આજે આટલું જ - શોભિત દેસાઈ
મેં આ વાર્તા 63 વર્ષ પહેલાં સુણી હતી. મારા નામ પછી જેમનું નામ લાગે છે એમના વડીલ બંધુ પાસેથી એમની 60ની વયે... એટલે ઓછામાં ઓછી વય વાર્તાની નહીં નહીં તોય 130ની નાખી દેતા... કમાલ વાર્તા પૂરી થાય એ પછી ટીવી ઉપરના કોઇક કવિતાના શોમાં સાવ 15-17ની કોઇ ઠસ્સાદાર દિકરીએ રજૂ કરેલ ચમત્કારની છે... આજના રવિવારે તમને કાવ્ય મિષ્ઠાન ધરી શકવા બદલ મને તમારી ઇર્ષ્યા થાય છે...
છોકરો બહુ કાલો ને પડપૂછિયો હતો. રોજ તે બાપની સાથે દુકાને જાય અને બાપને કાંઇનું કાંઈ પૂછયા કરે. વાણિયો એટલો બધો શાંત હતો કે દીકરાને રાજી કરવા માટે જે પૂછે તેનો જવાબ આપ્યા કરે. કોઇ દિવસ ધેલિયાને નાખુશ કરે નહીં. કોઇ દિવસ પોતે ખિજાઇ ન જાય. હંમેશાં ઘેલિયાભાઇ કહે તેમ કરે.
એક દિવસ ઘેલિયો બાપની સાથે દુકાને આવ્યો અને લાડથી બાપનો ખોળો ખૂંદવા લાગ્યો ને જે તે પૂછવા લાગ્યો. એટલામાં, દુકાનની સામે એક ઝાડ હતું. તેના પર એક કાગડો આવીને બેઠો ને ‘કો-કો’ કરવા લાગ્યો. ધેલિયાએ કાગડાને જોયો, એટલે તેની તરફ આંગળી કરીને બાપને કહ્યું : ‘બાપા-કાગડો!’ બાપા કહે : ‘હા, ભાઇ! કાગડો.’
ફરી વાર છોકરે બાપનો હાથ પકડી કહ્યું : ‘બાપા-કાગડો!’ બાપાએ એટલી જ ધીરજથી કહ્યું : ‘હા, ભાઇ ! કાગડો.’ જવાબ આપીને બાપ દુકાનના કામમાં જરા રોકાયો, એટલે વળી છોકરે બાપનો ગોઠણ હલાવી કહ્યું : ‘જુઓ તો બાપા-કાગડો !’
બાપે ધંધામાંથી ધ્યાન કાઢી ઘણી શાંતિથી કહ્યું : ‘હા, બેટા !કાગડો.’
છોકરાને આટલાથી સંતોષ થયો નહીં. બાપ પાછો પોતાના કામમાં રોકાયો, ત્યાં તેની પાઘડી ખેંચી વળી બોલ્યો : ‘બાપા-કાગડો!’
બાપે જરા પણ ચિડાયા વિના કહ્યું : ‘હા, ભાઇ, ! કાગડો - હં.’ છોકરો તો વેને ચડયો ને વળી બોલ્યો : ‘જુઓ તો ખરા! બાપા-કાગડો!’
બાપે ચોપડો લખતાં લખતાં છોકરા સામે જોઇને વળી કહ્યું : ‘હા હોં, બેટા! કાગડો. એ કાગડો છે હં.’
થોડી વાર સુધી છોકરો કાગડા સામે જોઇ રહ્યો, અને વળી ધૂરી આવી હોય તેમ બાપનો ખભો જોરથી હલાવીને બોલ્યો: ‘બાપા- કાગડો!’
બાપે જરા પણ ગુસ્સે થયા વિના કહ્યું : ‘હા, ભાઇ ! કાગડો.’ ‘બાપા-કાગડો!’ આ રીતે છોકરો તો વારેવારે બાપને ‘બાપા-કાગડો!’ ‘બાપા-કાગડો!’ એમ ચીંધતો ગયો, ને બાપ ‘હા, ભાઇ, કાગડો’‘હા, ભાઇ, કાગડો!’ એમ બોલતો જ રહ્યો. છેવટે છોકરો થાકયો અને ‘બાપા-કાગડો’. બોલતો બંધ પડયો.
