Mon Aug 17 2026

Logo

રૂપિયા ડબલ કરવાની લાલચમાં મહિલાએ 35 લાખ ગુમાવ્યા, કચ્છ પોલીસે માત્ર 3 દિવસમાં રકમ પરત અપાવી

2026-08-13 12:12:00
Author: Mumbai Samachar Team
Article Image

ભુજ: રાજ્યમાં ફ્રોડ અને છેતરપિંડીની ઘટનાઓ વધી રહી છે, તેની સામે પોલીસ દ્વારા પણ સારી એવી કામગીરી કરવામાં આવે છે. અનેક એવા દાખલા છે જેમાં છેતરપિંડીનો ભોગ બનેલા વ્યક્તિને પોલીસે ગણતરીના દિવસોમાં રૂપિયા પરત અપાવ્યાં છે. આવી જ એક ઘટના કચ્છના મુંદરા ખાતેથી પ્રકાશમાં આવી છે. 

પોલીસે માત્ર ત્રણ દિવસમાં 35 લાખ રૂપિયા પરત અપાવ્યાં

કચ્છના બંદરીય મુંદરામાં ‘કેડી એન્ટરપ્રાઈઝ’ નામની કંપની દ્વારા મહિલા અને અન્ય રોકાણકારો સાથે આચરાયેલી રૂપિયા 35 લાખથી વધુની છેતરપિંડીના મામલે ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીની દખલગીરી અને પશ્ચિમ કચ્છ પોલીસની ત્વરિત કામગીરીથી માત્ર ત્રણ દિવસમાં જ પૂરેપૂરી રકમ પરત અપાવવામાં આવી છે.

ગૃહ રાજ્ય પ્રધાનના આદેશથી સત્વરે કાર્યવાહી થઈ

બનાવની વિગતે વાત કરવામાં આવે તો, આશાબેન સિદ્ધપુરા નામના મહિલા અને અન્ય લોકોએ નાણાં બમણા કરવાની લાલચમાં કંપનીમાં રોકાણ કર્યું હતું. મુદ્દત પૂરી થવા છતાં નાણાં પરત ન મળતાં આશાબેને ગાંધીનગર ખાતે યોજાયેલા લોકસંવાદ કાર્યક્રમમાં ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી સમક્ષ રજૂઆત કરી હતી.

 

નોંધનીય છે કે, ગૃહ રાજ્ય પ્રધાનના આદેશ બાદ પશ્ચિમ કચ્છ એસપી વિકાસ સુંડાના માર્ગદર્શન હેઠળ એલસીબી અને સ્થાનિક પોલીસે 'તેરા તુઝકો અર્પણ' અભિયાન અંતર્ગત તપાસ હાથ ધરી હતી. પોલીસની સઘન કામગીરીના પરિણામે રજૂઆતના ગણતરીના ત્રણ જ દિવસમાં રૂપિયા 35 લાખથી વધુની રકમ સલામત રીતે પરત અપાવવામાં આવી હતી. જીવનભરની કમાણીની રકમ પરત મળતાં મહિલાએ સરકાર અને પોલીસ તંત્રનો આભાર વ્યક્ત કર્યો હતો.

(ઉત્સવ વૈદ્ય)