ભરત મહેતા
આજનો આધુનિક વોરરૂમ. અહીં આંગળીને ટેરવે યુદ્ધ ખેલાય છે.
આકાશમાં સેટેલાઈટ પર હુમલો થાય કે એકબીજા સાથે અથડાય ત્યારે વિનાશ વેરાય છે.
‘અમે વિજ્ઞાન દ્વારા દેવો જેવા બનવાનો પ્રયત્ન કર્યો, પણ જો વિવેક નહીં વાપરીએ તો આ જ વિજ્ઞાન આપણા માટે ભયંકર પિશાચ સાબિત થશે.’
એક સમય હતો જ્યારે યુદ્ધો જમીન પર લડાતા. પછી સમુદ્રમાં યુદ્ધ જહાજો આવ્યાં. ત્યારબાદ આકાશમાં ફાઇટર જેટ્સ અને મિસાઇલોએ યુદ્ધની વ્યાખ્યા બદલી નાખી. જોકે હવે વિશ્વ એક નવા યુગ તરફ વધી રહ્યું છે જ્યાં આગામી યુદ્ધની રણભૂમિ અંતરિક્ષ બનશે. હા, હવે વાત થાય છે સેટેલાઇટ વોરની.
આ શબ્દ સાંભળતાં કદાચ કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મ યાદ આવે... હકીકતમાં વિશ્વની મહાસત્તાઓએ તેની તૈયારી શરૂ કરી ચૂકી છે. ઇતિહાસ સાક્ષી છે કે યુદ્ધો હંમેશાં ક્ષેત્રો માટે ખેલાયા છે પહેલા જમીન માટે, પછી સમુદ્રના આધિપત્ય માટે અને છેલ્લી સદીમાં આકાશના કબજા માટે.. જ્યારે હવે આજે આપણે 21મી સદીના મધ્ય પડાઉ પર ઊભા છીએ, ત્યારે યુદ્ધની વ્યાખ્યા ધરમૂળથી બદલાઈ રહી છે. હવે વિજયનો માર્ગ સરહદ પરની ખાઈઓમાંથી નહીં, પણ પૃથ્વીથી હજારો કિલોમીટર ઉપર ઘૂમી રહેલા કાચ અને લોખંડના ટુકડાઓ એટલે કે ‘સેટેલાઇટ્સ’ દ્વારા નક્કી થશે. આગામી યુદ્ધોમાં કદાચ લોહી નહીં વહે, પણ ડેટા વહેશે. સૈનિકોની બંદૂકો શાંત હશે, પણ પ્રોગ્રામરોની આંગળીઓ કી-બોર્ડ પર રણસંગ્રામ ખેલશે.
સ્વાગત છે તમારું અંતરિક્ષ યુદ્ધ (Space Warfare)ના યુગમાં
જરા કલ્પના કરો કે એક સવારે તમે જાગો અને તમારો મોબાઈલ ફોન નેટવર્ક બતાવતો બંધ થઈ જાય. જીપીએસ (GPS) કામ કરવાનું છોડી દે, બેંકિંગ વ્યવહારો અટકી જાય અને ટીવી પર માત્ર ઝબકારા આવે. આ કોઈ ટેકનિકલ ખામી નથી, પણ એક શક્તિશાળી દેશ દ્વારા બીજા દેશના સેટેલાઇટ પર કરવામાં આવેલો હુમલો છે.
આજે આપણું જીવન સેટેલાઇટ પર એટલું નિર્ભર છે કે જો અંતરિક્ષમાં રહેલાં આ ઉપકરણો ઠપ્પ થઈ જાય તો આધુનિક સભ્યતા પત્તાંના મહેલની જેમ ધરાશાયી થઈ શકે. આ જ નબળાઈ હવે મહાસત્તાઓ માટે નવું હથિયાર બની છે. હવે દુશ્મનને હરાવવા માટે તેના દેશ પર બૉમ્બ ફેંકવાની જરૂર નથી; બસ તેના ‘આકાશી નેત્ર’ એટલે કે સેટેલાઇટને અંધ કરી દેવા પૂરતા છે. યુદ્ધના સમયમાં તો સેટેલાઇટ્સની ભૂમિકા વધુ ગંભીર બની જાય છે.
આધુનિક સૈન્ય માટે સેટેલાઇટ્સ શું કરે?
દુશ્મન દેશ પર નજર રાખે, મિસાઇલ લોન્ચિંગ ટ્રેક કરે, સૈનિકોને GPS માર્ગદર્શન આપે, ડ્રોન ઓપરેશન નિયંત્રિત કરે, ગુપ્ત માહિતી મોકલે અને સેનાઓ વચ્ચે સુરક્ષિત સંચાર જાળવે. એટલે જ કહેવાય છે કે આજના યુદ્ધમાં જે દેશનું અંતરિક્ષ મજબૂત, તે દેશનું રક્ષણ મજબૂત.
