Fri May 08 2026

Logo

માય સમર ફ્રેન્ડ્સ

2026-05-07 09:55:00
Author: Khushbu Mulani Thakkar
Article Image

ફેશન - ખુશ્બુ મુલાણી ઠક્કર

ગરમીની મોસમ આવે એટલે સ્ટાઇલ અને કમ્ફર્ટ બંને વચ્ચે સંતુલન રાખવું ખૂબ જ જરૂરી બની જાય છે. તાપમાન વધી જાય ત્યારે ફક્ત કપડાં નહીં, પણ યોગ્ય એક્સેસરીઝ પણ આપણને સૂર્યની તીવ્ર ગરમીથી બચાવવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે. ખાસ કરીને સનગ્લાસિસ, સ્કાર્ફ અને હેન્ડ-લેગ ગ્લોવ્સ આજકાલ ફેશન સાથે સાથે પ્રોટેક્શન માટે પણ ખૂબ ઉપયોગી બની ગયા છે.

સૌથી પહેલા વાત કરીએ સનગ્લાસિસની. ગરમીમાં સૂર્યના કિરણો આંખોને નુકસાન પહોંચાડી શકે છે, તેથી સનગ્લાસિસ પહેરવું જરૂરી બની જાય છે. સનગ્લાસિસમાં અનેક પ્રકાર જોવા મળે છે. જેમ કે એવિએટર સ્ટાઇલ, જે ક્લાસિક અને એવરગ્રીન માનવામાં આવે છે. આ સ્ટાઇલ લગભગ દરેક ફેસ શેપ પર સુટ થાય છે. કેટ-આઇ સનગ્લાસિસ ખાસ કરીને યુવતીઓમાં ખૂબ લોકપ્રિય છે, જે લુકને સ્ટાઇલિશ અને ગ્લેમરસ બનાવે છે. ઓવરસાઇઝ સનગ્લાસિસ પણ આજકાલ ટ્રેન્ડમાં છે, જે ચહેરાને સંપૂર્ણ કવરેજ આપે છે અને સન પ્રોટેક્શન વધારે આપે છે. સ્ક્વેર અને રાઉન્ડ ફ્રેમ્સ પણ ફેશનમાં છે, જે તમારું લુક અલગ અને આકર્ષક બનાવે છે. સનગ્લાસિસ ખરીદતી વખતે ઞટ પ્રોટેક્શન હોવું જરૂરી છે, જેથી આંખોને હાનિકારક કિરણોથી સુરક્ષા મળે.

સ્કાર્ફની 
સ્કાર્ફ માત્ર ફેશન એક્સેસરી નહીં, પણ ગરમીમાં ખૂબ ઉપયોગી છે. ખાસ કરીને કોટન અને લિનન ફેબ્રિકના સ્કાર્ફ ગરમીમાં ઠંડક આપે છે. સ્કાર્ફના વિવિધ પ્રકારોમાં લોંગ સ્કાર્ફ, સ્ક્વેર સ્કાર્ફ અને ઇન્ફિનિટી સ્કાર્ફનો સમાવેશ થાય છે. લોંગ સ્કાર્ફને તમે ગળા આસપાસ લૂઝલી રેપ કરી શકો છો અથવા ફેસ કવર કરવા માટે ઉપયોગ કરી શકો છો. સ્ક્વેર સ્કાર્ફને સ્ટાઇલિશ રીતે બાંધીને હેડ કવર અથવા નેક એક્સેસરી તરીકે પણ પહેરી શકાય છે. ઇન્ફિનિટી સ્કાર્ફ એક લૂપમાં હોય છે, જે પહેરવામાં સરળ અને કેઝ્યુઅલ લુક માટે ઉત્તમ છે. સ્કાર્ફ સૂર્યના કિરણોથી ત્વચાને બચાવે છે અને સાથે સાથે તમારું આઉટફિટ પણ વધુ આકર્ષક બનાવે છે. ઓફિસ જતી યુવતીઓમાં લોન્ગ સ્કાર્ફનો ઉપયોગ વધારે જોવા મળે છે. લોન્ગ સ્કાર્ફમાં આખું મોઢું, વાળ, ગળું, અને શોલ્ડર પણ કવર થઇ જાય છે. આ સ્કાર્ફ જો લાઈટ કલરમાં હશે તો વધારે આરામદાયક લાગશે. ઉનાળામાં એક નિયમ જ બનાવી લેવાય, કે જેવા ઘરની બહાર નીકળવાનું આવે ત્યારે સ્કાર્ફ વગર બહાર ન જવું. જો તમે ટુ વ્હીલર ચલાવતા હોવ તો ખાસ કરીને સ્કાર્ફનો ઉપયોગ કરવો.

