અમદાવાદઃ શહેરમાં સતત ત્રીજા દિવસે દીપડો દેખાતાં ફફડાટ ફેલાયો હતો. આ વખતે દીપડો શરણદીપ સોસાયટીની બાજુમાં ગ્રીનફિલ્ડ સોસાયટીમાં દેખાયો હતો. જે બાદ ત્રણેય દીપડા એક છે તેવી ચર્ચા શરૂ થઈ હતી.
મળતી વિગત પ્રમાણે, શરણદીપ સોસાયટીની બાજુમાં આવેલી ગ્રીનફિલ્ડ સોસાયટીમાં વહેલી સવારે મોર્નિંગ વોકમાં નીકળેલા લોકોએ એક ગાડી નીચેથી દીપડા જેવા જનાવરને નીકળતાં જોયું હતું. બે દિવસ પહેલાં જ્યાં દીપડો દેખાયો હતો, બરાબર ત્યાં જ તે આજે ફરીથી જોવા મળ્યો હતો. વન વિભાગની ટુકડીઓ વિસ્તારમાં તૈનાત હોવા છતાં દીપડો હજુ સુધી પકડાયો નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ, સોસાયટી આગળના ગેરેજમાં કામ કરતા એક વ્યક્તિ સવારે ત્યાંથી પસાર થતા હતા ત્યારે ગાડી નીચે જોઈને કૂતરું સતત ભસી રહ્યું હતું. તેમણે શંકા જતાં ગાડી નીચે પથ્થર માર્યો, તો તેમાંથી દીપડાના બચ્ચા જેવું એક જનાવર બહાર નીકળીને ભાગ્યું હતું. બાદમાં સીસીટીવી તપાસતાં પણ આ બાબતની પુષ્ટિ થઈ હતી. જે બાદ વન વિભાગને જાણ કરવામાં આવી હતી. વન વિભાગના મતે પ્રાથમિક દ્રષ્ટિએ આ દીપડાનું નાનું બચ્ચું હોવાનું જણાય છે અને હાલ તેને પકડવા માટે વિસ્તારમાં તપાસ તેજ કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે શહેરના ઘુમા-શેલા વિસ્તારમાં એક દીપડો ભટકતો જોવા મળ્યાના એક દિવસ પછી, સોમવારે મોડી રાત્રે ઝુંડાલ-ચાંદખેડા વિસ્તારમાંથી બીજો એક દીપડો જોવા મળ્યો હતો. બન્ને સ્થળો એકબીજાથી 25 કિલોમીટર જેટલા દૂર છે વનવિભાગે શેલા-બોપલ-ઘુમા વિસ્તારમાં પાંજરા મૂકી દીપડાને પકડવાના તમામ પ્રયત્નો ચાલુ રાખ્યા હતા.
સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, ઝુંડાલથી ચાંદખેડા તરફ જતી વખતે માધવ હોમ્સ નજીક રાત્રે 2 વાગ્યાની આસપાસ દીપડો જોવા મળ્યો હતો. રસ્તાની બાજુમાં આવેલા કાફે પાસે હાજર લોકોએ દાવો કર્યો હતો કે તેમણે ફોટો પાડ્યો હતો અને તે તસવીર વન વિભાગ સાથે શેર કરી હતી.
અગાઉ, 19 જુલાઈના રોજ સવારે ૨ વાગ્યે શેલામાં શરણદીપ મેન્શન સોસાયટીમાં એક દીપડો જોવા મળ્યો હતો. સીસીટીવી ફૂટેજમાં દીપડો દિવાલ કૂદીને બંગલામાં ઘૂસી ગયો હતો અને પછી રખડતા શ્વાનોએ તેને ભગાડ્યો હતો, જેના કારણે શેલા, ઘુમા અને બોપલના રહેવાસીઓમાં ગભરાટ ફેલાયો હતો.
20 જુલાઈના રોજ, વન વિભાગે શેલા-ઘુમા અને તેની આસપાસ દિવસભર શોધખોળ અભિયાન ચલાવ્યું હતું પરંતુ દીપડો મળ્યો ન હતો. વન અધિકારીઓએ જણાવ્યું હતું કે નર દીપડા એક જ રાતમાં 5 કિમીથી 50 કિમી સુધીનું અંતર કાપવામાં સક્ષમ છે અને માને છે કે દીપડો પહેલાથી જ આ વિસ્તારમાંથી બહાર નીકળી ગયું હશે. સાવચેતી તરીકે, પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા અને જાહેર સલામતી માટે આગામી અઠવાડિયા સુધી સર્વેલન્સ કેમેરા, પાંજરા અને ફિલ્ડ ટીમ તહેનાત રહેશે.