ભુજ: કચ્છ જિલ્લા કોંગ્રેસ સમિતિની વિસ્તૃત કારોબારી બેઠક જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલની અધ્યક્ષતામાં ભુજની રાજગોર સમાજવાડી ખાતે યોજાઈ હતી. વંદે માતરમ ગાન અને દીપ પ્રાગટ્ય સાથે શરૂ થયેલી આ બેઠકમાં આગામી ૨૦૨૭ની વિધાનસભા ચૂંટણીના લક્ષ્યાંક સાથે પક્ષના સંગઠનને બૂથ, ગ્રામ્ય અને તાલુકા સ્તરે મજબૂત કરવાનો નિર્ણય લેવાયો હતો. આ તકે જિલ્લા પ્રમુખ વી.કે. હુંબલે શિસ્તભંગ કરનાર, સોશિયલ મીડિયામાં પક્ષવિરોધી ટિપ્પણી કરનાર કે હોદ્દા પર રહીને નિષ્ક્રિય રહેનારા સામે કડક હાકલપટ્ટી કરવાની સ્પષ્ટ ચેતવણી આપી હતી.
મંચસ્થ અગ્રણીઓએ પોતાના ઉદ્બોધનમાં વહીવટી તંત્ર અને સત્તાપક્ષ ભાજપની નીતિઓની આકરી ટીકા કરતા જણાવ્યું હતું કે, કાયદાની મર્યાદા બહાર કામ કરતી પોલીસ અને ધાર્મિક સ્થાનકો તોડવાની કામગીરી સામે કોંગ્રેસ કાનૂની તેમજ આંદોલનાત્મક લડાઈ લડશે. કાર્યક્રમ દરમિયાન જિલ્લા પંચાયત સભ્યો અને વિજેતા તથા ઉમેદવાર પ્રતિનિધિઓનું સાલ ઓઢાડીને બહુમાન કરવામાં આવ્યું હતું.
આ કારોબારીમાં કચ્છના પ્રજાકીય પ્રશ્નોને સ્પર્શતા ૧૧ અગત્યના ઠરાવો સર્વાનુમતે પસાર કરાયા હતા. જેમાં ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા, ધાર્મિક દબાણો હટાવવાની નીતિનો વિરોધ કરવા, શહેરી વિસ્તારોમાં પાયાની સુવિધાઓ સુધારવા, ખેતરોમાંથી પસાર થતી વીજ લાઈનો માટે બજાર કિંમતથી ચાર ગણું વળતર આપવા અને ૪ જુલાઈના ખેડૂત વિરોધી પરિપત્રનો વિરોધ કરવાનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત નર્મદાના પાણીનો પુરવઠો વધારવા, ખેડૂતોને ૧૦ કલાક વીજળી આપવા, નીટ પેપર લીક મુદ્દે કડક કાયદો બનાવવા, સરકારી હોસ્પિટલોમાં તબીબોની ખાલી જગ્યાઓ ભરવા, શાળાઓમાં સ્થાનિક બેરોજગારોની ભરતી કરી શિક્ષકોની અછત દૂર કરવા, ગેરકાયદે ખનન અટકાવવા અને સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર ડામવા માંગ કરવામાં આવી હતી.
(ઉત્સવ વૈદ્ય)