અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદનું જોર ભલે ઘટ્યું હોય પરંતુ આગામી બે થી ત્રણ દિવસમાં વરસાદનો વધુ એક ખતરનાક રાઉન્ડ શરૂ થશે. ગુજરાત પર અપર એર સર્ક્યુલેશન અને બે મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન, ડીપ ડિપ્રેશન અને સહિત કુલ પાંચ સિસ્ટમ સક્રિય છે. આ દરમિયાન રાજ્યના જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી જળતાંડવની આગાહી કરી છે. અંબાલાલ મુજબ, રાજ્યમાં 30 જુલાઈથી 3 ઓગસ્ટ સુધીમાં મેઘરાજા પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવી શકે છે અને ભારે વરસાદ ખાબકી શકે છે.
અંબાલાલે શું કરી છે આગાહી
અંબાલાલ પટેલની આગાહી અનુસાર, 30 જુલાઈથી 3 ઓગસ્ટ દરમિયાન મધ્ય, દક્ષિણ, ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેમાં ખાસ કરીને સુરત, નવસારી, વડોદરા, ખેડા, પંચમહાલ સહિત અનેક જિલ્લાઓમાં વરસાદનું જોર વધવાની શક્યતા છે. કેટલાક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ મુજબ બંગાળની ખાડીમાં સર્જાયેલું ડિપ્રેશન હવે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે. તેની અસર 30 જુલાઈથી ગુજરાતમાં જોવા મળશે. આ સિસ્ટમના કારણે રાજ્યમાં વરસાદનું પ્રમાણ ફરી વધશે અને અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને નદીઓના જળસ્તરમાં વધારો થવાની સંભાવના છે.
અંબાલાલ પટેલે ખેડૂતો માટે ચિંતાજનક વાત કરી હતી. તેમણે કહ્યું અષાઢ મહિનામાં થનારા ભારે વરસાદના કારણે ખેતરોમાં ઊભેલા તૈયાર પાકને નુકસાન થઈ શકે છે. આ ઉપરાંત ગુજરાતમાં પડનારા વરસાદ અંગે આગાહી કરતાં જણાવ્યું, બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય છે અને અરબી સમુદ્રમાંથી ભેજવાળા પવનો આવી રહ્યા છે. આ બે કારણો લીધે ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદ થવાની પૂરેપૂરી શક્યતા છે.
આ ઉપરાંત અંબાલાલે કહ્યું 5 થી 12 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ભારે કહેર વર્તાવી શકે છે, જેના કારણે તાપી નદીના જળસ્તરમાં મોટો વધારો થવાની અને કેટલાક ભાગોમાં ફરી જળબંબાકાર તેમજ પૂર જેવી સ્થિતિ સર્જાવાની પૂરેપૂરી શક્યતા છે. જ્યોતિષીય ગણતરી મુજબ 3 ઓગસ્ટથી આશ્લેષા નક્ષત્રની શરૂઆત થઈ રહી છે. જો આ નક્ષત્રમાં વરસાદ પડે તો ત્યારબાદ પણ ભારે વરસાદનો સિલસિલો ચાલુ રહી શકે છે.
હવામાન વિભાગે શું કરી છે આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, બંગાળની ખાડીમાં બનેલું ડિપ્રેશન ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું છે. જેની અસર 30 જુલાઈથી ગુજરાત ઉપર થશે.30 જુલાઈથી સતત ત્રણ દિવસ ફરી વરસાદનું જોર વધશે. જેના કારણે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ વરસશે. હવામાન વિભાગ દ્વારા આવતીકાલથી બે દિવસ નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે સુરત, નવસારી, વલસાડ, ભરૂચ, વડોદરા, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી, અને છોટાઉદેપુર સહિતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની સાથે યલો એલર્ટ જાહેર કરાયું છે. એક સાથે પાંચ સિસ્ટમો સક્રિય થતા સમગ્ર ગુજરાતમાં ફરીવાર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ શકે છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકના વરસાદી આંકડા
રાજ્યમાં છેલ્લા બે દિવસથી વરસાદનું જોર ઘટ્યું છે. રાજ્યના મોટાભાગના જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે, પરંતુ એક પણ જગ્યાએ ભારે વરસાદ પડ્યો નથી. રાજ્યમાં આજે સવારે 6 કલાકે પૂરા થયેલા 24 કલાક દરમિયાન 155 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ છોટાઉદેપુરના જેતપુર પાવીમાં 2.68 ઇંચ પડ્યો હતો. 130 તાલુકામાં એક ઇંચ સુધીનો વરસાદ વરસ્યો હતો.