બૉક્સિગં, રેસલિંગ, વેઇટલિફ્ટિંગમાં પ્રખ્યાત ઇરાનનો અલી દાઇ ફૂટબૉલ જગતમાં ત્રીજા નંબરનો શ્રેષ્ઠ ખેલાડી ગણાય છે
ફોકસ -અજય મોતીવાલા
*આંતરરાષ્ટ્રીય ફૂટબૉલમાં સૌથી વધુ ગોલ કરનારાઓમાં રોનાલ્ડો અને મેસી પછી ત્રીજા નંબરે ઇરાનનો અલી દાઈ (ડાબે) છે
*ઇરાનમાં ફૂટબૉલની રમત સૌથી લોકપ્રિય છે. પુરુષ ઉપરાંત મહિલાઓની ફૂટબૉલ ટીમ પણ લડાયક વૃત્તિ માટે જાણીતી છે
*કિમીયા અલીઝાદે 2016ની ઑલિમ્પિક્સમાં ટાયેકવૉન્ડોનો બ્રૉન્ઝ મેડલ જીતી હતી.
સમગ્ર વિશ્ર્વમાં શિયા મુસ્લિમોની બહુમતી ધરાવતો એકમાત્ર દેશ ઇરાન (ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઇરાન) હાલમાં અમેરિકા અને ઇઝરાયલ સાથેના યુદ્ધમાં અટવાઈ ગયો છે, પરંતુ રાજકીય ક્ષેત્રે અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક પ્રકારના દાવપેચ કરવા માટે મશહૂર પશ્ર્ચિમ એશિયાનો આ દેશ ઘણી રમતોમાં પણ નિપુણ છે એ વિશે ઘણા ઓછા લોકો જાણતા હશે. અહીં આ લેખમાં આપણે ઇરાનની યુદ્ધના રણમેદાન પરની તાકાત કે એને થયેલા નુકસાનની વાત નથી કરવાની, ઇરાનના કયા રમતવીરો અને વીરાંગનાઓ ખેલકૂદમાં ચમક્યા છે એના પર જ ધ્યાન કેન્દ્રીત કરવાનું છે.
જેમ ભારતમાં ક્રિકેટની રમત ધર્મની જેમ પૂજાય છે અને હૉકીને રાષ્ટ્રીય રમત માફક ગણવામાં આવે છે એવો જ કિસ્સો ઇરાનનો છે. ઇરાનમાં ફૂટબૉલની રમત સૌથી લોકપ્રિય છે, પણ ફ્રીસ્ટાઇલ રેસલિંગ (કુસ્તી) સત્તાવાર રીતે ઇરાનની રાષ્ટ્રીય રમત છે.
ઇરાનની વસતી 9.24 કરોડ છે. થોડા વર્ષોથી આ દેશ પર આર્થિક પ્રતિબંધો હોવાથી ખેલકૂદ માટે ઇરાનની સરકારે અંદાજપત્રમાં માત્ર 80 મિલિયન ડૉલર (વ્યક્તિદીઠ એક ડૉલર) ફાળવ્યા હતા. હવે તો ભીષણ યુદ્ધને લીધે ઇરાનમાં ભારે તારાજી થઈ છે એટલે ખેલકૂદ માટે દેશના શાસન તરફથી બહુ ઓછું ભંડોળ ફાળવવામાં આવશે એમાં બેમત નથી.
જે કંઈ હોય, પણ અહીં આપણે રમતગમતની બાબતમાં ઇરાન વિશેની કેટલીક રસપ્રદ વાતો પહેલાં જાણી લઈએ. એશિયન ગેમ્સ 1951ની સાલથી રમાય છે અને 1974માં ઇરાનનું તહેરાન શહેર આ રમતોત્સવનું આયોજન કરનાર પશ્ર્ચિમ એશિયાનું પ્રથમ શહેર બન્યું હતું. ઇરાનના સ્પોર્ટ્સપર્સન્સની તાકાત અને હિંમત જગતભરમાં મશહૂર છે. હાલમાં ઇરાની ફોજ અમેરિકા અને ઇઝરાયલને જે રીતે લડત આપી રહી છે એવી જ લડત માટે ઇરાનના ઍથ્લીટો અને ખેલાડીઓ જાણીતા છે. પર્શિયન ઇરાનની ભાષા છે અને ઝોરાષ્ટ્રીયન તેમનો રાષ્ટ્રીય ધર્મ છે.
સૈકાઓ પહેલાં પારસી સમુદાયના લોકો ઇરાનમાંથી ભારતમાં આવ્યા હતા અને ભારતીયો સાથે (દૂધમાં સાકર ભળે એમ) દેશમાં ભળી ગયા હતા. ઇરાનથી ભારતમાં સ્થાયી થયેલા આ મહાન સમુદાયે ભારતને અનેક ક્ષેત્રે અસંખ્ય લેજન્ડ્સ આપ્યા છે અને ભારતના વિકાસમાં તેમનું બહુ મોટું યોગદાન રહ્યું છે.
