નિશા સંઘવી
ધારો કે ડૉક્ટર તમને એક જટિલ ઓપરેશન માટે રોબોટિક સર્જરીની સલાહ આપે છે નાના ચીરા, ઓછું લોહી વહેવું, ચેપનું ઓછું જોખમ અને બે-ત્રણ દિવસમાં ઘરે પરત... આવા બધા વિકલ્પ આકર્ષક લાગે છે, પરંતુ અંદાજિત બિલ જોઈને પ્રશ્ન થાય: શું મારી આરોગ્ય વીમા કંપની આ ખર્ચ ચૂકવશે? ભારતમાં રોબોટિક સર્જરીનો ખર્ચ સામાન્ય રીતે ₹1.7 લાખથી ₹4.75 લાખ જેટલો હોય છે, જે પરંપરાગત લેપ્રોસ્કોપિક સર્જરી કરતાં નોંધનીય રીતે વધારે છે... તો ચાલો, સમજીએ કે આ પ્રકારની વીમા કવરેજની વાસ્તવિકતા શું છે.
રોબોટિક સર્જરી એટલે શું?
રોબોટિક સર્જરીમાં સર્જન ક્ધસોલ પર બેસીને રોબોટિક હાથ (આર્મ્સ) દ્વારા ઓપરેશન કરે છે. નાના છિદ્રો દ્વારા કેમેરા અને સૂક્ષ્મ સાધનો શરીરમાં દાખલ થાય છે, જેથી વધુ ચોકસાઈ અને નિયંત્રણ મળે છે. યુરોલોજી, ગાયનેકોલોજી, કેન્સર સર્જરી, હૃદયની સર્જરી અને ઘૂંટણ-થાપાના રિપ્લેસમેન્ટમાં આ ટેક્નિકનો ઉપયોગ વધી રહ્યો છે. ઓછું લોહી વહેવું, ચેપનું ઘટેલું જોખમ, હૉસ્પિટલમાં ઓછું રોકાણ અને ઝડપી રિકવરી... આ બધા તેના મુખ્ય ફાયદા છે.
આના માટે શું વીમો કવર આપે છે?
હા. વર્ષ 2019માં IRDAIએ તમામ વીમા કંપનીઓને ‘મોડર્ન ટ્રીટમેન્ટ બેનિફિટ’ હેઠળ રોબોટિક સર્જરી ફરજિયાત આવરી લેવાનો નિર્દેશ આપ્યો હતો, જેને મે 2024ના માસ્ટર સર્ક્યુલરમાં વધુ મજબૂત બનાવાયો. હવે કોઈ વીમા કંપની માત્ર ‘સર્જરી રોબોટિક’ હતી એ કારણસર ક્લેમ નકારી શકતી નથી. કવરેજમાં હૉસ્પિટલાઇઝેશન, સર્જરી ફી, ડૉક્ટર અને નર્સિંગ ચાર્જ, ICU ખર્ચ તથા પ્રી અને પોસ્ટ-હૉસ્પિટલાઇઝેશન ખર્ચનો સમાવેશ થાય છે. કેટલીક કંપનીઓ એમ્બ્યુલન્સ ખર્ચ પણ આવરે છે. સર્જરી 24 કલાકના દાખલા સાથે થાય કે ડે-કેર પ્રક્રિયા તરીકે બંને સ્થિતિમાં કવરેજ મળે છે. જોકે કવર એટલે કે હંમેશાં સંપૂર્ણ ચૂકવણી નહીં. અહીં જ મોટાભાગના પોલિસીધારકો અટવાય છે. ધ્યાનમાં રાખવા જેવી બાબત જેમકે...
સબ-લિમિટ:
ઘણી પોલિસી રોબોટિક સર્જરી માટે વીમા રકમના ચોક્કસ ટકા કે નિશ્ર્ચિત રકમની મર્યાદા રાખે છે. ઉદાહરણ તરીકે, ₹10 લાખની વીમા રકમ હોવા છતાં કેટલીક જૂની પોલિસી રોબોટિક સર્જરી માટે માત્ર ₹3 લાખ સુધી જ ચૂકવે છે. કેટલીક કંપનીઓ બિલના માત્ર ‘રોબોટિક’ હિસ્સા માટે મર્યાદિત ચૂકવણી કરી બાકીનું બિલ પરંપરાગત સર્જરીના દરે ગણે છે.
તબીબી જરૂરિયાત:
રોબોટિક સર્જરીની ભલામણ તાલીમ પામેલા સર્જને લેખિતમાં કરેલી હોવી જોઈએ. સર્જન પાસેથી ‘મેડિકલ નેસેસિટી લેટર’ લેવો જેમાં તમારા કેસ માટે રોબોટિક ટેક્નિક કેમ જરૂરી છે તે સ્પષ્ટ હોય ક્લેમ સમયે સૌથી મજબૂત આધાર બને છે.
વેઇટિંગ પિરિયડ:
પ્રારંભિક 30 દિવસ ઉપરાંત, જે બીમારી માટે સર્જરી થાય છે તેનો રોગ-વિશિષ્ટ વેઇટિંગ પિરિયડ લાગુ પડે છે, જેમ કે, ઘૂંટણ રિપ્લેસમેન્ટ માટે સામાન્ય રીતે બે થી ચાર વર્ષની રાહ જોવી પડે છે. વળી, પોલિસી ખરીદતી વખતે પહેલેથી હાજર બીમારી જાહેર કરવી અનિવાર્ય છે છુપાવેલી બીમારી બહાર આવે તો વીમા કંપની આખો ક્લેમ નકારી શકે છે.
રૂમ રેન્ટ અને કન્ઝ્યુમેબલ્સ:
પોલિસીમાં રૂમ રેન્ટની મર્યાદા હોય અને તમે મોંઘો રૂમ પસંદ કરો, તો પ્રપોર્શનેટ ડિડક્શનના નિયમથી આખા ક્લેમમાં કાપ આવે છે. વળી, રોબોટિક સાધનો બિલમાં ‘ક્ધઝ્યુમેબલ્સ’ તરીકે દર્શાવાય છે, જે ઘણી જૂની પોલિસીમાં કવર થતાં નથી.
પ્રી-ઓથોરાઇઝેશન:
આયોજિત સર્જરી હોય તો ઓછામાં ઓછા 48થી 72 કલાક પહેલાં વીમા કંપની પાસે પ્રી-ઓથોરાઇઝેશન કરાવો અને શક્ય હોય ત્યાં સુધી નેટવર્ક હૉસ્પિટલ પસંદ કરો, જેથી કેશલેસ સુવિધા મળે.
નિષ્કર્ષ
રોબોટિક સર્જરી આરોગ્ય વીમા હેઠળ ચોક્કસ આવરી લેવાય છે, પરંતુ કેટલી હદે તે તમારી પૉલિસીની શરતો પર આધારિત છે. નવી પૉલિસી ખરીદતી વખતે એવો પ્લાન પસંદ કરો જેમાં આધુનિક સારવાર માટે સબ-લિમિટ ન હોય અથવા ઓછામાં ઓછી હોય. હાલની પૉલિસી હોય તો દસ્તાવેજમાં ‘મોડર્ન ટ્રીટમેન્ટ’ કલેમ, રૂમ રેન્ટ મર્યાદા અને ક્ધઝયુમેબલ્સ કવરેજ ચકાસી લો.
ટેક્નોલોજી જેમ આગળ વધે છે તેમ સારવારના વિકલ્પો સુધરે છે યોગ્ય વીમા આયોજન સાથે તમે એ વિકલ્પોનો લાભ આર્થિક ચિંતા વિના લઈ શકો છો.