Thu Jul 23 2026

Logo

મનોરંજનનું મેઘધનુષઃ જાવેદ જાફરી 41 વર્ષની કારકિર્દીમાં એક સારા ડાન્સરથી લઈને સારા કૉમેડિયન તરીકે સફળતા મેળવી

2026-07-17 08:31:03
Author: Umesh Trivedi
Article Image

ઉમેશ ત્રિવેદી

સૈયદ જાવેદ અહમદ જાફરી કહીએ તો લગભગ કોઈ ન ઓળખે, પણ જાવેદ જાફરી કહો તો તરત જ બધા ઓળખી કાઢે. જાવેદ જાફરીએ એક અભિનેતા, કૉમેડિયન, ડાન્સર અને નિર્માતા તરીકે સારી એવી નામના મેળવી છે. ફિલ્મોમાં શરૂઆત એક સારા ડાન્સર અને વિલન તરીકે કર્યા પછી જાવેદ જાફરીએ ખૂબ જ લાંબી મજલ કાપી છે.

સન 1985માં આવેલી ‘મેરી જંગ’ ફિલ્મમાં તેણે વિલનની ભૂમિકા ભજવી હતી અને પોતે એક સારો ડાન્સર છે એ પણ સાબિત કરી આપ્યું હતું. ત્યાર પછી મોટા ભાગની ફિલ્મોમાં તેણે પોતાની ડાન્સર તરીકેની ઇમેજ આગળ વધારી અને સાથે જ એક અભિનેતા તરીકે પણ પોતાનું સ્થાન મજબૂત કર્યું હતું.

2007માં સંજય દત્ત, રિતેશ દેશમુખ, અર્શદ વારસી, આશિષ ચૌધરી અને અસરાની સાથે ‘ધમાલ’ ફિલ્મ આવી અને તેની એક કૉમેડિયન તરીકેની છાપ ઊભી થઈ. લગભગ 19 વર્ષે આ ફિલ્મનો ચોથો ભાગ ‘ધમાલ-ફોર’ આજે રિલીઝ થઈ રહી છે, તેમાં અર્શદ વારસી સાથે તેની માનવ શ્રીવાસ્તવની ભૂમિકા છે. 

2011માં ‘ડબલ ધમાલ’, 2018માં ‘ટોટલ ધમાલ’ અને હવે 2026માં ‘ધમાલ-ફોર’માં કેટલાક કલાકારોની અદલાબદલી થઈ, પણ રિતેશ દેશમુખ, અર્શદ વારસી અને જાવેદ જાફરી તો બધી જ ફિલ્મોમાં રહ્યા છે અને આ 19 વર્ષમાં જાવેદ જાફરીની ભૂમિકા-માનવ શ્રીવાસ્તવને લોકોએ એટલો જ પ્રેમ આપ્યો છે.

જોકે 2007થી 2026 સુધીમાં જાવેદ જાફરીમાં ખૂબ જ ફરક આવ્યો છે. હિન્દી ફિલ્મોના જાણીતા કૉમેડિયન જગદીપને ત્યાં 1962ની ચોથી ડિસેમ્બરે જન્મેલા જાવેદને નાનપણથી જ ડાન્સમાં રૂચિ હતી. સેન્ટ થેરેસા સ્કૂલમાં તેણે અનેક ડાન્સ પ્રતિયોગિતામાં ભાગ લીધો હતો. શાળા પછી વાંદરાની નૅશનલ કૉલેજમાં તેણે સાયકોલૉજી સાથે અભ્યાસ કર્યો હતો. આ દરમિયાન 21 વર્ષની ઉંમરે 1983માં તેણે ‘ઑલ ઇન્ડિયા ડાન્સ કૉમ્પિટિશન’માં ભાગ લીધો હતો અને એ સ્પર્ધામાં તે વિજયી નીવડ્યો હતો.

