મુંબઈ: ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમી લાંબા સમયથી નેશનલ ટીમની બહાર છે, છેલ્લે તે ભારત 9 માર્ચ, 2025ના રોજ ચેમ્પિયન્સ ટ્રોફી ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે મેચ રમ્યો હતો. ત્યાર બાદ ડોમેસ્ટિક ક્રિકેટમાં તેનું ફોર્મ સાબિત કર્યું હોવા છતાં શમીને ટીમમાં ફરી સ્થાન મળ્યું નથી. એવી માનવામાં આવી રહ્યું છે કે 35 વર્ષીય શમીની આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો અંત આવી ગયો છે.
ICC ODI વર્લ્ડ કપ 2023માં શમીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું, તેને માત્ર 7 મેચમાં 10.70 ની એવરેજથી 24 વિકેટ લીધી હતી. આ ટુર્નામેન્ટ દરમિયાન શમીને જમણા પગની ઘૂંટી ઈજા પહોંચી હતી, ત્યાર બાદ તેની સર્જરી કરવામાં આવી. 14મહિના આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી દુર રહ્યા બાદ તેણે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં કમબેક કર્યું, આ ટુર્નામેન્ટમાં તેણે પાંચ મેચમાં 9 વિકેટ લીધી. ત્યાર બાદ BCCIના સિલેક્ટર્સે કોઈ પણ ફોર્મેટ માટેની ટીમમાં શમીને સ્થાન ન આપ્યું.
શમી પશ્ચિમ બંગાળ તરફથી સતત ડોમેસ્ટિક ક્રિકેટ રમતો રહ્યો, તેણે 2025-26 ડોમેસ્ટિક સિઝનમાં રણજી ટ્રોફી, વિજય હજારે ટ્રોફી અને સૈયદ મુશ્તાક અલી ટ્રોફી મળીને કુલ 67 વિકેટો લીધી છે. છતાં, સિલેક્ટર્સે તેને ટીમમાં સ્થાન ન આપ્યું.
નિવૃત્તિ અંગે શમીએ શું કહ્યું?
હવે શમીને આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાંથી નિવૃત્તિ અંગે પ્રશ્નો પૂછવામાં આવી રહ્યા છે. એક ઈન્ટરવ્યું દરમિયાન શમીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ અંગેના તેના વિચારો વિશે પૂછવામાં આવ્યું, આ દરમિયાન શમીએ કહ્યું કે તેક્રિકેટ ત્યારે જ છોડશે, જ્યારે તેને "કંટાળો" આવવા લાગશે.
શમીએ કહ્યું, "જ્યારે હું થાકી જાઉં, ત્યારે હું એ વિષે વિચારીશ. પણ હું અત્યારે નિવૃત્તિ વિશે વિચાર નથી કરી રહ્યો, જો આ વિચાર તમારા મનમાં આવે છે, તો તેનો અર્થ એ છે કે તમે પહેલાથી જ થાકી ગયા છો. મેં આ પહેલા પણ કહ્યું હતું કે, જે દિવસે હું કંટાળો અનુભવીશ તે દિવસે હું ક્રિકેટ છોડી દઈશ."
IPL 2026માં પ્રદર્શન પર નજર:
IPL 2025 નાં મેગા ઓક્શનમાં સનરાઇઝર્સ હૈદરાબાદે શમીને ટીમમાં સામેલ કર્યો હતો, આ સીઝન તેના માટે ખરાબ રહી. ત્યારબાદ IPL 2026 પહેલા SRH ફ્રેન્ચાઇઝીએ તેને રિલીઝ કર્યો, IPL 2026 ઓક્શનમાં લખનઉ સુપર જાયન્ટ્સે તેને ખરીદ્યો. આ IPL સિઝનમાં તે મજબૂત પ્રદર્શનની આશા રાખી રહ્યો છે.