બાપ વાણિયો હતો, શાણો હતો. છોકરો જેમ જેમ ‘બાપા-કાગડો!’ ‘બાપા-કાગડા!’ બોલતો ગયો તેમ તેમ તે પોતાના ચોપડામાં ‘બાપા-કાગડો!’ ‘હા, ભાઇ! કાગડો’ એ પ્રમાણે લખતો ગયો. છોકરો થાકી ગયો ત્યારે બાપે ગણી જોયું તો બરાબર એકસો વાર ‘બાપા-કાગડો’ ‘હા, ભાઇ! કાગડો’ લખાયેલું હતું. ભવિષ્યમાં કોઇ દિવસ આ ચોપડો કામ આવશે, એમ ધારી ડાહ્યા વાણિયાએ ચોપડાને સાચવીને જૂનાં દફતરોમાં મુકાવ્યો.
આ વાતને ઘણાં વર્ષો વીતી ગયા. વાણિયો છેક ઘરડો થઇ ગયો હતો, ને પેલો ઘેલિયો ત્રીસ વર્ષનો જુવાન થઇ ગયો હતો. ઘેલિયો તો હવે મોટો શેઠ બની રહ્યો હતો અને વેપાર ધમધોકાર ચાલતો હતો. ‘ઘેલિયો’ સઘળે ‘ઘેલાશા’ ‘ઘેલાશા’ થઇ પડયો હતો ને બધેય બહુમાન હતું, પરંતુ ઘરડો વાણિયો દુ:ખી હતો.
ઘેલાશા તેને બહુ દુ:ખ આપતો હતો. બાપ બહુ કંટાળ્યો, એટલે ઘેલિયાને કેવા લાડથી ઉછેર્યો હતો એ તેને યાદ આપવાનો તેણ વિચાર કર્યો. એક દિવસ ઘરડો વાણિયો લાકડીને ટેકે ટેકે દુકાને ગયો અને ઘેલાશાની ગાદીએ ચડીને બેઠો. બાપને જોઇને દીકરો ચિડાયો ને મનમાં બબડયો : ‘આ ડોસો વળી અહીં કયાં આવ્યો? નકામો ટકટકાટ કરશે અને મારો જીવ ખાશે!’
થોડીવારમાં ડોસાએ એક કાગડો જોઇ ટાઢે પેટે કહ્યું: ‘ભાઇ-કાગડો!’
ડોસાએ વળી કહ્યું : ‘ભાઇ-કાગડો!’
ઘેલાશાએ જરા વધારે ચિડાઇને અને કાંઇક તિરસ્કારથી જવાબ વાળ્યો: ‘હા. બાપા! કાગડો.’
ડોસાએ જાણ્યું કે દીકરો ચિડાય છે, પરંતુ તે દીકરાની આંખ ઉઘાડવા જ આવ્યો હતો, તેથી પૂરેપૂરી શાંતિ રાખી ફરી બોલ્યો : ‘ભાઇ-કાગડો!’
ભાઇ તો હવે ભભૂકી ઉઠયા : ‘હા, બાપા! કાગડો. હા, એ કાગડો છે. એમાં વારે વારે ‘ભાઇ-કાગડો!’ ‘ભાઇ-કાગડો!’ એમ શું બોલ્યા કરો છો ? મને મારું કામ કરવા દો ને !’ કહીને ઘેલાશા આડું મોં કરીને પોતાને કામે લાગ્યા.
ઘરડો વાણિયો કંઇ કાચો ન હતો. તેણ ઘેલાશાનો હાથ પકડી, કાગડા તરફ આંગળી કરી ઠંડે પેટે કહ્યું : ‘ભાઇ-કાગડો !’ હવે ઘેલાશાનો મિજાજ ગયો. તેણે વિચાર્યું : ‘આ ડોસો જો ને નકામો ‘ભાઇ-કાગડો’ લવ્યા કરે છે ! નથી કાંઇ કામ કે કાજ. નવરો પડયો એટલે નકામો લવારો!’
