Sun Jun 07 2026

Logo

કવર સ્ટોરી: ગંદા હૈ પર ધંધા  હૈ...!

2026-06-07 09:00:00
Author: Vijay Vyas
Article Image

 

 

 

IPL ટૂર્નામેન્ટ હમણાં પૂરી થઈ, પણ આ મેગા ઈવેન્ટના જનેતા જેવા લલિત મોદી ફરી સમાચારમાં ગાજ્યા છે. IPL જેમના જમાનામાં ડ્રગ્સ-સેકસ જેવી અય્યાશીનો અડ્ડો બની ગયું હતું એ લલિત મોદી કહે છે કે દાઉદ ઈબ્રાહીમને કારણે એણે ક્રિકેટ અને દેશ છોડવા પડ્યા. આ વાતમાં તથ્ય કેટલું .... શું કહે છે આ મિસ્ટર મોદીની કર્મ- કુંડળી...? 

 

- વિજય વ્યાસ

 

લલિત  મોદી, દાઉદ ઈબ્રાહીમ

 

ભારત છોડીને યુકે ભાગી ગયેલા ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના ભૂતપૂર્વ ચેરમેન લલિત મોદીએ એક ન્યૂઝ એજન્સીને આપેલા ઈન્ટરવ્યૂમાં હાસ્યાસ્પદ દાવો કર્યો છે કે, દાઉદ ઈબ્રાહીમના કારણે પોતે ક્રિકેટના વહીવટથી દૂર થવું પડ્યું છે.... IPLમાં ફિક્સિંગ સામે પોતે બાંયો ચડાવી તેથી અકળાયેલા દાઉદે મારા પર ફાયરિંગ કરાવેલુ ને મારા દીકરાનું અપહરણ પણ કરાવેલું. દાઉદના એક ખાસ આદમી બાબાએ પોતાને સટ્ટાબજારમાં સામેલ કરવાની કોશિશ કરી હતી પણ પોતે ના માનતાં પરિવારને ટાર્ગેટ કરવા માંડયો હતો ડી-ગેંગે... દાઉદ પોતાના પરિવારને પતાવી દેશે એ ડરે પોતે સ્વૈચ્છિક રીતે ક્રિકેટના કારભારથી અળગા થઈ ગયા છે એવો દાવો કરીને લલિત મોદી ફરી એકવાર ગરમ ચર્ચામાં આવી ગયા છે.

 

ક્રિકેટ બજારના જાણભેદુઓ કહે છે કે લલિત મોદીના આવા દાવા માત્ર બકવાસ જ નહીં, હાસ્યાસ્પદ પણ છે. લલિત મોદી દાઉદના કારણે નહીં, પણ પોતાનાં અપલખ્ખણોના કારણે ક્રિકેટથી દૂર થયા છે. 2008માં ઈન્ડિયન પ્રીમિયર લીગ શરૂ થઈ ત્યારે મોદી તેના પહેલા ચેરમેન હતા, પણ લલિત મોદીને ક્રિકેટના ભલામાં રસ નહોતો. એને તો ક્રિકેટના નામે ચરી ખાવામાં રસ હતો તેથી IPLને ભ્રષ્ટાચાર અને અય્યાશીનો અડ્ડો બનાવી દીધો હતો. શરૂઆતનાં વરસોમાં IPLમાં આફ્ટર-મેચ પાર્ટીઓ થતી. આ પાર્ટીઓમાં શરાબ, શબાબની રેલમછેલ થતી અને ડ્રગ્સના ડાયરા થતા. આ પાર્ટીઓમાં આવતા ક્રિકેટરો, ક્રિકેટના કારભારીઓ, ધનિકો, ફિલ્મ સ્ટાર્સ ને બીજી સેલિબ્રિટીઝની હવસ સંતોષવા માટે મોડલો, ટીવી -ફિલ્મ એક્ટ્રેસ વગેરેને મોડી રાત્રે શરૂ થતી પાર્ટીઓમાં બોલાવાતી, એસ્કોર્ટ્સ ગર્લ્સ ને કોલગર્લની પણ અહીં હાજરી રહેતી.

 

 મેચ ફિક્સરો ને સટોડિયાઓ પણ પાર્ટીઓમાં આવતા ને ક્રિકેટરો સાથે મળીને ફિક્સિંગના ખેલ માંડતા. લલિત મોદીના આશીર્વાદથી આ બધા જાકુબાની ધંધા ચાલતા. મનોરંજન જગતમાં પગ જમાવવા મથી રહેલી યુવતીઓને એક-એક રાતના લાખ-લાખ રૂપિયા અપાતા તેથી આ પાર્ટીઓમાં આવનારી છોકરીઓ પૈસા કમાતી ને મજા પણ કરતી. આ ધંધા સામે કેટલીક ચિયર લીડર્સને વાંધો હતો. તેમણે આ પાર્ટીઓની વિગતો જાહેર કરી તેમાં લલિત મોદીનો ભાંડો ફૂટી ગયો પછી આફ્ટર-મેચ પાર્ટીઓ બંધ કરી દેવી પડેલી.

