Fri May 01 2026

Logo

લલિત મોદી કહે છે, `હું આઇપીએલનો ચૅરમૅન હોત તો મેં લખનઊની ટીમના માલિક સંજીવ ગોયેન્કાને...'

2026-04-03 16:29:44
Author: Ajay Motiwala
Article Image

લખનઊઃ લખનઊ સુપર જાયન્ટ્સ (એલએસજી)ના માલિક સંજીવ ગોયેન્કા બે વર્ષ પહેલાં ટીમના એ સમયના કૅપ્ટન કે. એલ. રાહુલ પર સ્ટેડિયમમાં જાહેરમાં ગુસ્સે થયા હોવાનો વીડિયો અને ફોટા વાઇરલ થયા ત્યાર બાદ ગયા વર્ષે તેમ જ આ વખતે સુકાની રિષભ પંત પર પણ ક્રોધે ભરાયા હોવાની ચર્ચા વચ્ચે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)ના ભૂતપૂર્વ કમિશનર લલિત મોદીએ લંડનથી સોશ્યલ મીડિયામાં જણાવ્યું છે કે આઇપીએલમાં ગોયેન્કા પર પ્રતિબંધ જ મૂકી દેવો જોઈએ.

બુધવારે દિલ્હી કૅપિટલ્સ સામે કૅપ્ટન પંત ફક્ત સાત રનના પોતાના સ્કોર પર વિચિત્ર સંજોગોમાં રનઆઉટ થઈ ગયો ત્યાર બાદ લખનઊની ટીમની સમયાંતરે વિકેટ પડતી રહી હતી અને આ ટીમ માત્ર 141 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. ત્યાર પછી અક્ષર પટેલના નેતૃત્વમાં દિલ્હીની ટીમે એક તબક્કે પાવરપ્લેની ઓવર્સમાં ફક્ત 26 રનમાં ચાર વિકેટ ગુમાવી દીધી ત્યાર પછી સમીર રિઝવી (અણનમ 70) અને ટ્રિસ્ટેન સ્ટબ્સ (અણનમ 39)ની જોડીએ 119 રનની ભાગીદારીથી દિલ્હીને 18મી ઓવરમાં વિજય અપાવી દીધો હતો અને લખનઊના હાથમાં આવેલી બાજી છીનવાઈ ગઈ હતી.

આ મૅચ બાદ ગોયેન્કા કૅપ્ટન પંત તેમ જ કોચ જસ્ટિન લૅન્ગર સાથે વાતચીત કરી રહેલા જોવા મળ્યા હતા. સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયો-ફોટો મુજબ ગોયેન્કા ટીમ મૅનેજમેન્ટ પર ગુસ્સે હતા. જોકે આ વીડિયો અને ફોટો પરથી પ્રતિક્રિયા સ્પષ્ટ નહોતી થતી.

લલિત મોદી (Lalit Modi)એ `એક્સ' પરની પોસ્ટમાં લખ્યું છે, `મેં અગાઉ કહ્યું જ હતું કે લખનઊની ટીમના માલિક ડૉ. સંજીવ ગોયેન્કા લુઝર અને જોકર છે. તેમનું આવું વર્તન જોઈને મારું માથું શરમથી ઝૂકી જાય છે. મેં ક્રિકેટચાહકો અને ખેલાડીઓ માટે આઇપીએલનું સર્જન કર્યું હતું, તેમનું આવું વર્તન વારંવાર, દર વર્ષે જોવા મળી રહ્યું છે. હું જો હજી પણ આઇપીએલનો ચૅરમૅન અને કમિશનર હોત તો મેં તાબડતોબ આઇપીએલમાં ગોયેન્કા (Goenka) પર પ્રતિબંધ (Ban) મૂકી દીધો હોત અને કાયમ માટે તેમની પાસેથી ફ્રૅન્ચાઇઝીની માલિકી પાછી લઈ લીધી હોત. તેઓ ઉદ્ધત અને બીજા કરતાં પોતાને કંઈક વિશેષ માનનારી વ્યક્તિ છે. (તેમની સામે પગલું લેવા સંબંધમાં) બીસીસીઆઇમાં ફ્રૅન્ચાઇઝીઓ સાથેના કરારમાં એક કલમ છે જ અને એનો અમલ કરવો જોઈએ. તેમની પાસે (ટીમના માલિક તરીકેની) સત્તા ભલે હોય, પણ તેમના વર્તનને હળવાશથી ન લેવું જોઈએ. ફૅન્સ અને પ્લેયર્સ બધુ યાદ રાખતા હોય છે.'

ખરેખર તો લલિત મોદીની આ પોસ્ટ ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ કૅપ્ટન માઇકલ વૉનની ટિપ્પણી પરની પ્રતિક્રિયાના રૂપમાં હતી. માઇકલ વૉને ગોયેન્કાના કથિત વર્તન બાબતમાં `એક્સ' પર જણાવ્યું હતું કે `હજી તો ટૂર્નામેન્ટમાં (લખનઊની) એક જ મૅચ થઈ છે...આવું (વર્તન) કરવાની જરૂર નથી.'

જોકે લખનઊના ફ્રૅન્ચાઇઝીએ `એક્સ' પર એક વીડિયો મૂકીને એ ખુલાસો કરવાની કોશિશ કરી હતી કે રિષભ પંત અને ગોયેન્કા વચ્ચે બધુ ઠીક ચાલી રહ્યું છે અને મૅચ પછી ગોયેન્કા ક્રોધે ભરાયા હોવાની વાતો માત્ર અટકળ છે. આ વીડિયોમાં પંત મેદાનની બહાર આવ્યો ત્યારે ગોયેન્કાએ ઉત્સાહપૂર્વક `હાઇ-ફાઇવ'થી તેનું સ્વાગત કર્યું હતું અને પંત તેમ જ લૅન્ગરે ગોયેન્કા સાથે હસીને ઘણી વાતો કરી હતી.