તેણે ડોસા સામે જોઇ કહ્યું : ‘બાપા! ઘેર જાઓ. અહીં તમારું શું કામ છે? દુકાને કામકાજમાં નાહક શા માટે ડબડબ કરો છો?’ શાંતિથી જરા હસી, કાગડો સામી આંગળી કરી, ડોસો બોલ્યો : ‘પણ, ભાઇ-કાગડો.!’
‘હા, બાપા! કાગડો-કાગડો-કાગડો! હવે તે કેટલી વાર કાગડો બોલશો? અને કાગડામાં તે શું છે તે ‘કાગડો’ ‘કાગડો’ કરો છો?’ ડોસો ફરી વાર આંગળી કરી ‘ભાઇ કાગડો!’ એમ બોલે તે પહેલાં ઘેલાશાએ વાણોતરને કાગડો ઉડાડી મૂકવાનું કહ્યું. કાગડને ઉડાડી મુકાવ્યો. પછી લખતો લખતો, પોતાને મનમાં બળતો મોટેથી બબડયો.. ‘ખરેખર, સાઠે બુદ્ધિ નાઠી તે બરાબર સાચું છે. આ ડોસાની બુદ્ધિ હવે છેક ગઇ છે.’
ડોસાની આંખે આંસુ આવ્યાં. તેણે જૂના વાણોતરને બોલાવીને પેલો જૂનો ચોપડો કઢાવી ઘેલાશાના હાથમાં ‘બાપા-કાગડો!’ ‘હા, ભાઇ! કાગડો’ લખેલું પાનું મૂકયું. ઘેલાશાને તેના બાળપણની સઘળી હકીકત વાણોતરે કહી સંભળાવી.
ઘેલાશા તરત બધું સમજી ગયો;
સુખદ અંત માટે બાકીનું જે થવાનું હતું તે થયું જ...
હવે જુઓ કર્ણરમ્ય અને અતિગહન ઉર્દૂનું ભાવવિશ્વ...
બાબાજાની કરવટ લેકર હલકી સી આવાઝ મેં બોલે ‘બૈટા કલ કયા મંગલ હોગા?’
ગરદન મોડે બિન મૈ બોલા : ‘બાબા કલ તો બુધ કા દિન હૈ’.
બાબાજાની સૂન ના પાયે ફિર સે પૂછા : ‘કલ કયા દિન હૈ?’
થોડી ગરદન મોડ કે મૈને લહજે મેં કુછ ઝહર મિલા કર
મૂંહ કો કાન કી સીબમેં લાકર ધાડ કે બોલા: બુધ હૈ બાબા. બુધ હૈ બાબા.
આંખો મેં દો મોતી ચમકે, સુખે સે દો હોઠભી લરઝે,
લહજે મેં કુછ શહદ મિલા કર બાબા બોલે : ‘બૈઠો બેટા...
છોડો દિન કો દિન હૈં પૂરે,
મુઝ મેં તેરા હિસ્સા સૂન લો, બચપન કા એક કિસ્સા સૂન લો
યહી જગા થી, મૈ થા, તુમ થે, તુમને પૂછા રંગબિરંગી
ફૂલોં પર યે ઉડનેવાલી... ઇસકા નામ બતાઓ બાબા...
ગાલ પે બોસા દે કર મૈને પ્યાર સે બોલા ‘તિતલી બેટા!’
તુમને ફિર પૂછા ‘કયા બાબા?’ મૈને બોલા ‘તિતલી બેટા!’
તિતલી તિતલી કેહતે સૂનતે એક મહિના પૂરા ગુઝરા.
એક મહિના પૂછ કે બેટા? તિતલી કેહના સીખા તુમને...
હર ઇક નામ જો સિખા તુમને કીતની બાર તો પૂછા તુમને.
તેરે ભી તો દાંત નહીં થે, મેરે ભી અબ દાંત નહીં હૈ...
બાતે કરતે કરતે તું તો થક કે ગોદમેં સો જાતા થા...
તેરે પાસ તો બાબા થે ના! મેરે પાસ તો બેટા હૈ ના!
તેરે પાસ તો બાબા થે ના? મેર પાસ તો બેટા હૈ ના?
આજે આટલું જ...