આ સ્પર્ધા જીતતાં જ તેની લંડનની ડાન્સ સ્કૂલમાં તાલીમ માટે પસંદગી થઈ અને ત્યાં તેણે જે તાલીમ મેળવી તેના ઉપયોગથી જ તેણે બોલિવૂડમાં પોતાનું અનરું સ્થાન જમાવ્યું હતું. ‘મેરી જંગ’ ફિલ્મમાં તેણે પોતાની આ પ્રતિભાનો ખૂબ જ ઉપયોગ કર્યો હતો અને સાથે વિલન પણ હતો. તેના પગલે તે બોલિવૂડમાં પહેલી જ ફિલ્મથી છવાઈ ગયો હતો.

એક બાજુ ફિલ્મ કારકિર્દી, બીજી બાજું ટેલિવિઝનની કારકિર્દી અને ત્રીજી બાજુ જાહેરખબરની દુનિયામાં પણ જાવેદે પોતાનું નામ કર્યું હતું. 1980થી તેણે જાહેરખબરની દુનિયામાં એક અભિનેતા- કૉપી રાઇટર અને નિર્માતા તરીકે નામના મેળવી છે અને સતત 25 વર્ષ સુધી તેણે ‘મેગી હૉટ ઍન્ડ સ્વીટ’ સૉસની જાહેરખબરમાં મોડેલિંગ કર્યું છે.

1996થી 2014 સુધી એટલે કે લગભગ 18 વર્ષ સુધી અને લગભગ સાત સિઝન સુધી તે ‘બુગીવુગી’ ડાન્સ શોના જજ તરીકે દેખાયો હતો. અત્યારે જુદી જુદી ચૅનલ પર જે ડાન્સ શો ચાલી રહ્યા છે તેનાં મૂળમાં ‘બુગીવુગી’ જ છે એમ કહી શકાય. તેના ભાઈ નવેદ જાફરીએ રવિ બહલ સાથે મળીને આ શોની રચના કરી હતી. તે સમયે જાવેદ ટી. વી. ઉદ્યોગનો સુપરસ્ટાર, ફિલ્મોનો કલાકાર અને જાહેરખબરની દુનિયાનો સફળ મોડેલ હતો અને સાથે જ તે આ શોનો જજ પણ હતો.

અત્યારે સોની ટી.વી. પર જ લગભગ 12 વર્ષ પછી તેનું ડાન્સ રિયાલિટી શોના જજ તરીકે તેનું પુનરાગમન થયું છે. ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’ની પાંચમી સિઝનમાં ગીતા કપૂર, કરિશ્મા કપૂર અને ટેરેન્સ લૂઇસ જેવાની સાથે જજ તરીકે તે દેખાઈ રહ્યો છે. ડાન્સમાં તેની જે ‘ઑથોરિટી’ છે તેના પગલે તેની ‘કૉમેન્ટ’ પર બધાની નજર ટકેલી હોય છે.

જાવેદે રાજકારણમાં પણ હાથ અજમાવ્યો છે, પણ તેમાં તેને નિષ્ફળતા મળી છે. 2014ની લોકસભાની ચૂંટણી વખતે તે ‘આપ’માં જોડાયો હતો અને લખનઉમાં તેણે ભાજપના રાજનાથ સિંહ સામે ઝૂકાવ્યું હતું. પોતાના મતવિસ્તારમાં તે હારી ગયો હતો, ત્યાર પછી તેણે રાજકારણથી દૂર જ રહેવાનું પસંદ કર્યું છે. જાવેદે પોતાની ફિલ્મોની કારકિર્દી દરમિયાન મુખ્ય હીરો તરીકે પણ ટ્રાય કરી હતી. જોકે તેમાં તે ખાસ સફળ નહોતો થયો.  