‘ઇરાનમાં રમતગમત’ વિષય પર પર પાછા આવીએ તો પ્રાચીન ઇરાનમાં 24 વર્ષથી ઓછી ઉંમરના યુવાનો-યુવતીઓને ખાસ કરીને મીમ આર્ટિસ્ટ બનવા માટેની (સ્ટોરી પર આધારિત બૉડી મૉશનથી ઍક્ટિંગ કરવી) તેમ જ ઘોડેસવારી, પૉલો (ઘોડા પર બેસીને સ્ટિક સાથે બૉલને ફટકારવાની રમત), ડાર્ટ થ્રો (લાકડાથી બનેલું હથિયાર ફેંકવાની રમત), કુસ્તી, મુક્કાબાજી, તીરંદાજી અને તલવારબાજીની તાલીમ આપવામાં આવતી હતી. સદીઓ પૂર્વે યુવા વર્ગના સ્પોર્ટ્સપર્સન્સ પાસે આ રમતની તાલીમમાં એવો કઠોર પરિશ્રમ કરાવવામાં આવતો હતો કે જેથી દેશને જરૂર પડે તો તેઓ યુદ્ધમાં કામ લાગી શકે તેમ જ ભૂખમરો, પાણીની તંગી, અસહ્ય ગરમી અને કાતિલ ઠંડી જેવા સંજોગોમાં પણ શારીરિક ક્ષમતા જાળવી શકે અને દેશને કોઈને કોઈ રીતે ઉપયોગી થઈ શકે. ઇરાનીઓની એ જ ખાસિયત (ક્ષમતા અને સંકલ્પશક્તિ) આજે અમેરિકા અને ઇઝરાયલ અખાતના યુદ્ધમાં અનુભવી રહ્યા છે.
2012ની લંડન ઑલિમ્પિક્સમાં ઇરાન સાત ગોલ્ડ મેડલ સહિત કુલ 13 ચંદ્રક જીત્યું હતું અને ઑલિમ્પિક્સના ઇતિહાસમાં મધ્ય પૂર્વના દેશોમાં અત્યાર સુધીનો આ સર્વશ્રેષ્ઠ પર્ફોર્મન્સ ગણાય છે. ફૂટબૉલમાં ઇરાનના અલી દાઇનું નામ વિશ્ર્વના ટોચના ખેલાડીઓમાં ક્રિસ્ટિયાનો રોનાલ્ડો અને લિયોનેલ મેસી પછી ત્રીજા નંબરે છે. સૌથી વધુ આંતરરાષ્ટ્રીય ગોલ કરનારાઓમાં રોનાલ્ડો (143 ગોલ) પ્રથમ નંબરે, મેસી (115 ગોલ) બીજા નંબરે અને અલી દાઇ (108 ગોલ) ત્રીજા નંબરે છે. ચોથા સ્થાને ભારતનો સુનીલ છેત્રી (95 ગોલ) છે.
1979માં ઇરાનના શાહના શાસનનો અંત આવ્યો હતો અને આયાતોલ્લાહ ખોમેઇનીનું શાસન આવ્યું ત્યારથી ઇરાનમાં મહિલાઓ માટે ખેલકૂદમાં અનેક પ્રકારના નિયંત્રણો છે. 1996, 2000, 2004 અને 2008 મળીને કુલ ચાર ઑલિમ્પિક ગેમ્સમાં ઇરાનમાંથી કુલ મળીને માત્ર છ મહિલા ઍથ્લીટોએ ભાગ લીધો હતો. છેક 2016માં ઇરાનની મહિલા ઍથ્લીટ (કિમીયા અલીઝાદે) આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતી હોય એવો પ્રથમ કિસ્સો બન્યો હતો. ત્યારે તે યુથ ઑલિમ્પિક ગેમ્સમાં સુવર્ણચંદ્રક જીતી હતી. જોકે થોડાં વર્ષોથી ઇરાનમાં મહિલાઓને (અમુક સરકારી નિયમોને આધીન) અનેક પ્રકારની રમતોમાં ભાગ લેવાની છૂટ મળી છે.
કિમીયા અલીઝાદે 27 વર્ષની છે. તે મૂળ ઇરાનની છે, પરંતુ બલ્ગેરિયા વતી ટાયેકવૉન્ડોની આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ભાગ લે છે. તે 2016ની રિયો ડિ જાનેરો ઑલિમ્પિક્સમાં બ્રૉન્ઝ મેડલ જીતી હતી.
ફૂટબૉલ, કુસ્તી, મુક્કાબાજી, બૉડી-બિલ્ડિંગ, ચેસ, બાસ્કેટબૉલ, વૉલીબૉલ, વેઇટલિફ્ટિંગ તેમ જ કબડ્ડી ઇરાનની મુખ્ય રમતોમાં ગણાય છે. જોકે સ્કિઇંગ, હાઇકિંગ તથા ક્લાઇમ્બિંગની તેમ જ માર્શલ આર્ટ્સની રમતોમાં પણ ઇરાનીઓ કુશળ છે.