Wed Jul 29 2026

Logo

હોમિયોપેથી ડોકટરોને એલોપેથિક દવાઓ લખવાની મંજૂરી અંગે સરકાર હાઇકોર્ટના આદેશની રાહ જોઈ રહી છે

2026-03-16 20:03:03
Author: Vipul Vaidya
Article Image

મુંબઈ: મહારાષ્ટ્ર સરકારે સોમવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે હોમિયોપેથી ડોકટરોને ચોક્કસ એલોપેથિક દવાઓ લખવાની મંજૂરી આપવાના મુદ્દા પર તેઓ કોર્ટના અંતિમ આદેશની રાહ જોઈ રહ્યા છે, જોકે લગભગ 8,000 પ્રેક્ટિશનરોએ આને માટેનો ફરજિયાત બ્રિજ કોર્સ પૂર્ણ કર્યો છે.
રાજ્ય વિધાનસભામાં ધ્યાનાકર્ષક સૂચનાનો જવાબ આપતા, તબીબી શિક્ષણ ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન માધુરી મિસાળે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના ગ્રામીણ અને અંતરિયાળ વિસ્તારોમાં એમબીબીએસ ડોકટરોની અછતને ધ્યાનમાં રાખીને સર્ટિફિકેટ કોર્સ ઇન મોર્ડન ફાર્માકોલોજી (સીસીએમપી) શરૂ કરવામાં આવ્યો હતો.

તેમણે એવી માહિતી આપી હતી કે, આ કાર્યક્રમ સાડા પાંચ વર્ષની બીએચએમએસની ડિગ્રી પૂર્ણ કરનારા ડોકટરોને જરૂર પડ્યે ચોક્કસ એલોપેથિક દવાઓ લખવાનું મર્યાદિત જ્ઞાન મેળવવા માટે વધારાનો એક વર્ષનો અભ્યાસક્રમ લેવાની મંજૂરી આપે છે.

‘લગભગ 8,000 ડોકટરોએ આ કોર્ષ પૂર્ણ કર્યો છે, અને 33 સંસ્થાઓ તાલીમ આપી રહી છે,’ એમ તેમણે જણાવ્યું હતું. 

તેમણે જણાવ્યું હતું કે કેટલાક એલોપેથિક ડોકટરો અને તેમના સંગઠનોએ આ કોર્સનો વિરોધ કર્યો હતો, અને ત્યારબાદ આ મામલો બોમ્બે હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો.

તેમણે જણાવ્યું હતું કે કોર્ટના વચગાળાના આદેશ બાદ, સરકારે પાત્ર હોમિયોપેથી ડોકટરોની નોંધણી માટે એક ઓનલાઈન પોર્ટલ બનાવ્યું છે.

‘અત્યાર સુધીમાં લગભગ 2,182 ડોકટરોએ પોર્ટલ પર નોંધણી કરાવી છે. જોકે, આ મામલો ન્યાયાધીન હોવાથી અને કોર્ટનો અંતિમ આદેશ હજુ સુધી મળ્યો નથી, તેથી તેમને કોઈ પ્રમાણપત્ર આપવામાં આવ્યા નથી,’ એમ મિસાળે જણાવ્યું હતું. 

તેમણે એવી સ્પષ્ટતા કરી કે આ પહેલનો હેતુ એક તબીબી પ્રણાલીને બીજી ઉપર પ્રોત્સાહન આપવાનો નથી પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં ડોકટરોની અછતને દૂર કરવા અને જનતા માટે મૂળભૂત આરોગ્યસંભાળ સેવાઓ સુનિશ્ર્ચિત કરવાનો છે.

રાજ્ય સરકારે હાઇકોર્ટના વચગાળાના નિર્દેશો અનુસાર નોંધણી પ્રક્રિયા લાગુ કરી છે અને અંતિમ ચુકાદા પછી જ આગળના પગલાં લેવામાં આવશે, એમ પણ પ્રધાને જણાવ્યું હતું.