 

IPLની પહેલી સિઝન સુપરહિટ નીવડી પછી રહી ગયેલી કોર્પોરેટ ગ્રૂપોની કંપની IPLમાં ટીમો લેવા માટે પડાપડી કરવા માંડેલા. 2009માં લોકસભાની ચૂંટણીના કારણે IPLની બીજી સિઝન દક્ષિણ આફ્રિકામાં રમાડવી પડી. તેના કારણે IPL વૈશ્વિક સ્તરે જાણીતી થઈ ગઈ. મોદીએ તેનો લાભ પોતાના ઈમેજ બિલ્ડિંગ માટે કરવા માંડ્યો. ચાપલૂસ મીડિયા લલિત મોદીની સરખામણી ફોર્મ્યુલા વન પ્રમોટર બર્ની એક્લેસ્ટોન અને બોક્સિંગ પ્રમોટર ડોન કિંગ સાથે કરવા માંડેલું. માઈક એથર્ટન સહિતના ક્રિકેટરો લલિત મોદીને  ‘વિશ્વનો મહાનતમ સ્પોર્ટ્સ એડમિનિસ્ટ્રેટર’ ગણાવતા તેથી લલિત મોદી હવામાં ઉડવા માંડેલો. મોદીએ IPL પોતાના બાપની પેઢી હોય એ પ્રકારનું વર્તન કરવા માંડ્યું અને અમુક કંપનીના લાભાર્થે ટેન્ડરના નિયમો બનાવવામાં  આવ્યા. 

 

લલિત મોદીની આવી આપખુદીના કારણે ચેન્નાઈ સુપર કિંગ્સના માલિક શ્રીનિવાસન ભડક્યા ને જંગ શરૂ થયો. હવામાં ઉડતા લલિત મોદીએ શ્રીનિવાસનને ગણકાર્યા નહીં એ સૌથી મોટી ભૂલ હતી ને તેનું પરિણામ મોદીના પતનમાં આવ્યું. દર-મિયાનમાં કોચી ટસ્કરની માલિકી શશિ થરૂરની હોવાનો વિવાદ પણ શરૂ થયો. શશિ થરૂરની ‘50 કરોડની ગર્લફ્રેન્ડ; સુનંદા પુષ્કર’ના રોકાણને કારણે થરૂરે કેન્દ્રીય મંત્રીમંડળમાંથી રાજીનામું આપવું પડ્યું તેથી થરૂરે પણ લલિત મોદી સામે મોરચો માંડ્યો. થરૂર અને શ્રીનિવાસને હાથ મિલાવ્યા અને તેમના ઈશારે ‘બીસીસીઆઈ’ ને ફરિયાદો પહોંચવા માંડી. એ પછી ક્રિકેટ બોર્ડ- બીસીસીઆઈએ મોદી સામે 22 આરોપ મૂકીને સસ્પેન્ડ કરી દીધેલા. મોદી સામે ગવર્નિંગ કાઉન્સિલને બાયપાસ કરીને મનમાન્યા નિર્ણયો લેવા, યોગ્ય પ્રક્રિયાઓનું પાલન ન કરવું, બિડમાં ગોટાળા કરવા, મિત્રોને કોન્ટ્રાક્ટ આપવા, પ્રસારણ સોદા માટે લાંચ સ્વીકારવી, પરિવારના સભ્યોને ફ્રેન્ચાઇઝી વેચવી, સટ્ટાબાજી અને મની લોન્ડરિંગ સહિતના ગંભીર આક્ષેપો થયા અને સસ્પેન્ડ થયા પછી મોદી લંડન ભાગી ગયો અને કેન્સરગ્રસ્ત પત્ની મીનલના પરિવાર સાથે રહેવા લાગ્યા. 

 

બાકી બોર્ડની તપાસમાં બહાર આવેલી વિગતો ચોંકાવનારી હતી. મોદીએ ઈંઙકમાંથી પરિવાર અને મિત્રોને અબજોનો ફાયદો કરાવેલો. એ બધી વિગતોનું અહીં પુનરાવર્તન કરવાનો અર્થ નથી, પણ સો વાતની એક વાત કે  લલિત મોદી સામેની તપાસમાં બહાર આવેલી બધી જ વિગતોને સત્તાવાર રીતે ક્રિકેટ બોર્ડે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ને તપાસ કરવા વિનંતી કરી પછી તો તપાસમાં પોતે ભેરવાઈ જશે એવું લલિત મોદીને લાગ્યું એટલે યુકે જ ઠરીઠામ થઈ ગયો ને કદી ભારત પાછો આવ્યો જ નહીં.

 

પત્નીના અવસાન પછી ભૂતપૂર્વ મિસ યુનિવર્સ સુષ્મિતા સેન સાથે એની કહેવાતી અફેર પણ થોડો સમય ગાજી હતી. લંડનમાં પુત્ર રુચિર અને પુત્રી આલિયા સાથે રહેતો લલિત મોદી આજે અય્યાશીની જિંદગી જીવે છે. વચ્ચે વચ્ચે મીડિયામાં તેની અય્યાશીના પુરાવા જેવી તસવીરો ને વીડિયો આવ્યા કરે છે. એણે તાજેતરમાં એવો પણ દાવો કર્યો છે કે ‘હું તો અઠવાડિયામાં દસ-બાર કરોડ રૂપિયા વાપરી નાખું છું !’ એની આવક વિશે પત્રકારોએ પૂછયું ત્યારે લલિત મોદીએ બડાઈ હાંકતા ટોનમાં એવો જવાબ આપ્યો કે ‘લોકો સોનાની ચમચી સાથે જન્મે, પણ હું તો હીરા જડેલી ચમચી સાથે જન્મ્યો છું!’ 

 

બાકી પોતે જુવાનીમાં ડ્રગ્સના કેસમાં જેલભેગા થયેલો એવા લલિત મોદીનો અત્યાર સુધીનો આ ઈતિહાસમાં  ક્યાંય દાઉદ ઈબ્રાહીમ કે બીજું કોઈ ગેંગસ્ટરનું નામ આવતું નથી. પોતાનાં પાપ છુપાવવા જ એ દાઉદ પર દોષનો ટોપલો ઢોળી રહ્યો છે એવું સ્પષ્ટ લાગી રહ્યું છે.