવો થયો. પણ વણી શકાય એવો તો થયો જ નહીં. એટલે એમણે બીજા બે વાટકા વધુ લોટ ઉમેર્યો. એમ કરતાં લગભગ એક મોટા તપેલા જેટલો લોટનો પિંડો બે કલાકે તૈયાર થયો.

ત્યાં જ આત્મજ્ઞાન લાધ્યું કે આ દરમિયાન મેં દાળ કૂકરમાં ચડવા મૂકીને પછી લોટ બાંધ્યો હોત તો બે કામ સાથે થઈ જાત. ત્યાં બહાર હીંચકે ઝૂલતાં મીનાબહેને બૂમ પાડી : ‘બે કલાક થયા છે. હજી રસોઈ થઈ નથી. મને તો ભૂખ લાગી છે.’

‘બસ, તૈયાર જ છે. તું તારે હીંચકે ઝૂલતી રહે. રસોઈ થશે એટલે બૂમ પાડીશ.’

હવે દાળની સાત બરણીઓમાંથી તુવેરની દાળ કઈ એ પ્રશ્ન ઊભો થયો. ખૂબ વિચાર્યા બાદ તુવેરદાળ ચડવા મૂકી. ગેસ ફુલ રાખી શાક કયું બનાવવું એ વિચાર કરવામાં કશીક બળવાની વાસ આવી અને બહાર હીંચકેથી મીનાબહેન અને પડોશમાંથી રમાબહેન ‘એ તમારા ઘરમાં આગ લાગી કે પછી શોર્ટ સર્કિટ થઈ લાગે છે’ એમ બરાડતાં દાખલ થયાં. રસોડામાં કૂકરમાં જ કંઈ બળે છે એમ વિચારી મીનાબહેને કૂકર ઉતારીન ેઠંડું કરવા નળ નીચે મૂક્યું.

એક તરફ તવી ઉપર રોટલા જેટલી જાડી રોટલી પણ ધુમાડા કાઢી રહી હતી અને નીચે કિચન ઉપર બે બીજી કાળી કાળી બળી ગયેલી રોટલી રમેશભાઈ સગેવગે કરવામાં દાઝી ગયા હોય એમ હાથ ઉપર ફૂંક મારી રહ્યા હતા. કૂકર ખોલ્યું તો દાળ બળીને કૂકરમાં પોપડો બની ચૂકી હતી અને તે પણ તુવેરની નહીં, ચણાની દાળ હતી. 

રમાબહેને જોયું ત્રીજા ગેસ પર ચોખા પણ પાણી ઓછું પડવાથી દાઝીને સાવ કાળા પડી ગયા હતા. બે માણસની જગ્યાએ દસ માણસ ખાય એટલાં ઘી, લોટ, દાળ, ભાત, તેલ, મરી-મસાલાનો બગાડ ઓલરેડી થઈ ચૂક્યો હતો અને છતાં રવિવારના બપોરના બે વાગ્યે પણ બે જણા હજી ભૂખ્યાં જ બેઠા હતા.

‘બોલો, હવે નારીશક્તિ વિશે રમેશજી આપ કંઈ કહેવા માગો છો ખરા?’
‘હા મીના, નારીશક્તિનો બીજો કોઈ વિકલ્પ નથી.’
‘તો હવે આપ માનો છો ને કે...’

‘હા... હા...નારીશક્તિ ઝિંદાબાદ. મીના, હવે પછી કોઈ પ્રયોગ નહીં કરું. જેનું કામ જે કરે. એટલે મીના, આ રસોડું તું જ સાફ કરી શકે એમ છે. મારાથી તો આ દૃશ્ય જોઈ શકાય એમ પણ નથી. તમે બહેનો આ કામ કેટલી સરળતાથી, સહજતાથી અને પ્રેમથી કરો છો.’

‘તો હવે પછી ખાતી વખતે ફરિયાદ તો નહીં કરો ને? કે પછી હજી કૂતરાની પૂંછડી વાંકી તે વાંકી જ.’

‘મીના, હવે પાકા ઘડે કાંઠા ન ચડે. માટે જે જેમ ચાલે છે તેમ પરંપરા મુજબ જ તારું કામ તો તું જ કરી શકે અને અમારું પણ તું જ કરી શકે એટલી સબળ તું આ ઘરનીનારીશક્તિછે.... ચાલ, આજે રવિવારે મારા તરફથી સરસહોટલમાંલંચ તો બનતા હૈ. અને હા રમાબહેન, તમે તો કદાચ જમી જ લીધું હશે. પણ છતાં આવવું હોય તો...’

‘ના ભાઈ ના... ’ મીનાબહેન તરફ જોઈને ’નારીશક્તિ ઝિંદાબાદ’ કરતાં રમાબહેન સરકી ગયાં.
આ પ્રયોગ બધી બહેનો અજમાવીને જોઈ શકે છે. કદાચ લંચ અને હીંચકો બંને રવિવારે તમને મળી પણ જાય.