Sat Sep 05 2026

Logo

મુંબઈના પ્રોપર્ટી માર્કેટે તોડ્યો 14 વર્ષનો રેકોર્ડ: ઓગસ્ટમાં 12,500થી વધુ રજિસ્ટ્રેશન

2026-08-31 18:50:43
Author: Mumbai Samachar Team
મુંબઈના પ્રોપર્ટી માર્કેટે તોડ્યો 14 વર્ષનો રેકોર્ડ: ઓગસ્ટમાં 12,500થી વધુ રજિસ્ટ્રેશન

સ્ટેમ્પ ડ્યુટી કલેક્શન 12 ટકા વધીને 1,123 કરોડ રુપિયાની સપાટીએ પહોંચ્યું

મુંબઈ: મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટે ઓગસ્ટ 2026માં જોરદાર સુધારો જોવા મળ્યો છે. મુંબઈ શહેરમાં ઓગસ્ટ દરમિયાન કુલ 12,503 પ્રોપર્ટી રજિસ્ટ્રેશન થયા છે. આ સંખ્યા ગયા વર્ષના ઓગસ્ટની સરખામણીમાં 11 ટકા વધુ છે અને ઓગસ્ટ મહિનામાં છેલ્લા 14 વર્ષથી વધુ સમયનો સૌથી ઊંચો આંકડો છે.

આ સાથે મહારાષ્ટ્ર સરકારને પ્રોપર્ટી રજિસ્ટ્રેશન પરની સ્ટેમ્પ ડ્યુટીમાંથી ઓગસ્ટ 2026માં ₹1,123 કરોડની આવક થઈ છે. ગયા વર્ષની સરખામણીમાં સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં પણ 12 ટકાનો વધારો નોંધાયો છે. આ આંકડા મહારાષ્ટ્રના રજિસ્ટ્રેશન એન્ડ સ્ટેમ્પ્સ વિભાગના ડેટાના નાઈટ ફ્રેન્ક ઈન્ડિયા દ્વારા કરાયેલા વિશ્લેષણ પર આધારિત છે.

મુંબઈના પ્રોપર્ટી માર્કેટમાં ગયા વર્ષે પણ રજિસ્ટ્રેશનનું પ્રમાણ ઊંચું રહ્યું હતું. તેમ છતાં ઓગસ્ટ 2026માં 11 ટકાની વાર્ષિક વૃદ્ધિ નોંધાવવી શહેરના હાઉસિંગ માર્કેટમાં ઘર ખરીદનારાઓની મજબૂત માંગ દર્શાવે છે. પ્રોપર્ટી રજિસ્ટ્રેશન સાથે સ્ટેમ્પ ડ્યુટીની આવકમાં પણ 12 ટકાનો વધારો થયો છે, જે મુંબઈના રેસિડેન્શિયલ માર્કેટમાં ખરીદદારોની સતત મજબૂત પ્રવૃત્તિ તરફ સંકેત કરે છે.

નાઈટ ફ્રેન્ક ઈન્ડિયાના ઇન્ટરનેશનલ પાર્ટનર, ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શિશિર બૈજલે જણાવ્યું હતું કે મુંબઈનું રેસિડેન્શિયલ માર્કેટ સતત મજબૂત માંગ દર્શાવી રહ્યું છે અને ઓગસ્ટમાં 14 વર્ષથી વધુ સમયનો સૌથી વધુ માસિક પ્રોપર્ટી રજિસ્ટ્રેશન આંકડો નોંધાયો છે. તેમના જણાવ્યા મુજબ, માસિક ધોરણે રજિસ્ટ્રેશન અને સ્ટેમ્પ ડ્યુટી કલેક્શનમાં થોડો ઘટાડો થયો હોવા છતાં, ગયા વર્ષની સરખામણીમાં મજબૂત વૃદ્ધિ હાઉસિંગ માર્કેટની સ્થિરતા અને મજબૂતી દર્શાવે છે.

મુંબઈમાં ઘર ખરીદનારાઓ હવે વધુ પસંદગીશીલ બની રહ્યા છે અને સારી લોકેશન, ગુણવત્તાયુક્ત ડેવલપમેન્ટ તથા મજબૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતા પ્રોજેક્ટ્સને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે. મુંબઈની મજબૂત આર્થિક સ્થિતિ, રોજગારીનો મોટો આધાર અને લાંબા ગાળે રોકાણ માટેનું આકર્ષણ શહેરના રેસિડેન્શિયલ માર્કેટને સતત ટેકો આપી રહ્યા છે.

ઓગસ્ટમાં 12,503 પ્રોપર્ટી રજિસ્ટ્રેશન અને ₹ 1,123 કરોડની સ્ટેમ્પ ડ્યુટી આવક મુંબઈના રિયલ એસ્ટેટ માર્કેટની મજબૂત સ્થિતિને સ્પષ્ટ રીતે દર્શાવે છે. ઊંચા બેઝ પ્રાઈઝ છતાં નોંધાયેલી વાર્ષિક વૃદ્ધિ એ પણ બતાવે છે કે મુંબઈમાં ઘર ખરીદનારાઓનો વિશ્વાસ અને પ્રોપર્ટીની માંગ હજુ પણ મજબૂત છે.