હેન્ડસ એન્ડ લેગ ગ્લૉવ્સ
ગરમીમાં હેન્ડ અને લેગ ગ્લોવ્સ પણ ખૂબ મહત્ત્વના બની ગયા છે. ખાસ કરીને જ્યારે તમે લાંબા સમય સુધી બહાર રહેતા હોવ, ત્યારે હાથ અને પગ પર સીધી સૂર્યપ્રકાશની અસર થતી હોય છે. હેન્ડ ગ્લોવ્સ કોટન અથવા લાઇટવેઇટ ફેબ્રિકમાં ઉપલબ્ધ હોય છે, જે હાથને ટેનિંગ અને સનબર્નથી બચાવે છે. આજકાલ ડ્રાઇવિંગ ગ્લોવ્સ પણ ટ્રેન્ડમાં છે, જે સ્ટાઇલ સાથે સાથે પ્રોટેક્શન આપે છે. લેગ ગ્લોવ્સ અથવા લેગ સ્લીવ્સ પણ ખાસ કરીને બાઇક રાઇડર્સ માટે ખૂબ ઉપયોગી છે. આ સ્લીવ્સ પગને ધૂળ અને ગરમીથી બચાવે છે અને સ્કિનને સેફ રાખે છે.

હેટ અને ટોપી
ઉનાળામાં હેટ અને ટોપીનો ઉપયોગ ખાસ કરવો જોઈએ. ગરમીમાં સીધી સૂર્યકિરણોથી માથું અને ચહેરો બચાવવા હેટ અને કેપ ખૂબ ઉપયોગી છે. તે માત્ર તડકાથી જ નહીં પરંતુ સ્કિન ટેનિંગ, સનબર્ન અને હીટસ્ટ્રોકથી પણ બચાવે છે. સાથે સાથે, તે તમારા લુકને વધુ સ્ટાઇલિશ અને ક્લાસી બનાવે છે. ઉનાળામાં હેટ અને કેપ માત્ર ફેશન સ્ટેટમેન્ટ નહીં પરંતુ જરૂરી એક્સેસરી છે. યોગ્ય પસંદગી અને સ્ટાઇલિંગથી તમે ગરમીથી બચી શકો છો અને સાથે સાથે ટ્રેન્ડી પણ દેખાઈ શકો છો. એટલે આ સમર સીઝનમાં તમારા વોર્ડરોબમાં એક સ્ટાઇલિશ હેટ અથવા કેપ જરૂર ઉમેરો અને સ્ટાઈલિશ દેખાવ માટે રેડી થઇ જાવ. 

આ તમામ એક્સેસરીઝને યોગ્ય રીતે સ્ટાઇલ કરવી પણ એટલી જ જરૂરી છે. જો તમે લાઇટ કલરનાં કપડાં પહેરો છો, તો બ્રાઇટ અથવા પ્રિન્ટેડ સ્કાર્ફ તમારા લુકને આકર્ષિત બનાવી શકે છે. સનગ્લાસિસને ફેસ શેપ અનુસાર પસંદ કરવાથી લુક વધુ આકર્ષક લાગે છે. હેન્ડ અને લેગ ગ્લોવ્સને તમારા આઉટફિટ સાથે મેચ કરીને પહેરશો તો ફેશન અને કમ્ફર્ટ બન્ને મેળવી શકશો.

ગરમીમાં સ્ટાઇલિશ રહેવું મુશ્કેલ નથી, જો તમે યોગ્ય એક્સેસરીઝ પસંદ કરો. સનગ્લાસિસ, સ્કાર્ફ અને ગ્લોવ્સ માત્ર તમને ગરમીથી બચાવતા નથી, પરંતુ તમારા લુકમાં એક નવો સ્ટાઇલ ક્વોશન્ટ ઉમેરે છે. આ ઉનાળામાં તમે પણ આ એક્સેસરીઝનો ઉપયોગ કરીને કૂલ, કમ્ફર્ટેબલ અને ફેશનેબલ રહી શકો છો.