ટેક-વોર
જમીન પર લશ્કરી જવાનો નહીં, લેબમાં વૈજ્ઞાનિકો લડશે. પરંપરાગત યુદ્ધમાં સૈનિકોની સંખ્યા વિજય નક્કી કરતી હતી, પણ ‘ટેક-વોર’માં વિજય તેની થશે જેની પાસે શ્રેષ્ઠ અલ્ગોરિધમ અને સાયબર સિક્યુરિટી હશે. ભવિષ્યના આ યુદ્ધના મુખ્ય પાસા કંઈક કેવા હશે એની ઝલક ...
ASAT (Anti-Satellite) મિસાઇલ્સ
ભારત સહિત વિશ્વના ગણ્યાગાંઠ્યા દેશોએ આ શક્તિ હાંસલ કરી છે. જમીન પરથી જ ગમે તેવા સચોટ સેટેલાઇટને તોડી પાડવાની આ ક્ષમતા ભયાનક છે.
લેઝર ગન્સ
શારીરિક રીતે નાશ કરવાને બદલે, પૃથ્વી પરથી શક્તિશાળી લેઝર કિરણો છોડીને સેટેલાઇટના સેન્સર્સને કાયમી ધોરણે બંધ કરી દેવા.
સાયબર એટેક
કોઈ પણ ભૌતિક નુકસાન કર્યા વગર દુશ્મનના સેટેલાઇટના કંટ્રોલ રૂમને હેક કરી લેવો અને તેનો માર્ગ બદલી નાખવો અથવા તેને નિષ્ક્રિય કરી દેવો.
કેસલર સિન્ડ્રોમ: વિનાશનું વરવું ચક્ર
અંતરિક્ષ યુદ્ધની સૌથી મોટી ચિંતા ‘કેસલર સિન્ડ્રોમ’ છે. જો એક સેટેલાઇટ બીજા સાથે ટકરાય અથવા મિસાઇલ દ્વારા તોડવામાં આવે તો તેના હજારો ટુકડાઓ અંતરિક્ષમાં કાટમાળ (Space Debris) તરીકે અત્યંત ઝડપે ઘૂમવા લાગે છે. આ ટુકડાઓ અન્ય જીવંત સેટેલાઇટ્સને નુકસાન પહોંચાડે છે, જેનાથી વધુ કાટમાળ પેદા થાય છે. અંતે, પૃથ્વીની આસપાસ એક એવું કચરાનું પડ બની જશે કે ભવિષ્યમાં કોઈ પણ સામાન્ય સુદ્ધાં રોકેટ અવકાશમાં મોકલવું અશક્ય બની જશે.
આજે વિશ્વની સૌથી મોટી સ્પર્ધા જમીન પર નહીં, પરંતુ અંતરિક્ષમાં ચાલી રહી છે. અમેરિકાએ તો અલગ Space Force બનાવી છે. તેનું મુખ્ય કામ જ અંતરિક્ષમાં દેશની સુરક્ષા જાળવવાનું છે. અમેરિકાની ખાનગી કંપનીઓ જેવી કે SpaceX હજારો નાના સેટેલાઇટ્સ લોન્ચ કરી રહી છે. યુક્રેન-રશિયા યુદ્ધ દરમિયાન Starlink સેટેલાઇટ ઈન્ટરનેટે યુક્રેનને મોટી મદદ કરી હતી. આ ઘટનાએ દુનિયાને બતાવી દીધું કે સેટેલાઇટ્સ હવે સીધા યુદ્ધનો ભાગ બની ગયા છે. ચીન ઝડપથી પોતાની અંતરિક્ષ શક્તિ વધારી રહ્યું છે. તે પોતાના સ્પેસ સ્ટેશનથી લઈને ચંદ્ર મિશન સુધી ખૂબ જ આક્રમક રીતે આગળ વધી રહ્યું છે. રશિયા પાસે પહેલેથી જ શક્તિશાળી મિસાઇલ અને સ્પેસ ટેક્નોલોજી છે. પશ્ર્ચિમી દેશોનો દાવો છે કે રશિયા અંતરિક્ષમાં સેટેલાઇટ કિલર સિસ્ટમ તૈયાર કરી રહ્યું છે.
ભારત માટે આ કેટલું મહત્ત્વનું?
ભારત માટે અંતરિક્ષ માત્ર વૈજ્ઞાનિક ગૌરવ નથી તે હવે રાષ્ટ્રીય સુરક્ષાનો પ્રશ્ન છે. ISRO અને ભારતની રક્ષા સંસ્થાઓ હવે વધુ સૈન્ય સેટેલાઇટ્સ વિકસાવી રહી છે.
