રાજકોટઃ દુબઈથી મુંબઈ તરફ આવી રહેલી ઈન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટમાં અચાનક ધુમાડાની વોર્નિંગ મળતા ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. એરક્રાફ્ટના કાર્ગો કમ્પાર્ટમેન્ટમાંથી ધુમાડો નીકળતો હોવાની જાણ થતાં જ પાઇલટે ત્વરિત નિર્ણય લઈને ફ્લાઈટને રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફ ડાઇવર્ટ કરી હતી, જ્યાં તેનું સુરક્ષિત ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.
મળતી માહિતી અનુસાર ઈન્ડિગોની આ ફ્લાઈટમાં ક્રૂ મેમ્બર્સ સહિત કુલ 194 મુસાફરો સવાર હતા. ફ્લાઈટ જ્યારે મુંબઈ તરફ આગળ વધી રહી હતી ત્યારે અચાનક તેના માલસામાન રાખવાના ભાગ એટલે કે કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં સ્મોક થવાની જાણ થઈ હતી. ફ્લાઈટમાં સ્મોક વોર્નિંગ મળતા જ મુસાફરોમાં ભારે ડર અને ગભરાટનો માહોલ ફેલાઈ ગયો હતો.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાયલટે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલનો સંપર્ક કર્યો હતો અને રાજકોટ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ માટેની મંજૂરી મેળવી હતી.
ઈમરજન્સી લેન્ડિંગની મંજૂરી મળતા જ રાજકોટ એરપોર્ટ તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે તમામ સુરક્ષા વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી. ઘટનાસ્થળે ફાયર ફાઈટર અને એમ્બ્યુલન્સ સહિતની ઈમરજન્સી સેવાઓને એલર્ટ કરી દેવામાં આવી હતી, જેથી કોઈ પણ અણબનાવને ટાળી શકાય. પાઇલટની સતર્કતાને કારણે તમામ મુસાફરોનો સુરક્ષિત બચાવ થયો હતો.
સૂત્રોએ જણાવ્યું કે જણાવ્યું હતું કે દુબઈ-મુંબઈ વચ્ચેની ફલાઇટમાં કાર્ગો કમ્પાર્ટમેન્ટમાં એકાએક ધુમાડો નીકળતા આજે બપોરના 2:45 વાગ્યે ફુલ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી ત્યાર પછી બપોરના 3:27 વાગ્યે આ ફ્લાઇટનું રાજકોટ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. તમામ મુસાફરો સુરક્ષિત છે.