Thu Sep 03 2026

Logo

ઇટલીનો 19 વર્ષનો કિમી ઍન્ટોનેલી બે અઠવાડિયામાં બીજી એફ-વન રેસ જીત્યો!

suzuka   2026-03-29 16:19:00
Author: Ajay Motiwala
ઇટલીનો 19 વર્ષનો કિમી ઍન્ટોનેલી બે અઠવાડિયામાં બીજી એફ-વન રેસ જીત્યો!

સુઝુકાઃ ઇટલીનો 19 વર્ષની ઉંમરનો કિમી ઍન્ટોનેલી બે અઠવાડિયામાં બીજી ફૉર્મ્યુલા-વન રેસ જીત્યો છે. બે સપ્તાહ પહેલાં તે ચીનની ગ્રાં પ્રિ જીત્યો હતો અને હવે રવિવારે તેણે જૅપનીઝ ગ્રાં પ્રિ (Japanese Grand Prix) જીતીને સનસનાટી મચાવી દીધી છે.

દિગ્ગજો કરતાં 13.7 સેકન્ડ વહેલો

જાપાનની આ સર્વોત્તમ કાર રેસમાં ચૅમ્પિયન રેસર ભાગ લઈ રહ્યા હતા અને તેમની વચ્ચે કિમી (kimi)એ જૅપનીઝ ગ્રાં પ્રિ એ બધાથી 13.7 સેકન્ડ વહેલી પૂરી કરીને સૌને ચોંકાવી દીધા હતા. કિમીએ આ રેસ એક કલાક, 28 મિનિટ અને 3.403 સેકન્ડમાં પૂરી કરી હતી.

પૉઇન્ટ્સમાં વિક્રમી સરસાઈ

ઑસ્ટ્રેલિયાનો 24 વર્ષીય ઑસ્કર પિઍસ્ટ્રી બીજા નંબરે, મૉનેગેસ્કનો 28 વર્ષીય ચાર્લ્સ લેકલર્ક ત્રીજા નંબરે અને બ્રિટનનો 28 વર્ષીય જ્યોર્જ રસેલ ચોથા નંબરે રહ્યો હતો. કિમી ઍન્ટોનેલી આ સીઝનમાં નાની-મોટી કુલ ત્રણ કાર-રેસ જીતીને 72 પૉઇન્ટ ધરાવે છે અને સીઝનના ડ્રાઇવર્સના પૉઇન્ટ્સ-ટેબલમાં અગ્રેસર તે સૌથી યુવાન લીડર છે.

20 વર્ષની કાર્ટ રેસર સાથે રિલેશનશિપમાં

કિમી ઍન્ટોનેલી બે અઠવાડિયા પહેલાં ચીનની રેસ જીતીને એફ-વનનો સેકન્ડ-યંગેસ્ટ વિજેતા બન્યો હતો. મૅક્સ વર્સ્ટેપ્પન 2016માં 18 વર્ષની ઉંમરે પહેલી વાર એફ-વન રેસ જીતીને યંગેસ્ટ ચૅમ્પિયન બન્યો હતો. કિમી ઍન્ટોનેલી ત્રણ વર્ષથી ચેક રિપબ્લિકની જાણીતી કાર્ટ રેસર એલિસ્કા બૅબીકોવા સાથે રિલેશનશિપમાં હોવાનું એક અહેવાલમાં જણાવાયું હતું.