ભારત પાસે આજે સરહદોની દેખરેખ માટે સેટેલાઇટ્સ, નૌકાદળ માટે મેરિટાઇમ સેટેલાઇટ્સ, નેવિગેશન સિસ્ટમ NavIC સુરક્ષિત સંચાર સેટેલાઇટ્સ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. ભવિષ્યમાં ભારતને અંતરિક્ષ સુરક્ષા માટે વધુ રોકાણ કરવું પડશે, કારણ કે આવનારા યુદ્ધો ડેટા અને સિગ્નલ પર આધારિત હશે.
ભારત કેટલું સજ્જને આત્મનિર્ભર?
ભારત માટે આ વિષય માત્ર વૈજ્ઞાનિક કુતૂહલ નથી, પણ રાષ્ટ્રીય સુરક્ષાનો મામલો છે. ઇસરો (ISRO) અને ડીઆરડીઓ (DRDO) એ ‘મિશન શક્તિ’ દ્વારા દુનિયાને બતાવી દીધું છે કે અમે અમારા આકાશની રક્ષા કરવા સક્ષમ છીએ. જ્યારે પડોશી દેશો ટેકનોલોજીની દૃષ્ટિએ આક્રમક બની રહ્યા હોય ત્યારે ભારતે પણ અનિવાર્યપણે પોતાની ડિફેન્સ સ્પેસ એજન્સી (DSA)ને વધુ મજબૂત બનાવવી પડશે.
ભવિષ્યમાં આપણી સેનામાં માત્ર લડાયક વિમાનો જ નહીં, પણ સ્પેસ-ક્રાફ્ટ્સ અને જામિંગ ડિવાઇસીસનું મહત્ત્વ વધશે. સૈનિકની વ્યાખ્યા બદલાશે તે હવે સીમા પર બરફમાં ઊભો રહેલો જવાન જ નહીં, પણ એરકંડિશન્ડ રૂમમાં બેસીને સેટેલાઇટના સિગ્નલ્સ પર નજર રાખતો આઈટી નિષ્ણાત પણ હશે.
શું આ શાંતિનો અંત છે?
માનવજાતની એ કરુણતા છે કે જે અવકાશને આપણે તારા અને નક્ષત્રોના સંગ્રહ તરીકે જોતા હતા તેને હવે આપણે યુદ્ધભૂમિમાં ફેરવી રહ્યા છીએ. ટેકનોલોજી આપણને સગવડ આપે છે, પણ તે આપણી સંવેદનશીલતા પણ છીનવી લે છે. ‘રીમોટ કંટ્રોલ વોર’માં બટન દબાવનારને ખબર પણ નથી હોતી કે તેણે એક પળમાં લાખો લોકોના જીવનમાં અંધકાર ફેલાવી દીધો છે.
અંતરિક્ષમાં ખેલાનારું આ ‘ટેક-વોર’ અનિવાર્ય લાગે છે, પણ તેનો ઉકેલ સંયમમાં છે. ટેકનોલોજીનો ઉપયોગ વિનાશ માટે નહીં પણ વિકાસ માટે થવો જોઈએ.
આવનારી પેઢીને આપણે કેવું આકાશ આપીશું? સેટેલાઇટ્સના કાટમાળથી ભરેલું કે જ્ઞાનના પ્રકાશથી ઝળહળતું? આ સવાલનો જવાબ આજે જ શોધવો પડશે. યુદ્ધ હંમેશાં વિનાશ લાવે છે, પછી તે જમીન પર હોય કે આભમાં, પણ જ્યારે વાત અસ્તિત્વની હોય, ત્યારે ટેકનોલોજીમાં સજ્જ રહેવું એ જ શ્રેષ્ઠ બચાવ છે. વિજ્ઞાન એ બેધારી તલવાર છે : તેને કેવી રીતે ચલાવવી એ આપણી સભ્યતાની પરિપક્વતા પર નિર્ભર છે.
ભરત મહેતા, સિનિયર સ્પેસ સાયન્ટિસ્ટ અને પૂર્વ ડેપ્યુટી પ્રોજેક્ટ ડિરેક્ટર (RF Systems) છે, જેમણે સ્પેસ એપ્લિકેશન્સ સેન્ટર SAC-ISRO) ખાતે ચાર દાયકા સુધી સેવા આપી છે. તેમણે ભારતીય સેટેલાઇટ પેલોડ્સ અને સેટેલાઇટ અર્થ સ્ટેશનો માટે RF સબસિસ્ટમ્સ Design Developmentમા કાર્ય કર્યું છે અને તેના વિકાસમાં બહોળો અનુભવ ધરાવે છે.
અંતરિક્ષ વિજ્ઞાન અને ઊભરતી ટેક્નોલોજીના પ્રખર હિમાયતી એવા ભરતભાઈ વિજ્ઞાન અને રાષ્ટ્રીય વિકાસના વિવિધ વિષયો પર નિયમિતપણે લેખનકાર્ય કરે છે.