Thu Jun 25 2026

Logo

તમારા પેટ્સને આ રીતે બચાવો પ્રદૂષણથી...

2026-03-15 08:58:00
Author: વિવેક કુમાર
Article Image

ટૂંકુ ને  ટચ  - વિવેક કુમાર

વર્તમાનમાં પ્રદૂષણે માઝા મૂકી દીધી છે. ગ્લોબલ વોર્મિંગના સકંજામાં સૌ કોઈ આવી ગયા છે. દિવસે ને દિવસે પ્રદૂષણ વધી રહ્યું છે. એનાથી માત્ર માનવજાતિ જ નહીં, પરંતુ પશુ-પંખીઓ પણ પ્રભાવિત થાય છે. જાનવરોને પણ શ્ર્વાસ સંબંધિ સમસ્યાઓ, ફેફસામાં કેન્સર અને એલર્જી જેવી બીમારીઓ થાય છે. આધુનિકતા અને ઔદ્યોગિકીકરણને કારણે ઇન્ડસ્ટ્રીમાંથી નીકળતા ઝેરીલા ગેસ, વાહનોમાંથી નીકળતો ધુમાડો અને દૂષિત પાણી આપણા પાલતુ જાનવરો પર ખરાબ અસર કરે છે. હવામાં રહેલી ધૂળના કણો, ધુમાડો, ફેક્ટરીઓમાંથી નીકળતો ઘોંઘાટ, પ્રોડક્શનને કારણે નિર્માણ થનાર ધૂળ-માટીને કારણે આપણા પેટ્સની સાંભળવાની ક્ષમતા પર અસર થાય છે. એવામાં પાલતુ જાનવરોને આ બધી સમસ્યાથી કઈ રીતે દૂર રાખી શકાય એ વિશે વિસ્તારથી જાણીએ.

ઘરનું પ્રદૂષણ

આપણાં પેટ્સને સ્વસ્થ રાખવા માટે ઘરની અંદરની હવા શુદ્ધ હોવી ખૂબ જરૂરી છે. તહેવારમાં થનાર ફટાકડાંનો ધુમાડો, એર પ્યુરિફાયરથી નીકળતી પ્રદૂષિત હવાને કારણે ઘરના બારી-બારણા વ્યવસ્થિત બંધ રાખવા જોઈએ. પ્રદૂષિત હવાથી આંખોમાં ખંજવાળ, આંખ લાલ થવી, આંખમાંથી પાણી નીકળવા જેવી સમસ્યા આપણા પાલતુ જાનવરોને પણ થાય છે. એથી તેમની આંખોને આઈવૉશ કરીને આઇડ્રોપ્સનો ઉપયોગ કરવો જોઈએ. 

ઘરના સમારકામ દરમિયાન

ઘરમાં રંગરોગાન કરાવતી વખતે એમાં રહેલા કેમિકલ્સથી આપણી આંખો પર અસર થાય છે એવી જ રીતે આપણા પેટ્સ પર અસર થાય છે. ઘરમાં જ્યારે પણ કલરનું કામ થતું હોય તો એ દરમિયાન તેને ઘરની બહાર રાખવા. પેટ્સનાં વાસણોને પણ સારી રીતે ધોવા જોઈએ. તેમને ફિલ્ટરવાળું પાણી આપવું જોઈએ. 

પ્રદૂષણથી બચાવ

મોટાં શહેરોમાં શિયાળામાં પ્રદૂષણ ખાસ્સું એવું વધી જાય છે. એવા સમયે ડૉક્ટર પણ લોકોને બહાર વૉક કરવાની ના પાડે છે. કેમ કે એ વખતે પ્રદૂષણનું સ્તર ખૂબ હોય છે. સાથે હવાની ગુણવત્તા પણ સારી નથી હોતી. એથી પાલતુ જાનવરોને પણ એ સમયે બહાર ન લઈ જવા. જ્યારે ખૂબ જ જરૂરી હોય ત્યારે જ તેમને બહાર લઈ જવા. તેમને જ્યારે ઘરમાં લાવો ત્યારે તેમને ભીના ટુવાલથી સાફ કરવા, કેમ કે તેમનાં ફર પર લાગેલા વાતાવરણિય પ્રદૂષક ઘરનાં વાતાવરણને પ્રદૂષિત કરી શકે છે. 

અંદરનું વાતાવરણ સ્વચ્છ

ઘરની અંદર રહેતા હોઈએ તો પણ સ્વાસ્થ્ય સંબંધી બીમારીઓની શક્યતા હોય છે. ઘરને પ્રદૂષણ મુક્ત રાખવું ખૂબ જરૂરી છે. ઘરમાં અગરબત્તી, મીણબત્તી, ગૅસ સ્ટોવ, પરફયુમ અને અન્ય વસ્તુઓને કારણે પણ ઘરનું વાતાવરણ પ્રદૂષિત થાય છે. રસોઈ કરતી વખતે એક્ઝોસ્ટ ફેન ચાલુ રાખવો જોઈએ. જેથી રસોઈ વખતે થતો ધુમાડો ઝડપથી નીકળી જાય. નહીં તો એ ધુમાડો પણ તેમના માટે જોખમી સાબિત થઈ શકે છે. ઘરને છાશવારે વેક્યુમ ક્લીન કરતા રહેવું. પાલતુ જાનવર આપણા ઘરના એક સદસ્ય સમાન જ છે. એથી તેમની સલામતીનું પણ પૂરતું ધ્યાન રાખવું એ આપણી ફરજ છે.