અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં અમદાવાદ સહિત 8 જિલ્લામાં આવતીકાલે ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે આવતીકાલે અમદાવાદ, આણંદ, વડોદરા, ભરૂચ, સુરત, નર્મદા , તાપી, ડાંગમાં રેડ એલર્ટ આપ્યું છે.
આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
હવામાન વિભાગે રાજકોટ, અમરેલી, ભાવનગર, બોટાદ, નવસારી, દમણ, વલસાડ, દાદરા અને નગર હવેલી, છોટાઉદેપુર, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપ્યું છે.
આ જિલ્લામા યલો એલર્ટ
કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, પાટણ, મહેસાણા, વાવ થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગરમાં વરસાદનું યલો એલર્ટ આપ્યું છે.
અંબાલાલ પટેલની ગુજરાત ડૂબવાની આગાહી
રાજ્યમાં એક સાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આજથી આગામી 6 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મુંબઈ સમાચારના પ્રતિનિધિ જાહ્નવી રાઠોડે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ સાથે વાત કરી હતી. અંબાલાલ પટેલે જણાવ્યું કે, બંગાળની ખાડીમાં એક મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈને ગુજરાત તરફ આવી રહી છે. જેના કારણે 30 જુલાઈની રાતથી વરસાદની શરૂઆત થશે અને 31 જુલાઈ તથા 1 ઓગસ્ટ દરમિયાન રાજ્યના ઘણા વિસ્તોરમાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત 3 ઓગસ્ટથી 13-14 ઑગસ્ટ સુધી પણ તબક્કાવાર વરસાદી રાઉન્ડ ચાલુ રહેવાની હવામાન નિષ્ણાંતે આગાહી કરી છે.
અંબાલાલ પટેલ મુજબ, મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ, નડિયાદ, પંચમહાલ, દાહોદ અને છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે.. કેટલાક વિસ્તારોમાં 4 થી 10 ઇંચ, જ્યારે છૂટાછવાયા વિસ્તારોમાં 15 થી 20 ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી, આહવા અને વલસાડના વિસ્તારોમાં પણ મુશળધાર વરસાદ સાથે પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મહેસાણા, બનાસકાંઠા, પાટણ, રાધનપુર, કડી, કલોલ, સાબરકાંઠા અને અરવલ્લી તેમજ સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, જામનગર અને કચ્છના ભાગોમાં પણ હળવાથી ભારે વરસાદી ઝાપટાં પડશે.