હાસ્ય વિનોદ - વિનોદ ભટ્ટ
1969ની વીસમી જુલાઈએ નીલ આર્મસ્ટ્રોંગે ચન્દ્ર પર પગ મૂક્યો ત્યારે અમે અમારા ધાબામાં સૂતાં સૂતાં ચન્દ્ર સામે તાકી રહ્યા હતા - એ તપાસવા કે ચન્દ્ર પર કોઈ માણસ ચાલતો દેખાય છે? એક સજ્જન એ વખતે કહેતા હતા કે સારું છે કે આજે સુદ બીજ છે, બાકી એ લોકો અમાસના દિવસે જશે તો તેમને મુસીબત થશે, ચન્દ્ર જડશે જ નહીં... ખરેખર તો તેમને પૂનમની રાતે જ ત્યાં ઊતરવું જોઈએ - બધું બરાબર જોઈ તો શકાય!
અમેરિકી સમય પ્રમાણે રાત્રે દસ ને ઓગણચાલીસ મિનિટે આર્મસ્ટ્રોંગે ચન્દ્ર પર પહેલાં પોતાનો ડાબો પગ મૂક્યો હતો ત્યારે ચન્દ્ર પર દિવસ હતો, ત્યાંનો એક દિવસ આપણા ચૌદ દિવસ જેવડો મોટો છે - આનો અર્થ એવો થાય કે ત્યાં જો માણસો વસવાટ કરે ને સરકારી કચેરીઓ સ્થપાય તો કર્મચારીઓનો પગાર દર બે દિવસે કરવો પડે, આપણા ફેબ્રુઆરી મહિનાની જેમ ત્યાં અઠ્ઠાવીસ દિવસનો મહિનો ગણાય. લેણદાર પાસેથી બે દિવસના વાયદે લીધેલ પૈસા અહીં અઠ્ઠાવીસ દિવસ સુધી વાપરી શકાય.
આમ તો અહીંથી (એટલે કે અમેરિકાથી) ત્રણ વિજ્ઞાનીઓ ચન્દ્ર પર ગયેલા, પણ ચન્દ્ર પર પગ મૂકવાનું સદ્ભાગ્ય તો નીલ આર્મસ્ટ્રોંગ અને એડ્વીન એલ્ડ્રીનને જ મળ્યું. સાથે હોવા છતાં માઇકલ કૉલિન્સના ભાગ્યમાં તો યાનમાં જ બેસીને ‘બોર’ થવાનું આવ્યું. લાવ, જરા બહાર નીકળીને પગ છૂટો કરી આવીએ કે આસપાસ કોઈ પાનનો ગલ્લો હોય તો એકસોવીસનો માવો (કિમામ જ્યાદા) ખાઈ આવીએ એવું મન તે ન કરી શક્યો - આનું નામ નસીબ! ચંદ્ર પર હોવા છતાં તેના પર પગ કે માથું ટેકવવાની ખુશનસીબી તેને ન મળી. આર્મસ્ટ્રોંગ જ્યારે 18-20 વર્ષનો હશે ત્યારે તેની કુંડળી કે હથેળી જોઈને કોઈ જ્યોતિષીએ તેને કહ્યું હોત કે તારો ચંદ્ર અતિ બળવાન છે, એક દિવસ એવો આવશે જ્યારે તું સાક્ષાત ચંદ્રને મળી શકીશ, તો આર્મસ્ટ્રોંગે એને ગપ્પું માની મજાક ઉડાવી હોત, પણ પછી તેણે જ્યોતિષીઓને પૂછયું હશે કે ‘જુઓ ને, મારે મંગળગમનનો યોગ છે કે નહીં?’
ચંદ્રયાન ‘ઈગલ’માંથી બહાર નીકળવા અગાઉ બારણું ખોલવા આર્મસ્ટ્રોંગ તૈયાર થયો ત્યાર પહેલાં તેણે બહાર જવાનો પોશાક પહેરી લીધો હતો - ભલે આપણને કોઈ ઓળખે - ન ઓળખે પણ કપડાં તો વ્યવસ્થિત પહેરવાં જોઈએ ને! સવાલ પૃથ્વીની આબરૂનો હતો. કાશ્મીરમાં હિમવર્ષા વખતે આપણે જેમ શરીરને ગરમ કપડાં - ધાબળા વગેરેથી ઢાંકી દઈએ છીએ એ રીતે તેણે સમદબાણનો પોશાક પહેરીને શરીરને ચંદ્ર - યોક બનાવી દીધું હતું.