2003માં ‘જાજંતરમ મામતરમ’ નામની ફિલ્મમાં તે મુખ્ય ભૂમિકામાં હતો. બાળકો માટેની આ ફિલ્મમાં તેને નિષ્ફળતા મળી હતી. ત્યાર અગાઉ તેણે ઘણી સફળ ફિલ્મો કરી હતી, પણ એ ફિલ્મોમાં તે સહાયક કલાકાર તરીકે દેખાયો હતો. તેની સફળ ફિલ્મોમાં લશ્કર, 100 ડેઝ, તહલકા, કર્મયોદ્ધા, તીસરા કૌન, ઓહ ડાર્લિંગ યે હૈ ઇન્ડિયા, ફાયર, બૉમ્બે બૉયઝ, ગેંગ, સલામ નમસ્તે, તારા રમપમ, સિંઘ ઇઝ કિંગ, કમબખ્ત ઇશ્ક, ધમાલ સિરીઝ, કુલી નંબર વન અને દે દે પ્યાર દે સિરીઝની ફિલ્મોનો સમાવેશ થાય છે.

નિર્માતા તરીકે તેણે બે ડૉક્યુમેન્ટ્રીનું સર્જન કર્યું હતું. તેમાંથી ‘ઇન્શાલ્લાહ ફૂટબૉલ’ ડૉક્યુમેન્ટ્રીને 2011માં નૅશનલ એવોર્ડ મળ્યો હતો. આમ જાવેદ જાફરીએ બોલિવૂડમાં પદાર્પણ  કર્યા પછી  કારકિર્દીમાં  તે આપમેળે આગળ વધ્યો છે અને આજે 63 વર્ષની ઉંમરે લગભગ 41 વર્ષની કારકિર્દી બાદ પણ તે અડીખમ ઊભો છે.

OTTનું - હોટસ્પોટઃ 18 જુલાઈથી 24 જુલાઈ સુધી શું જોશો?

નેટફ્લિક્સ ઓટીટીચેનલ પર આ અઠવાડિયા દરમિયાન અનેક નવી અંગ્રેજી સિરીઝની શરૂઆત થઈ રહી છે. આ સિવાય 24 જુલાઈએ વિક્રાંત મેસ્સી, વેદિકા પિન્ટો અને મહિમા મકવાણા અભિનિત ‘મુસાફિર કાફે’નું પ્રસારણ થશે. અહીં 18 જુલાઈએ દક્ષિણની સુપરડુપર હિટ ફિલ્મ ‘બોગનવિલા’ પણ જોઈ શકાશે.

તો આવો હવે એક નજર આપણે નેટફ્લિક્સ પર આવતા અઠવાડિયે રજૂ થનારી કેટલીક અંગ્રેજી સિરિયલ્સ પર નાખીએ. અહીં 17 જુલાઈએ જર્મન ફિક્શન ડ્રામા ‘23000 લાઇવ્સ’ જોવા મળશે. 17 જુલાઈએ જ અહીં તમે રોમાન્સથી ભરપૂર ‘ડિઝાયર’ જોઈ શકશો અને 17 જુલાઈએ જ તમને ‘હાર્ટ સ્ટોપર ફોરેવર’ જોવા મળશે. જેમાં મુખ્ય કલાકારો નીક નેલ્સન અને ચાર્લી સ્પ્રિંગ છે.

એમેઝોન પ્રાઈમ વીડિયો: અહીં 19 જુલાઈથી ‘ફેમિલી મેન સીઝન-થ્રી’નું પુન: પ્રસારણ જોઈ શકાશે. એમેઝોનની આ સફળ સીરિઝમાં મુખ્ય ભૂમિકા મનોજ બાજપાઈ, શારીબ હાશમી, આશ્ર્લેષા ઠાકુર, જયદીપ અહલાવત, પ્રિયામણિ, દર્શનકુમાર, ગુલ પનાગ, સીમા બિસ્વાસ અને જુગલ હંસરાજની છે.

જિયો હોટસ્ટાર: અહીં 24 જુલાઈએ ‘કેરી ઓન’ નામની હિન્દી ફિલ્મ જોવા મળશે. આ સિવાય તેનાં નિયમિત શો પણ જોવા મળશે.