સુભાષ ઠાકર
‘તમારા સમ, આ તો સમાજનું મારા પર ઋણ છે એટલે બોલતો નથી, બાકી હૈયામાં વાગતા કેટલાક ઘા મારાથી સહન નથી થતા. તમે આજકાલમાં મળો તો મારા ચહેરા પર આઘાત-આશ્ચર્ય ને ગુસ્સો એવા થ્રી-ઇન-વન મિશ્ર હાવભાવ જોવા મળશે. આંખોમાં પૃથ્વીના ગોળામાં દેખાતી લાઈન જેવી લાલ ટસરો મારી આંખોમાં ફૂટેલી જોવા મળશે. હું જાણું છું કે સત્ય સરળ છે પણ એ બોલવું પડે ત્યારે બહુ કઠણ હોય છે. પણ ક્ષમા કરો કેટલાક સત્ય કઠણ બનીને પણ જણાવ્યા વગર છુટકો નથી.
એકદમ બોલ્ડ બોલું તો ઈશ્વરે આપણને માગ્યા વગર જ જન્મ આપવાની ભૂલ કરી. પછી એ શરીરમાં જન્મેલું મન દુધિયા દાંતથી માંડીને મોઢામાં ચોકઠુ આવ્યું ત્યાં સુધી અને મોતી જેવી આંખોમાં મોતિયો આવ્યો ત્યાં સુધી જુદી જુદી માગણીઓ કરી એનું લોહી પી જાય છે. ને એ માટે આપણે કેવો દાવ રમ્યા? મંદિરની મૂર્તિની પૂજા કરી. પછી આરતી તો એવી રીતે ફેરવી કે જાણે એમને ચીમકી આપતા હો : ‘પ્રભુ, મારું કામ કરે છે કે સળગાવી દઉં? આવી લુખ્ખી દાદાગીરી? તો એ બિચારો ગભરાઈ ન જાય? પછી તે જે અગરબત્તી પેટાવી એ બળીને સુવાસ આપવા લાગી પણ તું તો બીજાની સુવાસ જોઈ અંદરથી બળી ગયો. પૂજા પૂરી થતા જ માગણીઓનો વરસાદ શરૂ કર્યો. જેની પાસે ઓછું હતું એ મંદિરની બહાર ભીખ માગવા બેઠા ને જેને ઓછું પડ્યું એ મંદિરની અંદર માગવા લાગ્યા.
આપણે બધા એ ભૂલી જ ગયા કે મંદિર એ તો પ્રભુનો આભાર માનવાનું સ્થળ છે ને આપણે એને માગવાની ઓફિસ બનાવી દીધી. માગવાની ના નથી એક તો સાચો સાથી છે જેની પાસે દિલ ખોલીને મગાય. પણ આશ્ર્ચર્યની વાત એ છે કે આપણે બનાવેલી મૂર્તિ સામે આપણે જ માગવાનું? વોટ અ કોમિક ટ્રેજેડી. અલ્યા ભગત, મૂર્તિ જો માગેલું બધું આપતી હોત તો દુકાનદાર મૂર્તિ વેચે ખરો? અને આપણી માગણીઓ ક્યાં ઓછી છે.
પદ, પૈસો, નામના, સંપત્તિ, વૈભવ, બંગલા, ગાડી, ફલાણું ઢીકણું... આખી યાદી જો પ્રભુ વાંચવા બેસે તો તેને પણ આંખમાં મોતિયો આવી જાય ને એ બધા વિશે વિચારવા બેસે તો બ્રેન હેમરેજ થઇ જાય. એ અંદરથી મુંઝાતો જાય, અકળાતો જાય, થાકી જાય, પાકી જાય, ત્રાસી જાય મૂર્તિમાંથી નીકળી મંદિરની બહાર ભાગી જાય, ભડકી જાય, એની ખોપરી ફાટી જાય...’
‘અરે ચુ...ઉ...ઉ...ઉ...પ, હવે વધુ બોલ્યો તો અમારી ખોપરી ફાટી જશે.’ તમે ભડક્યા.