કહેવાય છે કે ચંદ્ર પર ઑક્સિજનનું નામ નહીં. ચંદ્ર પર હવા પણ નથી (ત્યાં પતંગ ચડાવી શકાય નહીં.) એટલે વાતાવરણના યોગ્ય દબાણ વિના અને પ્રાણવાયુ વગર ચંદ્ર પર માણસ તરત જ ગુજરી જાય. આપણે મરવા માટે ડૉક્ટરોની મદદ લેવી પડે છે - ત્યાં એવી જરૂર ન પડે, એમ જ ઊકલી જવાય.
ચંદ્ર પર ગરમી તેમ જ ઠંડી અસહ્ય છે - એ.સી., આઈસક્રીમ ને બરફનો ધંધો ધમધોકાર ચાલી શકે, ગરમ કપડાંનો પણ. ના, છત્રી, રેઈનકોટના ધંધાવાળા ભૂખે મરે.
આર્મસ્ટ્રોંગે ‘ઈગલ’નો દરવાજો ધીમેથી ખોલ્યો હતો - દરવાજો ખોલવા અગાઉ ‘કી હોલ’માંથી જોયું પણ હશે કે બહાર પેલી રેંટિયો કાંતતી ડોસી તો નથી ઊભી ને! દરવાજો ખોલીને આર્મસ્ટ્રોંગ સીડીનાં પગથિયાં ઊતરી ચંદ્ર પર પગ મૂકવા જતો હતો ત્યારે એ ખૂબ જ રોમાંચિત થઈ ગયો હતો, તેના હૃદયના ધબકારા ત્રણ ગણા વધી ગયા હતા. અમારા જેવો પોચા દિલનો હોત તો ઉત્સાહના અતિરેકમાં હાર્ટઍટેકથી ત્યાં જ ઢળી પડત. પણ તેના આર્મ જ નહીં, તેનું હાર્ટ પણ સ્ટ્રોંગ હોવાને કારણે તેણે મક્કમતાથી ચંદ્ર પર પગ મૂક્યો. ચંદ્ર પર આર્મસ્ટ્રોંગ પોતાના પગ પર જ ઊભો રહી શક્યો છે, જમીનમાં ઊતરી ગયો નથી એ જોયા-જાણ્યા પછી એલ્ડ્રીને હિંમતપૂર્વક ચંદ્ર પર ઝુકાવ્યું.
આર્મસ્ટ્રોંગ અહીંથી કેમેરો લઈ ગયો હતો, પણ ફોટા પાડતાં પહેલાં ત્યાં તે કોઈને ‘સ્માઈલ પ્લીઝ’ કહી શક્યો નહોતો. ચંદ્ર પરથી તેને એફિલ ટાવર કે તાજમહાલ દેખાયા નહોતા. હા, ચીનની દીવાલ જોઈ શકેલો. આયરિશ નાટ્યકાર જ્યોર્જ બર્નાર્ડ શૉએ ચીનની દીવાલ પ્લેનમાં ઊડીને જોઈ હતી. પત્રકારોએ તેને પૂછયું હતું કે, ચીનની દીવાલ તમને કેવી લાગી? ત્યારે તેણે કહેલું કે દીવાલ જેવી લાગે એવી આ દીવાલ લાગી હતી, એમાં બીજું શું લાગે! અમારા જેવો દોઢડાહ્યો ત્યાં હાજર હોત તો શૉને પૂછત કે પેલી કહેવત પ્રમાણે ચીનની દીવાલને કાન હતા?
પૃથ્વી કરતાં ચંદ્ર પર છઠ્ઠા ભાગનું જ ગુરુત્વાકર્ષણ છે, આ કારણે આર્મસ્ટ્રોંગનું વજન પણ પૃથ્વીના મુકાબલે છઠ્ઠા ભાગનું થઈ ગયું હતું. આ હિસાબે ચંદ્ર પર ગધેડા ફાવી જવાના. અહીંના કરતાં ત્યાં તે વધુ માટી પોતાની પીઠ પર ઉઠાવી શકશે, મજૂરી પણ વધુ પામશે. જોકે એ તેના માલિક લઈ લેશે... શોષણ તો ચંદ્ર પર પણ થવાનું.
ચંદ્ર પરથી આર્મસ્ટ્રોંગે વૉટરગેટ કૌભાંડ ફેઈમ પ્રેસિડેન્ટ નિક્સન સાથે વાત કરી હતી. કહેવાય છે કે તેણે પોતાના ઇન્કમટૅક્સના વકીલ માટે પણ એક સંદેશો મોકલ્યો હતો કે મારો ટેક્સ ભરવાની આજે છેલ્લી તારીખ છે, ભરાવી દેજો. ચંદ્ર પર બેઠાં બેઠાં તેને પોતાના ઇન્કમટૅક્સની ચિંતા થતી હતી. (મૂરખ, માણસ!)
