બ્રાન્ડ બનશે બિઝનેસ વધશે - સમીર જોશી
ગયા રવિવારે વુમેન્સ- ડે વિવિધ જગ્યાઓએ વિવિધ રીતે ઉજવી સ્ત્રીઓને માન આપ્યું. અલગ અલગ બ્રાન્ડ્સ આ દિવસે સ્ત્રીને સ્પેશ્યલ ફીલ કરાવવાના નુસ્ખાઓ ગોતે છે. સમય સાથે સમાજમાં પણ બદલાવ આવ્યા છે અને સ્ત્રીના જીવનમાં પણ બદલાવ આવતા રહે છે. એક સમય હતો જયારે સ્ત્રીને સમાજમાં જોઈએ તેટલું મહત્ત્વ નહોતું મળતું પણ આજે એવું નથી. એમના માટે લોકોને માન છે, કારણ કે તેમણે પોતાને પુરુષ સમોવડી બનાવીને સફળતા મેળવી છે.
આજે આ વિષય પર વાત કરવાનું કારણ તે કે આજની સ્ત્રીને સમજવાની જરૂર છે. ફક્ત વુમેન્સ - ડે માનવાથી નહિ ચાલે. તે એક દિવસ માટે તેમને મહત્ત્વ આપવા, સેલ વધારવાના મોકા તરીકે ઠીક છે, પણ બ્રાન્ડસે આ દિવસની પરે વિચારવું પડશે અને વર્ષ દરમિયાન આવી વાતો લાવવી પડશે.
એ બધામાં ય સૌથી અગત્યની વાત છે સ્ત્રી સમાનતાની. આ વર્ષે પણ ઘણી બ્રાન્ડ્સ આવી વાત- વિચાર લઈને આવી. જોવા જઇએ તો સમાનતાનો મુદ્દો નવો નથી પણ હજુ આ મુદ્દો ઘણી વાતમાં જોવા મળે છે. ઉદાહરણ તરીકે, એક બ્રાન્ડે સમાનતાનો વિષય અલગ રીતે રજૂ કર્યો, જેમકે આપણે કહીયે છીએ કે લેડી ડોક્ટર, લેડી ડ્રાઈવર, લેડી પાઈલટ વગેરે. આજ વાત પુરુષો માટે નથી કહેવાતી, જેમ કે મેલ પાઈલટ, મેલ ડોક્ટર, વગેરે. જો કાર્ય સમાન છે, કાર્ય કરવાની પદ્ધતિ સમાન છે તો પછી કોણ તે કાર્ય કરે છે તેમાં ભેદભાવ શા માટે? આવો મેસેજ એ બ્રાન્ડે સમાનતાના નેજા હેઠળ આપ્યો.
બ્રાન્ડસે સમાનતા ઉપરાંત નવા વિષયો ગોતી તેની વાત કરવી પડશે. ઉદાહરણ તરીકે, આજની સ્ત્રીને લાગે છે કે માતા બનવાથી પોતે પોતાના કરિયરનું બલિદાન આપવું પડે છે અથવા માસિક કે મેનોપોઝ જે સ્ત્રીના જીવનનો ભાગ છે અથવા ઘર અને ઓફિસ બંને તે સહજતાથી સંભાળી શકે છે, લગ્ન ક્યારે કરવા કે પછી પોતાની જિંદગી કઇ રીતે જીવવી તેનો પસંદગી કે હક વગેરે જેવા વિષયો પર પણ વાત થઇ શકે.
વુમેન્સ- ડે ને આટલું મહત્ત્વ કેમ છે? ક્યારેય મેન્સ - ડે ને આટલું મહત્ત્વ મળ્યું છે ખરું? માનો કે ન માનો, પણ પુરુષ માર્કેટિંગની દૃષ્ટિએ એ પણ ઘરની હરેક ખરીદીમાં તેનો મત ઘણો અગત્યનો છે.... શું બ્રાન્ડ્સ આવા ટાર્ગેટ સેગ્મેન્ટને પેમ્પર નહિ કરે, જે તેને તેની પ્રોડક્ટના વેંચાણમાં મદદરૂપ બને છે...
બીજી તરફ કોઈ પણ બ્રાન્ડ માટે સ્ત્રી એક પોટેન્શિયલ બાયર- સંભવિત ખરીદનાર છે, જેને કન્વિન્સ કરવી ધારો તેટલું આસાન નથી.
આજની આ સ્ત્રીને વધુ સમજવાની કોશિશ કરીએ. જેથી તેને માલ વેચવો આસાન થાય. આજની સ્ત્રી પોતાનો આગવો મત ધરાવે છે. એની પોતાની આઇડેંટિટી છે- કરિયર છે, સ્વતંત્ર વિચાર ધારા છે. એને શું જોઈએ છે અને શા માટે જોઈએ છે એ વિશે તે નિશ્ર્ચિત છે. તે કરિયર અને ઘર બંને સારી રીતે બેલેન્સ કરે છે. તે કોઈ પણ ચીજનું આંધળુ અનુકરણ નથી કરતી. પછી તે પોતાના બાળકે કયા ટ્યૂશન ટીચર પાસે જવું કે કયા સાબુથી નહાવું તેની બધી માહિતી ડીટેલમાં મેળવી પછી જ અંતિમ નિર્ણય લેશે... અને હાં, ક્યારે બાળક પ્લાન કરવું તેના માટે પણ તે ક્લિયર છે, કારણ કે એ પોતાના સંતાનને બેસ્ટ લાઈફ આપવા માગે છે. આવી સ્ત્રી ઘરની લગભગ બધી જ ખરીદીમાં મહત્ત્વનો ભાગ ભજવે છે પછી તે દાળ-ચોખા હોય કે ઘરમાં દીવાલો પર કયો રંગ કરવો. કદાચ કાર કઈ ખરીદવી તે પુરુષ નક્કી કરતો હશે પણ કારના કલરની પસંદગીમાં તેનો નિર્ણય અંતિમ હશે. જ્યારે આવી પર્સનાલિટી એક સ્ટ્રોંગ બાયર તરીકે સ્થાપિત થતી હોય ત્યારે બ્રાન્ડસ માટે તેનો અભ્યાસ આવશ્યક થઈ જાય છે. આજની સ્ત્રીની પર્સનાલિટીના આવાં બીજા ઘણા પાસા હશે જે બ્રાન્ડસ રિસર્ચ દ્વારા શોધી પોતાના કમ્યુનિકેશનમાં ઉપયોગમાં લઇ શકાય.
આ બધા વચ્ચે સૌથી મહત્ત્વનું એ છે કે સ્ત્રી વિશેના કેમ્પેઇન ફક્ત વુમેન્સ ડે સુધી સીમિત ન રાખતા તેને સમયાંતર પ્લાન કરતા રહો. આનો સૌથી મોટો ફાયદો તે થશે કે ક્ધઝ્યુમર ખાસ કરીને સ્ત્રી ક્ધઝ્યુમર તમને તકવાદી ન સમજતા તમે ખરેખર સ્ત્રીને માન આપવા વાળી બ્રાન્ડ છો તેવી છાપ એનાં મનમાં દૃઢ થશે.