‘ન ફાટે વહાલા જરાય ન ફાટે, ખોપરી તો આપણું સૌથી મોટુ ભિક્ષાપાત્ર છે જે ક્યારેય ભરાતું નથી. બધુ ઓછું જ પડે છે. મોટુ લીસ્ટ વાંચી ઈશ્વરને પણ આપઘાત કરવાનું મન થાય ને કરે તો એનો આઘાત આપણાથી સહન ન થાય. આગળ પાછળની ખબર નથી પણ આપણે જીવીએ ત્યાં સુધી તો એ જીવવાનો જ. એટલે જો ન આપે તો ભડકીને કહી દેવાનું ‘જો ભાઈ ઈશ્વર, તારે આ બધું નહોતું આપવું તો જનમ પણ શું કામ આપ્યો? છે જવાબ?’
આજે પેટ છૂટી જ નઈ પણ આખી બોડી છૂટી વાત કરું તો મેં શંકરના મંદિરે જઈ આંખ બંધ કરી ગાયુ ‘મંગલ મંદિર ખોલો, દયામય મંગલ મંદિર ખોલો.’
ત્યાં તો અંદરની મૂર્તિને વાચા ફૂટી : ‘બકા, તે કોઈ દિવસ કોઈના માટે તારા ઘરના કે હૃદયના દ્વાર ખોલ્યા? ના. ને ? હું મારું મંગલ મંદિર ખોલું એના કરતા તું તારી આંખ ખોલ તો તને ખ્યાલ આવશે કે મારા મંદિરને દ્વાર જ નથી. બધાને વેલકમ’
ત્યાં તો હું મંદિરથી યુ ટર્ન લઇ ભાગવા લાગ્યો ત્યાં પાછળથી મારા કાને અવાજ અથડાયો : ‘હે વત્સ, કેમ ભાગ્યો? આજે કઈ માગવું નથી?’
‘ના ભાઈ ના. ખરું કઉં તો હું જે માગું ને એ તું આપી ન શકે તો કારણ વગરના આપણા સંબંધો ખરાબ થઇ જાય.
એના કરતા...’
‘હે અજ્ઞાની સુભાષ નામના જીવ, તું માગવા આવે છે એના કરતા કોઈવાર મળવા આવ, તો તને માગવાની જરૂર જ નઈ પડવા દઉ.’
‘અરે વાહ, મને અજ્ઞાની કહેનાર હે શંકર નામના ઈશ્વર, એવી કઈ વસ્તુ આપશો કે મને માગવાની જરૂર ન પડે. યુ નો? છેલ્લા ત્રણ મહિનાથી ‘લોટરી લગાડ... લોટરી લગાડ’ બોલી મારી જીભના છોતરા નીકળી ગયા પણ...’
‘અરે પણ તું પહેલા ટિકિટ તો લે. તારે ટિકિટ પણ લેવી નથી ને બધું મેળવી લેવું છે? ડોન્ટ ફિલ બેડ, પણ તે કોઈ દિવસ એ વિચાર્યું કે વરસાદની સીઝન છે તો ચાલો, પ્રભુ શંકર માટે છત્રી લઇ જઉં કે આખી જિંદગી હિમાલયમાં કાઢવાની છે તો સ્વેટર કે ઓઢવાનું લઈ જઉ. ને જેટલું ધ્યાન મંદિર કે નસીબ પર રાખે છે એટલું ધ્યાન પુરુષાર્થ પર રાખ્યું હોત તો મારા પાસે પણ ન માગવું પડે. સમજ્યો?’
‘એકદમ સાચું કઉં પ્રભુ? હું પોતે પણ આ જાળજંજાળથી થાકી ગયો છું તો પ્રભુ મને તો આવતા ભવે મોક્ષ જોઈએ છે.’
‘આવતા ભવે? અરે ઉપરની યાદીને હૃદયમાંથી ફાડીને ફેકી દે તો મોક્ષ આ ભવે જ મળે. યાદ રાખ મન માગવાનું માંડી વાળે તો મોક્ષ અહીં ને અત્યારે જ છે.’ શું ક્હો છો?