પૃથ્વીવાસીઓને સંબોધીને તેણે કહ્યું હતું કે, માણસ માટે આ એક વામન પગલું છે, પણ માનવજાત માટે આ વિરાટ છલાંગ છે.
જોકે આ વાક્ય તે અંગ્રેજીમાં બોલ્યો હતો, બોલતી વખતે તેણે વ્યાકરણમાં છબરડો વાળ્યો હતો, ખોટું અંગ્રેજી બોલ્યો હતો, ચંદ્ર વિશે તે બોલ્યો હતો :
‘ચંદ્રની સપાટી સરસ છે અને તે પાઉડર જેવી ધૂળવાળી છે. મારા જોડા પર હું ચંદ્રની ધૂળને ઊંચકી શકું છું, ચંદ્રની ધૂળ મારા જોડાને પાતળા પડ રૂપે ચોંટે છે. ચંદ્રની ધૂળમાં મારા પગ ઇંચના આઠમા ભાગ જેટલા ઊંડા ઊતરે છે, અને ધૂળમાં પડેલાં મારાં પગલાં પણ હું બહુ જ સ્પષ્ટપણે જોઈ શકું છું...’ આર્મસ્ટ્રોંગનાં પગલાં ચંદ્ર પર લાખો વર્ષો સુધી જળવાઈ રહેશે - તેણે જે કંપનીના બૂટ પહેરેલા એ બૂટ બનાવતી કંપની પોતાની જાહેરાતમાં લખી શકી હોત : ‘અમારા બૂટનું આયુષ્ય લાખો વર્ષનું છે...’
પતિ બહારગામથી આવે ત્યારે તેની પત્ની રિવાજ મુજબ પૂછતી હોય છે કે મારા માટે શું લઈ આવ્યા? એ રીતે ચંદ્ર પરથી પાછા ફરેલા આર્મસ્ટ્રોંગની સ્ત્રીએ પણ તેને પૂછયું હશે કે 3,65,192 કિલોમીટર ફરી આવ્યા, ત્યાંથી મારા માટે શું લઈ આવ્યા? ‘ધૂળ ને ઢેફાં’ આર્મસ્ટ્રોંગે હસીને જવાબ દીધો હશે ત્યારે ખીજમાં તે સ્ત્રી બોલી હશે: ‘આ તો પાઉડર જેવી ઝીણી માટી છે, આનાથી તો વાસણ પણ ન મંજાય.’
એ સ્ત્રી સામે દયાથી જોતાં તે વિચારતો હશે કે આને બાપડીને ક્યાં ખબર છે કે અડતાલીસ રતલ માટીનાં ઢેફાં ઊંચકી લાવવાનો ખર્ચ 38,400 કરોડ ડૉલર થયો છે - આમાંની ચપટી ધૂળ કેટલાની થાય? જોકે આર્મસ્ટ્રોંગે ચંદ્ર વિશે બહુ વાતો નથી કરી. આ અંગે તે કોઈને ઈન્ટરવ્યૂ આપતો નથી - ચંદ્ર પર તે પોતાનો અબાધિત અધિકાર ભોગવવા માગતો હોય એમ બને.
પણ બાકીના બે યાત્રીઓને ચંદ્ર બરાબરનો ચડી ગયેલો. એક માનસિક રીતે ચંદ્ર પર રહેવા ઈચ્છતો હોય તેમ દારૂની લતે ચડી ગયેલો ને બીજાએ ત્રણ વખત લગ્ન કર્યાં છે. ચંદ્ર પર જઈ આવેલ યાત્રીઓ હજી જીવે છે, આ પરથી એવા તારણ પર આવવાનું કોઈને મન થાય કે ચંદ્ર પર જવાથી આયુષ્ય વધે છે - ને લોકોનો ચંદ્રપ્રેમ વધી પણ જાય...
ઈતિહાસપ્રસિદ્ધ મહમ્મદ તઘલખ ચંદ્રના ગાઢ પ્રેમમાં હતો. પોતાના ફૅમિલી હિસ્ટોરિયન ઇબ્ને બતૂતાને મહમ્મદ કહેતો : ‘ઈબ્ન, મારે ચાંદ જોઈએ છે...’
ચંદ્રને પાગલપણા સાથે સીધો સંબંધ છે એમ કહેવાય છે.