Sun Jun 07 2026

Logo

ટૂંકુ ને ટચ: શું છે આ જોધપુર કૂલિંગ શેલ્ટર?

2026-06-07 09:44:00
Author: Rashmi Shukla
Article Image

 

 

 

- રશ્મિ શુકલ

 

દેશમાં ગરમીનો પારો સતત વધી રહ્યો છે. લોકો આ બળબળતા ઉનાળાથી તોબા પોકારી ઉઠ્યા છે. સૌ કોઈ ગરમીથી બચવા છાંયડો અને ઠંડી હવા શોધતા હોય છે. 

 

આપણે ઇલેક્ટ્રિક ઉપકરણોનાં ગુલામ બની ગયા છીએ. ઉનાળામાં તો સતત ઍર કન્ડિશન ચાલુ રાખીને વીજળીના બિલમાં આપણે વધારો કરીએ છીએ અને સાથે જ પ્રદૂષણ ફેલાવવામાં પણ ભાગીદાર બનીએ છીએ.  આપણાં દેશમાં સૌથી ગરમ રાજ્યોમાં રાજસ્થાન આવે છે. જ્યાં અતિશય ગરમી પડે છે એ વાતથી સૌ વાકેફ છે. એવામાં જોધપુરે એક સુંદર અને આવકાર્ય પહેલ કરી છે. ત્યાંના નગર નિગમ અને મહિલા હાઉઝિંગ ટ્રસ્ટે સાથે મળીને ‘કૂલિંગ શેલ્ટર’ની શરૂઆત કરી છે.  આ શેલ્ટરનું તાપમાન બહારના તાપમાન કરતાં 8 ડિગ્રી ઓછું રહે છે. એ પણ ઍર કન્ડિશન વગર. આ શેલ્ટર એ લોકો માટે આશિર્વાદ સમાન છે જેમની પાસે ગરમીનો સામનો કરવા સિવાય કોઈ પર્યાય નથી. આ સેવા ડિલિવરી રાઇડર્સ, મજૂરી કરનારાં, સ્ટ્રીટ વેન્ડર્સ, કલાકો સુધી આવા તપતા ઉનાળામાં બહાર ફરતા હોય અને સિનિયર સિટિઝન્સ માટે છે.

 

શેલ્ટરની ડિઝાઈન

 

આની સ્માર્ટ ડિઝાઈન પાછળ એનું સોલાર પેનલ, પાવર ફેન છે. સાથે જ એમાં ફુવારા પણ લાગેલા છે.

 

આ શેલ્ટર જમીનને ગરમ કર્યા વગર રૂમને ઠંડો કરે છે. 

 

આ શેલ્ટરની છતને સોલરથી ઢાંકવામાં આવ્યું છે. દીવાલો પર ખસના પરદા લગાવેલા છે, જેને કારણે હવા ઠંડી થઈને પસાર થાય છે. 

 

આ સિવાય છત પર લાગેલા વિન્ડ ટાવર ગરમ હવાને બહાર ફેંંકે છે. 

 

એને કારણે જ રૂમ અંદરથી શ્ર્વાસ લેવા લાયક અને રહેવા લાયક રહે છે.

 

આ કૂલિંગ શેલ્ટરને નગર નિગમ અને મહિલા હાઉઝિંગ ટ્રસ્ટે ગરમીને મ્હાત આપવાના આશય સાથે બનાવ્યું છે. આ એક માળખું નથી, પરંતુ આ એક લોકસેવા સમાન છે. જે ગરમીમાં થોડી રાહત આપે છે. અહીં 40થી 45 લોકો સરળતાથી બેસી શકે છે, આરામ કરી શકે છે અને ફરીથી તરોતાજા બની શકે છે. 

 

આ શેલ્ટરમાં ઠંડી હવાની સાથે ઠંડું પાણી, ઓઆરએસ અને ફર્સ્ટએડની પણ સુવિધા છે. 

 

દર વર્ષે ગરમી એનું વિકરાળ રૂપ ધરે છે. એવામાં આ કૂલિંગ શેલ્ટર સમયની માગ બની ગયું છે. આપણે ધરતીને વધુ ગરમ કર્યા વગર આવા કૂલિંગ શેલ્ટર બનાવીશું તો કુદરત અને માનવજાત બન્નેનું ભલું થશે.